શૂટિંગ અટકી પડતાં ઢોલીવૂડના કલાકારો શું કરે છે?

By GS Team
18 Mar 20206 mins read
This article was originally published on 18 Mar 2020
શૂટિંગ અટકી પડતાં ઢોલીવૂડના કલાકારો શું કરે છે?

કોરોના વાઇરસના સાવચેતીના પગલે લેવાય નિર્ણયમાં હાલ તમામ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અમે ટેલિવિઝન સિરીયલોના શૂટિંગ ૨૯ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે આ અંગે વાત કરતા જાણવા મળ્યું કે, અચાનક મળેલા આ વેકેશનમાં સૌ કોઇ પુરતી સલામતી સાથે ઘરમાં રહીને 'મી ટાઇમ સ્પેન્ડ' કરી રહ્યા છે અને વધારેને વધારે સમય ફેમિલી સાથે સ્પેન્ડ કરી રહ્યા છે.

18મી કે 19મી સદી આવી ગઇ હોય એવું લાગે છે

 'કોરોનાને લીધે અત્યારે શૂટિંગમાં વેકેશન પડી ગયું છે. મિત્રો, ફેમિલી એમ બધાને એક સાથે રજા હોય એવું કોરોનાને લીધે પહેલી વખત બન્યું છે. તેથી હું પરિવાર સાથે સમય પસાર કરું છું. આગળ ક્યારેય નહોતી લાગી એવી શાંતિ મહેસૂસ કરી રહી છું. અમે મિત્રો બહાર મળવાને બદલે એકબીજાના ઘરે જઇને મળીએ છીએ. મોલ, મલ્ટીપ્લેક્સ બધુ જ બંધ હોવાને કારણે ૧૮મી ૧૯ મી સદીની જે લાઇફ હતી એ પાછી આવી ગઇ હોય એમ લાગે છે. હું ઘરની બહાર બહું ઓછી નીકળું છું અને જ્યારે જઉં ત્યારે સેનિટાઇઝરને સાથે રાખું છું અને વારંવાર તેનો ઉપયોગ કરું છું.= જાનકી બોડીવાલા

ડેડલાઇનની ચિંતા નથી, રોજ વેબ સિરીઝના 10 એપિસોડ જોવાનો ગોલ છે

આ કોરોના વેકેશનને કારણે શૂટિંગ બંધ થયા છે એટલે ૧૫ દિવસની રજામાં મજા મજા પડી ગઇ છે. કોઇ જ ડેડલાઇનની ચિંતા નથી, બસ હું મારું બ્લેન્કેટ અને મારું ટી.વી... સતત શૂટમાં રહેવાના કારણે એમ પણ હાલ જે સિરીઝ અને ફિલ્મો ચાલી રહી છે તે જોવાનો સમય ન હતો મળતો. હવે જ્યારે સમય જ સમય છે ત્યારે આ મૂવી અને સિરીઝ પૂરી કરીશ. મેં તો રોજના ૧૦ એપિસોડ જોવાનો ગોલ સેટ કર્યો છે. બહાર ખાવા-પીવાનું પોસિબલ નથી પણ આટલું સરસ વેકેશન મળ્યું છે એટલે ૧૫ દિવસ ડાયેટ બંધ કરી દીધું છે અને રોજ મમ્મી પાસે નવી નવી વાનગીઓની ફરમાઇસ કરું છું અને બેસ્ટ સમય પસાર કરી રહ્યો છું.= યશ સોની

ફ્રેન્ડ્સ સાથે મળીને પ્લે લખી રહ્યા છીએ

'કોરોનાને લીધે અત્યારે અમારે પણ વેકેશન પડી ગયું છે એટલે હું મારે ઘેર આવી છું. મને બૂક્સ વાંચવી ગમે છે, એટલે આ નવરાશની પળોમાં બૂક્સ વાંચવાનું શરૃ કર્યું છે. આ ઉપરાંત ફ્રેન્ડ સાથે મળીને અમે પ્લે લખી રહ્યાં છીએ. કોરોનાને લીધે બહાર તો જવાય એમ નથી એટલે ઘરે રહીને જેટલું સારું કરી શકાય એટલું કરવાનો પ્રયત્ન કરીશું. = દીક્ષા જોષી  

