Gandhinagar

કાંતિ અમૃતિયાના નિવેદન અંગે હોબાળો: ખેડૂતોએ કહ્યું -'ભાજપના ધારાસભ્ય-નેતાઓના ખેતરોમાં વીજથાંભલા ઊભા કરો'

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતોને 70-80 લાખ રૂપિયા આપવાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો લાખો રૂપિયા વળતર મળતું હોય તો ભાજપના નેતાઓના ખેતરોમાં વીજથાંભલા નાંખો. ખેડૂતોએ 15મી જૂને આંદોલન બાદ 4 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો, પણ તે પણ ખેડૂત વિરોધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાંતિ અમૃતિયાના નિવેદન અંગે હોબાળો: ખેડૂતોએ કહ્યું -'ભાજપના ધારાસભ્ય-નેતાઓના ખેતરોમાં વીજથાંભલા ઊભા કરો'

Gujarat Farmers: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ વીજ પોલના વળતર મુદ્દે એવું કહ્યું કે, 'રાજ્ય સરકાર ખેડૂતોને એક વીજ થાંભલા દીઠ 70થી 80 લાખ રૂપિયા વળતર આપી રહી છે. આ મામલે ખેડૂતો અને સરકાર સામસામે આવ્યા છે. આ મામલે ખેડૂતોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, 'જો લાખો રૂપિયા વળતર મળી રહ્યું હોય તો પછી ભાજપના ધારાસભ્ય અને નેતાઓના ખેતરોમાં વીજથાંભલા નાંખો. અમારે લાખો રૂપિયા વળતર જોઈતું નથી.'

સરકાર અને મંત્રી એ જ હતા, તો પછી ખેડૂતોને રૂ. 5-7 લાખ વળતર આપી કેમ અન્યાય કર્યો

મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, 'જો ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે પહેલેથી જ હકારાત્મક હતી, તો 15મી જૂન પહેલા ખેડૂતોને માત્ર 5થી 7 લાખ રૂપિયા જેટલું નજીવું વળતર કેમ આપવામાં આવતું હતું. સરકાર એ જ હતી અને મંત્રીઓ પણ એ જ હતા, તો ખેડૂતોને આટલા વર્ષો સુધી કેમ અન્યાય કરવામાં આવ્યો. જો સરકાર લાખો રૂપિયા વળતર આપતી હોય, તો ભાજપના ધારાસભ્યો, સાંસદસભ્યો, પેજ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ અને નેતા-કાર્યકરોના ખેતરોમાંથી વીજલાઈન પસાર કરવી જોઈએ, જેથી તેમને આ 'મોટા વળતર'નો લાભ મળી શકે.'

પાલ આંબલિયાએ સ્પષ્ટ કર્યું કે, 'ખેડૂતોએ 15મી જૂને ઉગ્ર આંદોલન અને દેખાવો કર્યા પરિણામે દબાણમાં આવી રાજ્ય સરકારે ચોથી જુલાઈના રોજ નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. જો કે, આ નવો પરિપત્ર પણ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી છે અને તેનાથી ખેડૂતોનું કોઈ ભલું થવાનું નથી. એવી માંગણી છે કે, ખેડૂતોનું જો ભલું કરવુ હોય તો, જમીનની બજાર કિંમત કરતાં ચાર ગણું વળતર આપતો કાયદો બનાવવામાં આવે. હાઈટેન્શન લાઈન પસાર થવાને કારણે ખેતરની જમીનની કિંમત કાયમી ધોરણે ઘટી જાય છે, તે નુકસાની માટે ચોક્કસ નીતિ ઘડવામાં આવે.'

ખેડૂત સંગઠનોના મતે, વીજલાઈનોને કારણે ખેડૂતોની કિંમતી જમીનો કાયમી ધોરણે બિનઉપયોગી બની જાય છે અને ત્યાં કોઈ નવો વિકાસ કે બાંધકામ થઈ શકતું નથી. આ સંજોગોમાં માત્ર એક વાર વળતર આપવાના બદલે ખેડૂતોના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને કાયમી અને ન્યાયી કાયદો બનાવવાની માંગ ઉગ્ર બની છે.