Gandhinagar

વરસાદની વિદાય શરૂ, ચાર દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું પૂરું થશે, 8 રાજ્યોમાં હવામાન સૂકું

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસુ પરત ખેંચાયાની સત્તાવાર જાહેરાત કરી છે. 19મી સપ્ટેમ્બરથી વિદાય પ્રક્રિયા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 23મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ વિદાય લેશે. રાજ્યમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જ્યારે 8 રાજ્યોમાં સૂકા હવામાનની આગાહી છે. દેશમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે, ગુજરાતમાં 7% ખાધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદની વિદાય શરૂ, ચાર દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું પૂરું થશે, 8 રાજ્યોમાં હવામાન સૂકું

Gujarat Weather: કેરલમથી ચોથી જૂન 2026ના રોજ સમગ્ર દેશના અર્થતંત્ર માટે મહત્ત્વના નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનના રામગઢ, ફાલોડી સુધી ચોમાસુ પરત ખેંચાયાની સત્તાવાર જાહેરાત કરવા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.

આઠ રાજ્યોમાં સૂકું હવામાન

રાજ્યમાં આજથી (20મી સપ્ટેમ્બર) ભારે કે ગાજવીજ સાથેના વરસાદનું કોઈ ઍલર્ટ નથી, પરંતુ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી.ઊંચાઈએ ચોમાસાની વિદાયવેળાએ શનવાર (19મી સપ્ટેમ્બર) સવારનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે સાથે ઉત્તર પ્રદેશથી ગુજરાત થઈને સૌરાષ્ટ્રના દરિયા, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વરસાદ લાવતો ટ્રફ પણ યથાવત્ રહ્યો હતો. જેના પગલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદ જારી રહેશે.

દેશમાં દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં બે-ત્રણ દિવસમાં જ સુકુ હવામાન થવાની આગાહી છે. આંદામાન દરિયામાં લોપ્રેસર સીસ્ટમ સક્રિય થતા અને તે તીવ્ર બનવાની સંભાવના હોય બંગાળની ખાડીથી ઓડીશા, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદી ગતિવિધિ વધારશે. પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, આંદામાન દ્વિપસમૂહ, કર્ણાટક, કેરલ, ઝારખંડ સહિત રાજ્યોમાં એક સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે.

સમગ્ર દેશમાં આજ સુધીમાં 697 મિ.મિ. (આશરે 27.75 ઈંચ) વરસાદ વરસ્યો છે જે નોર્મલ સરેરાશ 32.50 ઈંચની સાપેક્ષે 15 ટકા ઓછો છે. ગુજરાતમાં વરસાદી ખાધ 7 ટકાની છે જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, પોરબંદર, જામનગરથી કચ્છ સુધીના વિસ્તારમાં ઓછા વરસાદના કારણે છે.