પિતાના અવસાન બાદ વેરાવળની દીકરી બની પરિવારની 'રક્ષા': 5x5ની પતરાંની કેબિનમાં સંઘર્ષની એવી કહાની જે આંખમાં પાણી લાવી દેશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Inspirational Story: સામાન્ય રીતે નાની-મોટી મુશ્કેલીઓમાં પણ લોકો નાસીપાસ થઈ જતા હોય છે. પરંતુ જ્યારે ઘરનો મુખ્ય ટેકો અને આર્થિક આધાર જ અચાનક દૂર થઈ જાય, ત્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે. આવી જ એક સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી કહાની વેરાવળના કોળીવાડા વિસ્તારમાં રહેતી રક્ષા પરમારની છે. પિતાનું અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં રક્ષાએ હિંમત હાર્યા વગર પોતાની ધીરજ અને અડગ મનોબળથી પિતાનો સીવણકામનો વ્યવસાય સંભાળીને પરિવારને આર્થિક સ્થિરતા આપી છે.
રાજ્યભરમાં જ્યારે ‘નારી વંદન ઉત્સવ’ અને ‘નારી નેતૃત્વ દિવસ’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે રક્ષા પરમારે વાસ્તવિક અર્થમાં પરિવારનું નેતૃત્વ સંભાળીને સમાજ માટે મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અડધો દિવસ સીવણકામ અને બપોર પછી અભ્યાસ
ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરતી રક્ષાબહેન પરમારના પિતા ચંદુ પરમાર કોળીવાડા વિસ્તારમાં રોડ સાઈડની સામાન્ય કેબિનમાં સીવણકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલાં અચાનક હ્રદયરોગના હુમલામાં તેમનું અકાળે અવસાન થતાં પરિવાર પર આર્થિક સંકટ ઘેરાયું હતું. આ મુશ્કેલ સમયે રક્ષાએ પોતાના પિતા પાસેથી શીખેલી સીવણની કળાને આજીવિકાનું સાધન બનાવી લીધું. તે સવારે પિતાની કેબિનમાં બેસીને સીવણકામ કરે છે અને બપોર પછી પોતાનો અભ્યાસ ચાલુ રાખીને પોતાની કારકિર્દી પણ ઘડી રહી છે.
5 બાય 5 ની કેબિનમાં પુરુષોના વર્ચસ્વ વાળા બજાર વચ્ચે દીકરીનો સંઘર્ષ
પંખા કે લાઈટ વગરની રોડ સાઈડ પર આવેલી 5 બાય 5 ફૂટની પતરાંની કેબિનમાં એક યુવતી તરીકે જાહેર બજાર વચ્ચે બેસીને વ્યવસાય કરવો જરાય સરળ નથી. પુરુષ આધિપત્ય ધરાવતા આ ક્ષેત્રમાં શરૂઆતમાં અનેક પડકારો આવ્યા, પરંતુ રક્ષાના ઉત્સાહ અને કામની ચોકસાઈ જોઈને ગ્રાહકોનો પણ તેના પર વિશ્વાસ બેસવા લાગ્યો.
આ અંગે રક્ષાબહેને જણાવ્યું હતું કે, 'પિતાના અવસાન બાદ ઘરમાં આર્થિક મુસીબત આવી પડતાં તેમણે આ રસ્તો પસંદ કર્યો. ધીમે-ધીમે લોકો હવે નાનું-મોટું સીવણકામ સોંપી રહ્યા છે, જેનાથી પરિવાર આત્મનિર્ભર બની રહ્યો છે.'
નાની ઉંમરે મોટી સમજણ: માતા અને ગ્રાહકોએ બિરદાવી
રક્ષાના માતા ભાવનાબહેન પરમારે ભાવુક થઈને જણાવ્યું કે, 'રક્ષા ઉંમરમાં ખૂબ નાની છે પરંતુ તેની સમજણ બહુ મોટી છે. જે ઉંમરે યુવતીઓ મોજ-મજા કરતી હોય તે ઉંમરે તે ઘરની જવાબદારી ઉપાડીને પરિવારને આર્થિક રીતે મજબૂત કરી રહી છે.'
સ્થાનિક ગ્રાહક કિશોર વાયલુએ જણાવ્યું કે, 'સ્વ. ચંદુ પરમાર તેમના સીવણકામ માટે જાણીતા હતા. તેમના વારસાને રક્ષાબહેન ખૂબ જ હિંમતપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. અમે પણ તેમના કામને પ્રોત્સાહન આપવા આપણું સિલાઈકામ તેમની પાસે જ કરાવવાનો આગ્રહ રાખીએ છીએ.'
ફાઈન આર્ટ્સની વિદ્યાર્થી હોવાથી રક્ષા ચિત્રકામમાં પણ નિપુણતા ધરાવે છે. પોતાની મહેનતથી તે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે.









