Gujarat

જિલ્લાના પાલિતાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો

By GS Team
19 Jul 20202 mins read
This article was originally published on 19 Jul 2020
જિલ્લાના પાલિતાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો

ભાવનગર, તા. 19 જુલાઈ 2020, રવિવાર 

ચાલુ વર્ષે ચોમાસા ઋતુમાં સારો વરસાદ નહી પડતા ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે રવિવારે જિલ્લાના પાલિતાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જયારે તળાજા અને વલભીપુરમાં વરસાદી ઝાપટા પડયા હતાં. જિલ્લાના અન્ય તાલુકામાં મેઘવિરામ જોવા મળ્યો હતો. હાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખેતી માટે સારા વરસાદની તાતી જરૃરીયાત હોવાનુ જાણવા મળેલ છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આજે રવિવારે ર૩ મીલીમીટર એટલે કે એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે તળાજામાં પ મીલીમીટર અને વલભીપુરમાં ૩ મીલીમીટર વરસાદ પડયો હતો. આ બંને તાલુકામાં સામાન્ય ઝરમર વરસાદ થયો હતો. રપ મીલીમીટરે એક ઇંચ વરસાદ સરકારી તંત્ર દ્વારા ગણવામાં આવે છે ત્યારે પાલિતાણમાં એક ઇંચ વરસાદ પડતા ખેડૂત સહિતના લોકોને થોડી રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તળાજા અને વલભીપુરમાં વરસાદી ઝાપટાના પગલે બફારો વધ્યો હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર, મહુવા, તળાજા, સિહોર, ઉમરાળા, ઘોઘા વગેરે તાલુકામાં આજે વરસાદ નોંધાયો ન હતો તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે. 

ઘોઘા, તળાજા સહિતના કેટલાક તાલુકામાં ચાલુ ચોમાસામાં ઓછો વરસાદ પડયો છે. કેટલાક ગામમાં વરસાદના વાંકે ખેતીનો પાક સુકાય રહ્યો છે અને ખેડૂતોએ પાકને કુવા, બોરમાંથી પાણી પાવુ પડી રહ્યુ છે પરંતુ જે ખેડૂતને કુવા, બોરની વ્યવસ્થા નથી તેઓની મૂશ્કેલી વધી ગઈ છે. કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થયો છે તેથી ખેતી પાક સારો છે પરંતુ જે વિસ્તારમાં ધોધમાર વરસાદ નથી થયો તે વિસ્તારમાં ખેડૂતની હાલત કફોડી થશે તેમ જણાય રહ્યુ છે ત્યારે સારા વરસાદની હાલ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.