ઘરના પેન્ડિંગ કામ પૂરાં કરીશ

અમારા  ખૂબ અંગત રિલેટિવ હાલ આઇસીયુમાં છે એટલે હાલ તો થોડી વ્યસ્ત છું. કોરોના વાઇરસ વધારે ન ફેલાય અને દરેક લોકો ઘરમાં જ રહે તેના માટે શાળા-કોલેજોમાં અને પોતાના કામ પરથી પણ રજા મળી તે ખૂબ સારી બાબત છે. સાવચેતી માટે હું તો ઘરે જ રહેવાની છું અને ઘણા એવા પેન્ડિંગ કામો છે જે ઘણા સમયથી કરવાના હતા પરંતુ તે કરવાનો સમય નહતો મળતો તે કામ પતાવીશ અને હાલ મારી શોર્ટ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. મમ્મીની ફરિયાદ હોય છે કે મારા સાથે સમય નથી વીતાવતી એટલે હાલ મમ્મી સાથે લંચ અને ડિનર લઇ તેમને પુરતો સમય આપી રહી છું.=  તારિકા ત્રિપાઠી

મમ્મીએ કહ્યું, તને મનગમતી વાનગી જમાડી જાડી કરીને જ મોકલીશ

કોરાનાને કારણે શૂટિંગ બંધ ની જાહેરાત થઇ તેના બે-ત્રણ દિવસ પહેલા જ ખરાબ તબિયતને કારણે મુંબઇથી ઘરે આવી હતી અને બે દિવસમાં જ આ ન્યૂઝ આવ્યા કે શૂટિંગ બંધ કર્યું છે. મને ખૂબ આનંદ થયો કે ઇન્ડસ્ટ્રી પણ આ બાબતને સપોર્ટ કરી રહી છે. હું શૂટિંગમાં સતત બિઝી હોવાને કારણે એમ પણ ફેમીલી સાથે સમય પસાર નહતી કરી શકતી ત્યારે વણમાંગ્યો ૧૫ દિવસનો સમય મળી ગયો છે. બહાર જવાનું ટાળીને ઘરે જ મિત્રો અને કઝીન સાથે ડિનર લઇને આઉટડોર ગેમ્સ રમીએ છીએ. મારું ખૂબ વેઇટ લોસ થઇ ગયું છે એટલે મમ્મીએ કહ્યું છે કે ૨૦ દિવસમાં તને જાડી કરીને જ મોકલીશું.= અલિશા પ્રજાપતિ

'શું કરવું સમજાતું નથી, કોરોના વાઇરસે તો દુનિયા બદલીને મૂકી દીધી છે

'કોરોના વાઇરસે દુનિયાને બદલીને મૂકી દીધી છે. એક મહિના માટે મારું 'મ્નેકકસચજાીિ ગુજ્જુભાઇ' નાટકની યુ.એસ., કેનેડાની ટુર હતી પરંતુ કોરોનાને લીધે અમે અડધી ટુર કેન્સલ કરીને પરત આવી ગયાં. અહીં મુંબઇમાં પણ શૂટિંગ અને ગેધરિંગ અટકાવી દેવામાં આવ્યાં છે. તેથી અત્યારે મારો બધો જ સમય પરિવાર માટે છે. રુટિન લાઇફમાં બધા ફ્રી હોઇએ અને ઘરે હોઇએ એવો સમય મળતો નથી. હા, કોઇ ખાસ દિવસ હોય કે બહાર વેકેશન માટે ગયા હોઇએ તો વસ્તુ અલગ છે પરંતુ ઘરે અને એ પણ બે વીક. મને યાદ નથી કે આવું પહેલાં ક્યારેય બન્યું હોય. તો હું આ દિવસોને એકદમ યુટિલાઇઝ કરીશ. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે, સોશિયલ મીડિયા પર મારા ફેન્સ સાથે કનેક્ટ થઇને અને હા, ગુજ્જુભાઇ ૩ વિશેના નવા આઇડિયા વિચારીને. = સિદ્ધાર્થ રાંદેરિયા

