આજથી શરૂ થતી ગીર-ગિરનાર જંગલ સફારીના બુકિંગમાં ફ્લોપ શૉ, ઉતાવળે લેવાયેલો નિર્ણય ભારે પડ્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Nature Safari Booking 2026: ચોમાસાના ચાર મહિનાનો સત્તાવાર વિરામ પૂરો થયો નથી છતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આગામી 9 ઓક્ટોબરથી ગીર અને ગિરનાર નેચર સફારી પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જંગલના નિયમો, વન્યજીવોનાં હિતો અને સિંહોના સંવર્ધન કાળ જેવા નાજુક તબક્કાને બાજુ પર મૂકીને ઉતાવળે લેવાયેલા આ નિર્ણય સામે પર્યાવરણ અને સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીકેન્ડ હોવા છતાં પરમિટો ખાલી
સામાન્ય રીતે ગીરમાં સફારી માટે પ્રવાસીઓમાં ભારે પડાપડી થતી હોય છે અને સત્તાવાર રીતે 16 ઓક્ટોબરથી સફારી શરૂ થવાની હોવાથી ત્યારથી આગળના એક સપ્તાહનું બુકિંગ ફૂલ થઈ ગયું હતું. પરંતુ વન વિભાગ દ્વારા અચાનક શરૂ કરાયેલી તારીખ 9 ઓક્ટોબર, શુક્રવારના રોજ સાસણ ગીર સફારીની દિવસભરની કુલ 150 પરમિટમાંથી માત્ર 26 પરમિટ જ બુક થઈ શકી હતી અને 124 પરમિટો ખાલી રહી હતી.
આ સ્થિતિ માત્ર શુક્રવાર પૂરતી સીમિત નહોતી, પરંતુ આગામી વિકેન્ડમાં પણ આવો જ નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે. શનિવાર અને રવિવાર (તા. 10 અને 11)ના રોજ શનિ-રવિના લીધે મળતી વધારાની પરમિટો સહિત કુલ 180 પરમિટમાંથી માંડ 7થી 8 પરમિટ જ બુક થઈ છે, જ્યારે બાકીની 170થી વધુ પરમિટો એકદમ ખાલી પડી છે.
ગિરનાર નેચર સફારીની સ્થિતિ વધુ ગંભીર
જૂનાગઢ નજીક આવેલી ગિરનાર નેચર સફારીની હાલત તો તેનાથી પણ વધુ ચિંતાજનક છે. ગિરનાર સફારી માટે રોજના માત્ર બે સ્લોટમાં કુલ 8 પરમિટ (સવારે 4 અને બપોરે 4) બહાર પાડવામાં આવે છે. તા. 9ના પ્રથમ દિવસે 8માંથી માત્ર 1 જ પરમિટ બુક થઈ શકી છે, જ્યારે સવારની ટ્રીપ માટે એક પણ બુકિંગ થયું નથી. વીકેન્ડમાં પણ ગિરનાર સફારીની પરમિટો તદ્દન ખાલી પડી છે, જેના કારણે સફારી શરૂ કરવા માટે માંડ બોણી થવાની નોબત આવી છે.
સિંહપ્રેમીઓનો વિરોધ અને વન વિભાગની નીતિ પર સવાલ
જંગલમાં રસ્તાઓનું ધોવાણ, વનસ્પતિની ગીચતા અને વન્યજીવોની સુરક્ષાના સમયગાળા દરમિયાન આ રીતે ઉતાવળે સફારી શરૂ કરવાના વન વિભાગના દાવાઓની આ આંકડાઓએ હવા કાઢી નાખી છે. ઓનલાઈન સિસ્ટમ અને વીકેન્ડ હોવા છતાં બુકિંગમાં જોવા મળેલી આ નિરાશાજનક સ્થિતિથી સ્પષ્ટ થાય છે કે નિયમોને નેવે મૂકીને લેવાયેલા આવા નિર્ણયોને પ્રવાસીઓ કે જવાબદાર નાગરિકોનું સમર્થન નથી. આથી વન વિભાગે પોતાના આ નિર્ણય પર પુનઃવિચાર કરવાની તાતી જરૂરિયાત છે.




