Gandhinagar

આજથી રજિસ્ટ્રેશન વિભાગના કર્મચારીઓ દેખાવો શરૂ કરશે, પડતર પ્રશ્નો ન ઉકેલાતા લડતના મંડાણ

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
વકીલો અને મહેસૂલ વિભાગ બાદ હવે ગુજરાતના નોંધણી વિભાગના કર્મચારીઓ સરકાર સામે મેદાને પડ્યા છે. 'ગરવી' પોર્ટલની ખામીઓ અને ટાઈટલના વિવાદિત પરિપત્રો રદ કરવા સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 12 ઓક્ટોબરથી આંદોલનની શરૂઆત કરી છે. 22 ઓક્ટોબરે સામૂહિક રજા અને 2 નવેમ્બર સુધી ઉકેલ ન આવતા અચોક્કસ હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી રજિસ્ટ્રેશન વિભાગના કર્મચારીઓ દેખાવો શરૂ કરશે, પડતર પ્રશ્નો ન ઉકેલાતા લડતના મંડાણ

Gujarat Registration Department Employee Protest: વકીલો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ બાદ હવે રાજ્યના નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓ સરકાર સામે મેદાને પડ્યાં છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજથી (12મી ઓક્ટોબર) કર્મચારીઓએ દેખાવો કરવાની જાહેરાત કરી છે. એક પછી એક આંદોલન શરૂ થતાં સરકારની ચિંતા વધી છે.

દસ્તાવેજોની નોંધણીની કામગીરી સંપૂર્ણપણે ઠપ થશે અને સરકાર કરોડોની આવક ગુમાવશે

ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન કર્મચારી મહામંડળે 'ગરવી' પોર્ટલની ટેકનિકલ ખામીઓ અને ટાઈટલને લગતા વિવાદિત પરિપત્રોને લઈને આંદોલન કરવા નક્કી કર્યું છે. કર્મચારીઓની માંગ છે કે, મિલકતના ટાઈટલને લગતા અવ્યવહારુ પરિપત્રો રદ કરવામાં આવે. દસ્તાવેજ નોંધણી માટેના ઓનલાઈન 'ગરવી પોર્ટલ'માં ટેકનિકલ ખામીઓ સુધારી વધુ સરળ બનાવવામાં આવે. ઓડિટ ફકરાના બહાને કર્મચારીઓને અપાતી કારણદર્શક નોટિસો અને ચાર્જશીટ આપવાની કનડગત બંધ થાય.

સોમવારે (12મી ઓક્ટોબર) જિલ્લા મથકોએ નોંધણી સર નિરીક્ષકને આવેદનપત્ર આપી વિરોધની શરૂઆત કરાશે. આગામી 15મી ઓક્ટોબરે તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. વિરોધના ત્રીજા તબક્કામાં 22મી ઓક્ટોબરે રાજ્યભરના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જશે. જો બીજી નવેમ્બર સુધીમાં સરકાર વાટાઘાટો દ્વારા સુખદ અંત નહીં લાવે, તો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.