Gujarat

ગુજરાત સરકારે ત્રણ લાખ શ્રમિકોને રૂા.1 હજારની સહાય જ ચૂકવી નથી

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
ગુજરાત સરકારે ત્રણ લાખ શ્રમિકોને રૂા.1 હજારની સહાય જ ચૂકવી નથી

હદ વટાવી : સરકારે શ્રમિકોને આપેલુ વચન પૂર્ણ કર્યું નહીં 

લોકડાઉન વખતે સહાય આપવા જાહેરાત કરી હતી : ગરીબ ક્લ્યાણ પેકેજમાં રૂા.250 કરોડ નાંખ્યા પણ વાપર્યા નહીં

અમદાવાદ : વચનો આપવામાં સરકાર જરાય પાછીપાની કરતી નથી. લોકડાઉન વખતે  હમદર્દીના  આંસુ સારી રાજ્યસરકારે ગરીબ શ્રમિકોને રૂા.1 હજાર સહાય કરવા  જાહેરાત કરી હતી. પણ આ વાતને ઘણો સમય વીતી ગયો છે.  હજુ ગુજરાતમાં ત્રણ લાખ ગરીબ શ્રમિકોને સરકારે સહાય ચૂકવી નથી. 

કોરોનાના કારણે લોકડાઉન કરાતાં  પર પ્રાંતિય શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. આ જોતાં શ્રમિકોને ગુજરાતમાં જયાં હોવ ત્યાં રહેવા આદેશ કરાયો હતો. ગરીબ શ્રમિકોએ વતનની વાટ પકડતાં ઉદ્યોગોને ભારે માર સહન કરવો પડયો હતો. લોકડાઉન વખતે ગુજરાત સરકારે મોટા ઉપાડે ગરીબ શ્રમિકોને રૂા.1 હજાર નાણાંકીય સહાય આપવા જાહેરાત કરી હતી.

બાંધકામ શ્રમિકોના ટ્રેડ યુનિયનોના અથાગ પ્રયાસોને પગલે અત્યાર સુધી આખાય રાજ્યમાં 3,68,735 શ્રમિકોને સહાય ચૂકવવામાં આવી છે પણ હજુય ત્રણ લાખ શ્રમિકો સહાયની વાટ જોઇને બેઠા છે. બાંધકામ શ્રમિક સંગઠનના આગેવોનોનો આક્ષેપછેકે, ગુજરાત સરકાર શ્રમિકોના નાણાં ય રાજકીય હેતુસર યોજનાઓ બનાવી વેડફી રહ્યા છે. ટ્રેડ યુનિયનો સાથે કોઇ સલાહ- મસલત કરવામાં આવતી નથી.

રાજ્ય સરકારે શ્રમિકોને સહાય ચૂકવવા માટે રૂા.250 કરોડ ગરીબ કલ્યાણ પેકેજમાં આપ્યા પણ પુરતા વાપર્યા નથી. બાંધકામ કલ્યાણ બોર્ડમાં કરોડો રૂપિયા ફંડ પડી રહ્યુ છે પણ શ્રમિકોના કલ્યાણકારી કામો માટે ફંડ વપરાતુ જ નથી. ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં કુલ 6.38લાખ નોઁધાયેલા શ્રમિકોને સહાય આપવા નક્કી કરાયુ હતું. સરકાર માત્ર જાહેરાતો કરે છે પણ વચન પૂર્ણ કરી શકી નથી.