Gujarat

મેશ્વો જળાશયમાંથી રવી પાકો માટે 100 કયુસેક પાણી છોડાયું

By GS Team
15 Dec 20211 min read
This article was originally published on 15 Dec 2021
મેશ્વો જળાશયમાંથી રવી પાકો  માટે 100 કયુસેક પાણી છોડાયું

મોડાસા,તા. 14

અરવલ્લી જિલ્લાના મેશ્વો જળાશયમાંથી પંથકના ખેડૂતોને રવિ વાવેતર માટે સિંચાઈનો લાભ મળી રહે તે ઉદ્દેશથી કેનાલમાં ૧૦૦ કયુસેક પાણી છોડાયું હતું. કેનાલમાં છોડાયેલા આ પીયતના પાણીથી મોડાસા,ભિલોડા અને ધનસુરા તાલુકાના ૩૫ ગામોના ૧૨૦૦ ખેડૂતોની ૨ હજાર હેકટર વાવેતરને સિંચાઈનો લાભ મળી રહેશે.

જિલ્લામાં ચાલુ વર્ષે ૧.૧૭ લાખથી વધુ હેકટરમાં જુદાજુદા રવી પાકો ઘઉં,મકાઈ,બટાટાનું વાવેતર હાથ ધરાયું છે. જિલ્લાના ભિલોડા,મોડાસા અને ધનસુરા પંથકમાં જ કુલ મળી ૭૦ હજારથી વધુ હેકટરમાં રવિ વાવેતર હાથ ધરાયું છે. ત્યારે આ વાવેતરને જરૂરી સિંચાઈનો લાભ મળી રહે તે માટે ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ વિભાગ અરવલ્લી દ્વારા મેશ્વો જળાશયમાંથી ૧૦૦ કયુસેક પાણી છોડાયું હતું. જળાશયમાંથી કેનાલમાં છોડાયેલા પાણીથી મોડાસા,ભિલોડા અને ધનસુરા તાલુકાના ૩૫ ગામોના ૧૨૦૦થી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેશે.સિંચાઈ વિભાગના આ નિર્ણયથી ૩ તાલુકા વિસ્તારની ૨૦૦ હેકટર જમીનના  વાવેતર કરાયેલ ઘઉં,ચણા,મગ,અડદ અને જીરૂ સહિત વરીયાળીના પાકને સિંચાઈનો લાભ મળી રહેશે એમ સિંચાઈ વિભાગના ઈજનેર નિરવ પટેલે જણાવ્યું હતું. જિલ્લાના મેશ્વો જળાશયમાં હાલ ૩૩.૧૮૭ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે ૬૨.૪૬ ટકા પાણીના જથ્થાને લઈ હાલ જળાશયની સપાટી ૨૧૧.૧૮ મીટર નોંધાયેલ છે. મેશ્વો જળાશયમાંથી આ સીઝનમાં રવિ વાવેતર માટે ૪ પાણી પૂરા પાડવામાં આવનાર છે.