BRTS લેનમાં અકસ્માત જોઇને ઓટોમેટિક બેરિયર સિસ્ટમ બનાવી
વીજીઇસીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગના સ્ટુડન્ટસ ગ્રુપે
વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ દ્વારા બીઆરટીએસના અકસ્માત ઓછા કરવા માટે રેડિયો ફ્રિકવન્સી બેઝ્ડ બેરિયર સિસ્ટમ બનાવી છે. રેડિયો ફ્રિકવન્સી બેરિયર બીઆરટીએસ સિવાય સિસ્ટમ એમ્બ્યુલન્સ, ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતના વાહનોને જ પ્રવેશ આપશે. જેના કારણે અકસ્માત જેવી ઘટનાઓ બનશે નહીં. ઉપરાંત હાલમાં વિવિધ બીઆરટીએસ રૃટ પર દરેક સિઝનમાં બેસતા ગાર્ડને ગરમી, ઠંડી અને વરસાદની સમસ્યાથી ઉકેલ મળશે. પ્રોજેક્ટ વિશે વાત કરતા શ્યામ પરસાણીયાએ કહ્યું કે, જ્યારે હું બીઆરટીએસમાં મુસાફરી કરતો હતો. ત્યારે બીઆરટીએસના લેનમાં રહેલા અન્ય વાહનોના કારણે અકસ્માત થયો હતો. જેના કારણે બીઆરટીએસ લેનમાં પણ ટ્રાફિક થયો હતો. જેથી આ પ્રોજેક્ટ વિશેનો વિચાર આવ્યો હતો.
બીઆરટીએસ લેનનો ઉપયોગ કરતા વાહનોનો સમય પણ નોંધી શકાશે
રેડિયો ફ્રિકવન્સી બેરિયર સિસ્ટમમાં બીઆરટીએસ અને અન્ય ઇમરજન્સી વાહનોની ડિટેઇલ ઉમેરવામાં આવી છે. જેના કારણે બેરિયર માત્ર આવા વાહનોને જ માર્ગ આપશે. આ ટેકનોલોજીમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન, બઝર, સર્વોમોટર અને એલઇડીનો ઉપયોગ કરાયો છે. જેના દ્વારા વાહનની ઓળખ કરી શકાશે. ઉપરાંત બીઆરટીએસ લેનનો ઉપયોગ કરતા વાહનોનો સમય પણ નોંધી શકાશે. સિસ્ટમનો ઉપયોગ પ્રાઇવેટ અને મોલ પાર્કિંગ પણ કરી શકાય છે. - ગીતા, નીરવ, મેહુલ અને જય