ગીરની ફરતે ઈકોઝોનમાં 501માંથી અધધધ 387 ફાર્મહાઉસ અને રિસોર્ટ્સ ગેરકાયદેસર, તંત્ર તમાશબીન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News : ગીર અભયારણ્ય અને તેની આસપાસના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદેસર હોટેલ, રિસોર્ટ અને ફાર્મહાઉસના આડેધડ બાંધકામો મુદ્દે હાઈકોર્ટમાં ચાલતી જાહેર હિતની અરજીમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા કલેક્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે ગીરની બોર્ડર પર ચાલતી ગંભીર બેદરકારીની પોલ ખોલે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પૈકીના મોટાભાગના ફાર્મહાઉસ રિસોર્ટ ભાજપના જ નેતાઓની ભાગીદારીમાં ધમધમતા હોય છે. એક તરફ સરકાર સિંહોને નવું જંગલ તો આપી શકે તેમ નથી પરંતુ જંગલની બોર્ડર પર બેરોકટોક સિંહની અવરજવર માટેના કોરિડોરમાં ગેરકાયદેસર હોટેલ, રિસોર્ટ, ફાર્મ હાઉસનો રાફડો ફાટી નીકળ્યો હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં પણ સરકારનો રેવન્યુ વિભાગ નિષ્ફળ ગયું છે. સિંહોને જંગલ ટૂંકું પડતું હોવાથી તે માનવ વસાહત તરફ વળ્યા છે અને સતત માનવના સંપર્કમાં આવી ઘર્ષણ કરતા થઈ ગયા છે.
રેવન્યુ વિભાગની આંખો પર પાટા
રેવન્યુ વિભાગના આંખે પાટા બંધાઈ ગયા હોય તેમ ઈકો ઝોનમાં કંઈ ગેરકાયદેસર દેખાતું જ નથી. હાઈકોર્ટે રિપોર્ટ માગતા ચોંકાવનારી વિગતો સામે આવી છે છતાં હજુ પણ માત્ર નોટિસની જ કાર્યવાહી શરૂ થઈ છે. સમગ્ર તપાસ દરમિયાન ગીરના ત્રણેય જિલ્લામાં થઈને કુલ 501 પ્રવાસન એકમોની ભૌતિક તપાસ કરવામાં આવી હતી. જેમાં માત્ર 113 એકમો જ નિયમબદ્ધ કાયદેસર માલુમ પડ્યા છે. જ્યારે અઘધધ 387 એકમો વન વિભાગ કે વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાનું સામે આવ્યું છે.
રેવન્યૂ વિભાગ સૌથી વધારે દોષી
સામાન્ય રીતે વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દોષી દેખાય છે, પરંતુ ખેતીની જમીનને બિન-ખેતી કરવાની મંજૂરી આપવી, ગેરકાયદે બાંધકામો અટકાવવા અને જમીનનો વ્યવસાયિક દુરુપયોગ રોકવાની પ્રાથમિક અને સીધી જવાબદારી રેવન્યુ વિભાગની છે. આક્ષેપ થઈ રહ્યો છે કે, સિંહોની કુદરતી અવરજવર માટેના મુખ્ય કોરિડોર બંધ કરી દેનારા અને ગીરની ગરિમાને નુકસાન પહોંચાડનારા મોટા માથાઓ તેમજ હોટેલ માફિયાઓને રેવન્યુ વિભાગનો છૂપો પણ મોટો સપોર્ટ છે. વન વિભાગનાં કોઈ પણ પ્રકારનાં એન.ઓ.સી. વગર ખેતીની જમીન પર મોટા આલીશાન રિસોર્ટ બની જાય અને વહીવટી તંત્ર આંખ આડા કાન કરે તે મિલીભગત વિના શક્ય જ નથી. હાઈકોર્ટે પણ આ મામલે કલેક્ટરોને સવાલ કર્યો છે કે વન વિભાગનાં એન.ઓ.સી. વગર થતી આવી ગંભીર વ્યવસાયિક પ્રવૃત્તિઓને 'નાની ખામી' ની શ્રેણીમાં કેવી રીતે ગણી શકાય? આ મામલે આગામી તા. 22ના રિપોર્ટ આપવા
ગીર સોમનાથ જિલ્લામાં 308 પૈકી 221 એકમો ગેરકાયદે
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 308 હોસ્પિટાલિટી એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 87 એકમો કાયદેસર માલુમ પડ્યા છે, જ્યારે 221 એકમો વન વિભાગ અને વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર ચાલી રહ્યા છે. કલેક્ટરના રિપોર્ટ મુજબ આમાંથી 163 એકમોમાં નાની અને બાકીનામાં મોટી ખામીઓ છે. નિયમોના ભંગ બદલ 191 એકમોને નોટિસ અપાઈ છે અને 28 એકમો સામે પગલાં ભરીને માત્ર 10 એકમો સીલ કરાયા છે. 127 રહેણાંક મકાનોમાં લોજિંગ-બોર્ડિંગની વ્યવસાયિક પ્રવૃત્તિ થતી હોવાનું પણ ખૂલ્યું છે.
અમરેલી જિલ્લામાં 29 માંથી માત્ર 3 જ એકમો કાયદેસર
અમરેલી જિલ્લામાં કુલ 29 એકમોની તપાસ કરાતા માત્ર 3 એકમો જ કાયદેસર મળ્યા છે, જ્યારે 1 એકમ બંધ હતો. બાકીના 25 એકમો નિયમોના લીરેલીરા ઉડાડીને ગેરકાયદેસર ચાલતા ઝડપાયા છે. જેમાં 15માં નાની અને 10માં ગંભીર પ્રકારની મોટી ખામીઓ છે.
જૂનાગઢ જિલ્લામાં 164માંથી 141 એકમો ગેરકાયદે
જૂનાગઢ જિલ્લાની હદમાં કુલ 164 એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 23 એકમો જ કાયદેસર અને નિયમોનું પાલન કરતા મળ્યા છે. બાકીના 141 એકમો ગેરકાયદેસર છે, જેમાં 43 એકમોમાં નાની અને 98 એકમોમાં ભારે મોટી ખામીઓ (જેવી કે ગેરકાયદેસર બાંધકામ અને જમીનનો દુરુપયોગ) સામે આવી છે.
ભાજપ નેતાઓની ભાગીદારીથી ધમધમે છે રિસોર્ટ
સાવજને નવું જંગલ તો આપી શકતા નથી પરંતુ જંગલની બહારના વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામો રોકવામાં રેવન્યુ વિભાગ વામણો : મોટાભાગના ફાર્મહાઉસ અને રિસોર્ટ ભાજપના જ નેતાઓની ભાગીદારીમાં ધમધમે છે









