ગીરમાં રિસોર્ટ્સ-હોટેલ તોડવાનું જ્ઞાન સરકારને એકાએક કેમ લાદ્યું? માનવીઓ પર આ કારણે હુમલા વધ્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Sanctuary illegal resorts: ગુજરાતના જંગલ વિસ્તારોમાં માણસોની દખલગીરી અને ઘૂસણખોરી એટલી બધી વધી ગઈ છે કે વન્ય જીવોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફરજિયાત જંગલની બહાર આવવું પડે છે. આ વાસ્તવિકતા ઘણા લાંબા સમયથી સૌ કોઈ જાણે છે, તેમ છતાં સરકારે અભયારણ્યો અને તેની આસપાસના પ્રતિબંધિત વિસ્તારોમાં માત્ર કમાણી અને મોજશોખ માટે હોટેલો, રિસોર્ટ્સ અને ફેક્ટરીઓ ધમધમવા દીધી. પરંતુ હવે અચાનક જાગેલી સરકાર એવો દેખાડો કરવા નીકળી છે કે ગીર અને તેની આજુબાજુના વિસ્તારોમાં બનેલા ગેરકાયદે રિસોર્ટ્સને તોડી પાડવામાં આવશે.
8 લોકોના શિકાર પછી જાગેલું તંત્ર
માણસો જો સિંહના વસવાટવાળા વિસ્તારોમાં ઘૂસણખોરી કરે, તો સિંહોને પણ માણસોની વસાહતમાં આવવાનો પૂરો હક છે—આ સામાન્ય વાત વનમંત્રી કેમ સમજતા નથી? અહીં મોટો સવાલ એ છે કે જંગલ અને તેની આસપાસ બનેલા ગેરકાયદે હોટેલ-રિસોર્ટ્સ કે અન્ય બાંધકામો તોડી પાડવાનું જ્ઞાન સરકારને અચાનક કેમ આવ્યું? માત્ર એક જ મહિનામાં સિંહ અને દીપડાએ 8 જેટલા માણસોનો શિકાર કરી લીધો, ત્યારે છેક શાસકો કાયદાનું પાલન કરાવવા નીકળ્યા છે. શું તેઓ કોઈ માસૂમનો જીવ જવાની રાહ જોતા હતા?
આડેધડ બાંધકામ પર કાનૂની રોક
જ્યાં વન્યજીવો રહેતા હોય ત્યાં આડેધડ બાંધકામો કરવાની મંજૂરી આપવી એવી છૂટ ભારતના બંધારણમાં કે કોઈ કાયદામાં નથી. પરંતુ ગુજરાત સરકાર માટે સિંહોના હરવા-ફરવાના વિસ્તારો (લાયન કોરીડોર) કરતાં ફાર્મહાઉસ અને ફેક્ટરીઓ વધુ મહત્ત્વના હોય તેમ લાગે છે. વન્યજીવોને આનાથી ભારે પરેશાની થતી હોવા છતાં, વગદાર લોકોને પ્રતિબંધિત વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપી દેવાઈ છે અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. એટલું જ નહીં, ઉદ્યોગોના ફાયદા માટે રેલવે ટ્રેક પણ એવી રીતે નાખવામાં આવ્યા છે કે અત્યાર સુધીમાં અનેક સિંહો ટ્રેન નીચે કચડાઈને મોતના મોંમાં ધકેલાઈ ચૂક્યા છે.
વન મંત્રીની બેવડી નીતિ પર સવાલ
સિંહોને તેના વિસ્તારમાં ડિસ્ટર્બ કરવામાં આવે તો એ શહેર- ગામડાંમાં આવવાના જ. માણસને જો સિંહના વસવાટ વચ્ચે જવાની- ઘર બાંધવાની છૂટ હોય, તો સિંહોને પણ માનવ વસાહતમાં આવવાનો અધિકાર છે જ એ વન મંત્રીને કેમ નહીં સમજાતું હોય? ગુજરાતનું ઘરેણું એવા સિંહોના વસવાટ-વિચરણવાળાં ક્ષેત્રોમાં કોઈપણ રિસોર્ટ-ફેક્ટરી વળી કાયદેસર શું અને ગેરકાયદે શું?!
કરોડો રૂપિયાના આંધણ પર સવાલ
આ તો મંત્રીની મનઘડત વાત જ છે. સિંહોની સંખ્યા વધી છે એવું ગૌરવ લેવું હોય તો એમનાં અસ્તિત્વ પર જોખમ સર્જતા કોઈ રિસોર્ટ- ફેક્ટરી ચાલવા ન જ દેવા જોઈએ. અન્યથા, સિંહો પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા પણ વ્યર્થ જવાના, અને સિંહોએ માનવીને શિકાર બનાવ્યાની કાગારોળ કરવાનો પણ કોઈ હક્ક નહીં રહે!
નિયમ પ્રમાણે તો બધે મંજૂરી મળવાની જ: વન મંત્રી
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'ગીર બોર્ડર પર આવેલા ઇકો સેન્સિટિવ ઝોનમાં નિયમ વિરુદ્ધ કોઈ પણ હોટેલ કે રિસોર્ટ્સના બાંધકામને બિલકુલ મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, જે પણ બાંધકામો નિયમો અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે હશે, તેમને નિયમ અનુસાર મંજૂરી મળશે જ. હાલમાં જે ગેરકાયદે બાંધકામો છે, તેમનો કોર્ટના આદેશ મુજબ સર્વે ચાલી રહ્યો છે અને આ બાબત અત્યારે કોર્ટના આધીન (સબજ્યુડીસ) હોવાથી, કોર્ટ આ અંગે જે પણ અંતિમ નિર્ણય લેશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.'