ગામડે જઇને હોર્સ રાઇડિંગ કરવાનો પ્લાન છે

હાલ જે શૂટ કર્યું છે તેનું પોસ્ટ પ્રોડક્શન, એડિટિંગ અને ડબિંગનું કામ તો ચાલી જ રહ્યું છે પરંતુ શૂટિંગ બંધ હોવાને કારણે ઘણો સારો સમય મળી ગયો છે. મારા ઘરમાં હોમ થિયેટર વસાવ્યું છે એટલે નેટફ્લિક્સ પર ખૂબ જ સારી સિરીઝ અને ફિલ્મો પ્રોજેક્ટર પર જોઇ રહ્યો છું. છેલ્લાં ઘણાં સમયથી શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે 'મી ટાઇમ' નહતો મળ્યો તે હવે સ્પેન્ડ કરી રહ્યો છું. હવે ચાર એક દિવસ પછી મમ્મી પપ્પા સાથે રજાઓ માણવા પાલનપુર પાસે મારું સાંભરડા ગામ આવેલું છે ત્યા જવાનો છું અને મને હોર્સ રાઇડિંગનો ખૂબ શોખ છે એટલે ત્યા જઇ સવાર સાંજ હોર્સ રાઇડિંગ કરીશ.= યુવરાજ ગઢવી

સંપૂર્ણ ટાઇમ મારા ફેમિલી સાથે સ્પેન્ડ કરી રહ્યો છું

આ પંદર દિવસની રજાઓમાં હું માત્રને માત્ર ઘરમાં જ રહેવાનો છું. કારણ કે કોરાના વાઇરસ એક ચેઇન છે જેને તોડવા માટે આપણે ઘરમાં જ રહેવાની જરૃર છે. આપણને આ રજાઓ શા માટે મળી છે તેને સમજવાની જરૃર છે  કારણ કે કોરાનાથી બચાવવા કોઇ સરકાર કે સુપરપાવર કઇ નહીં કરી શકે આપણે જ સાવચેતી રાખી તેનાથી બચવાનું છે. હાલ હું મારો સંપૂર્ણ ટાઇમ મારી ફેમિલી સાથે સ્પેન્ડ કરી રહ્યો છું.= પ્રતિક ગાંધી

મને ફિલ્મો જોેવી ગમે છે એટલે ફિલ્મો જોઇશ

'અમને આજનો દિવસ શૂટિંગ કરવાની પરમિશન મળેલી છે, એટલે શક્ય હોય એટલું શૂટ પતાવવાનો બધા લોકો પ્રયત્ન કરી રહ્યાં છે પછી કોરોનાને લીધે શૂટિંગ બંધ કરી દેવાનું છે. એ પછી રજાઓમાં શું કરીશ એ અંગે અત્યારે બિઝી શિડયુલ છે એટલે ખાસ કંઇ વિચાર્યું નથી પણ રજાઓની મજા પરિવાર સાથે માણીશું. અત્યારે સ્થિતિ એવી છે કે હિલ સ્ટેશન પર કે કોઇ અન્ય સ્થળે ફરવા જઇ શકાય એમ નથી, એટલે ઘરમાં રહીને ફિલ્મો જોઇશ. મને ફિલ્મો જોવી બહુ ગમે છે.= આરોહી પટેલ

 મોબાઇલમાં વીડિયો ગેમ્સ રમું છું અને કવિતાઓનો શોખ હોવાથી રમેશ પારેખની કવિતાઓ વાંચું છું

'હમણાં બે દિવસથી મારી તબીયત સારી નહોતી, વીકનેસ લાગતી હતી. આજે થોડું સારું લાગે છે. અત્યારે ઘરે જ રહી ફેમિલી સાથે સમય પસાર કરું છું. આ ઉપરાંત મોબાઇલમાં વીડિયો ગેમ્સ રમું છું. મને કવિતાઓ વાંચવી બહુ ગમે છે એટલે રમેશ પારેખની કવિતાઓ વાંચી રહ્યો છું. સમયના અભાવને લીધે જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી મૂવી હું જોઇ શક્યો નહોતો એ અત્યારે નવરાશની પળોમાં લેપટોપમાં જોવું છું. ઘરની અંદર જ રહું છું, બહાર જવાનું ટાળું છું. કોરોના વાઇરસને લીધે સ્થિતિ એવી છે કે ઘરમાં રહેવામાં જ મજા છે.=  મયૂર ચૌહાણ