ગાંધીનગરથી દોડતી ટ્રેનોના જનરલ કોચમાં સેફ્ટી ગ્રીલ ગાયબ, મુસાફરોની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Railway Safety: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ દોડતી ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેન નંબર 19411 (ગાંધીનગર–દૌલતપુર ચોક એક્સપ્રેસ) અને વેરાવળ જતી ટ્રેનના જનરલ કોચમાં બારીઓ પર લગાવવામાં આવતી સેફ્ટી ગ્રીલ (પ્રોટેક્શન વોલ) ન હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ખાસ કરીને કોચમાં કાચની અંદરની લોખંડની સુરક્ષા ગ્રીલ સંપૂર્ણપણે ગાયબ જોવા મળી છે.
તાજેતરમાં જ એક ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન નાની બાળકી બારીમાંથી નીચે પડી જવાની ઘટના બની હતી, તેમ છતાં રેલવે પ્રશાસન દ્વારા આ મામલે કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી.
જોખમો અને વર્તમાન સ્થિતિ
•શ્રમિકો અને પરિવારોનો ધસારો: જનરલ કોચમાં સામાન્ય રીતે મધ્યમ અને શ્રમિક વર્ગના લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે, જેના કારણે કોચમાં ભારે ભીડ રહે છે.
•બાળકો માટે જીવલેણ: મુસાફરી દરમિયાન બાળકો બારી પાસે બેસવાનો આગ્રહ રાખતા હોય છે. લોખંડની સેફ્ટી ગ્રીલ ન હોવાથી ધક્કામુક્કી કે અસંતુલનના કારણે બાળક બારીમાંથી બહાર ફેંકાઈ જવાનું મોટું જોખમ રહેલું છે.
•મોટા અકસ્માતની ભીતિ: અગાઉની દુર્ઘટનાઓ બાદ પણ જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો વધુ એક નિર્દોષ જીવ જોખમાઈ શકે છે.
મુસાફરો દ્વારા માગ કરવામાં આવી છે કે જનરલ કોચની તાકીદે ચકાસણી કરી બારીઓ પર મજબૂત લોખંડની પ્રોટેક્શન ગ્રીલ લગાવવામાં આવે. આ સાથે જ અમદાવાદ મંડળ હેઠળની તમામ ટ્રેનોના જનરલ કોચની સુરક્ષા ચકાસણી હાથ ધરીને તાત્કાલિક સુધારા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.




