ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસમાં મોટો ઘટસ્ફોટ: પાકિસ્તાનથી મળતું હતું ટેરર ફંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Assembly Bomb Threat Case: ગુજરાત હાઈકોર્ટ, વિવિધ કોર્ટ, વિધાનસભા અને સચિવાલયને ઉડાવી દેવાના ઈ-મેઈલ મોકલવાના કેસનો ભેદ ઉકેલવામાં સ્ટેટ સાયબર ક્રાઈમને મહત્ત્વની સફળતા મળી છે. પોલીસે બિહારના ભાગલપુર અને ઝારખંડના દેવઘરથી બે યુવકોની ધરપકડ કરી છે. ભાગલપુરમાં રહેતા રોશન નામના યુવકે દેવઘરમાં રહેતા ગુલશન નામના વ્યક્તિ પાસેથી ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મેળવ્યો હતો. આ ઈ-મેઈલ કરવાના બદલામાં બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનના આતંકી સંગઠન દ્વારા ટેરર ફંડ પૂરું પાડવામાં આવતું હતું. ગુલશન પાસેથી પોલીસને પાંચ લાખથી વધારે ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મળી આવ્યા છે.
આરોપી પાસેથી 5.13 લાખથી વધારે ઈ-મેઈલ આઈડી, પાસવર્ડ્સ મળ્યા, જેના દ્વારા વિવિધ રાજ્યોમાં બોંબની ધમકી અપાતી હતી
ચાર દિવસ પહેલા વિવિધ શાળાઓ, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગુજરાત હાઈકોર્ટ અને ગાંધીનગરની કોર્ટને તેમજ બ્રિક્સના દેશોમાં બોંબ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો ઈ-મેઈલ આવ્યો હતો. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઈમના સ્ટાફે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં આઈપી એડ્રેસથી જાણવા મળ્યું હતું કે ઈ-મેઈલ આઈડી બિહારના ભાગલપુરથી ઓપરેટ થતું હતું. જેના આધારે એક ટીમને ત્યાંને મોકલીને રોશનકુમાર રાય નામના યુવકને ઝડપીને તપાસ કરતા તેના મોબાઈલ ફોનમાંથી ઈ-મેઈલ આઈડીની વિગતો મળી હતી.
રોશનની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને ઝારખંડના દેવઘરમાં રહેતા ગુલશનસિંગ નામના વ્યક્તિએ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ પુરા પાડ્યા હતા. બાદમાં બાંગ્લાદેશથી સક્રિય પાકિસ્તાની આતંકી સંગઠને ઈ-મેઈલ લખવાની વિગતો આપી હતી અને બાદમાં રોશને ઈ-મેઈલ કર્યો હતો. આ ઈ-મેઈલ કરવાના બદલામાં રોશનને ગુલશનસિંગની મદદથી બાંગ્લાદેશથી ફંડ આપવામાં આવતું હતું.
આ બાતમીના આધારે પોલીસની અન્ય એક ટીમ દ્વારા ઝારખંડના દેવઘરમાંથી ગુલશનસિંગની ધરપકડ કરી હતી. ગુલશનસિંગ પાસેથી આશરે 5.13 લાખ જેટલા યુનિટ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં ધમકી ભર્યા ઈ-મેઈલ કરવા માટે થતો હતો. ગુલશનસિંગ દ્વારા અનેક લોકોને ઈ-મેઈલ આઈડી પુરા પાડવામાં આવ્યા હોવાની ટેકનીકલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈ-મેઈલની ધમકી બાદ સ્કૂલ કે કોર્ટ ખાલી થવી તે આતંકીઓ ડરનો એક પ્રકાર ગણે છે
પાકિસ્તાની આતંકી સંગઠનો દેશના ભય ફેલાવવા માટે બ્લાસ્ટ કરતા હતા કે વિવિધ મોડ્યુલ પર કામ કરવાની સાથે ટેરર ઈ-મેઈલના નવા મોડ્યુલ પર પણ કામ કરે છે. જેમાં ગુજરાત કે અન્ય કોઈ રાજ્યના શહેરોમાં ધમકી ભર્યા ઈ-મેઈલ મળે ત્યારે સ્થાનિક પોલીસ, બોંબ ડિસ્પોઝલ સ્કવોડ કે અન્ય એજન્સીઓ દોડધામ કરીને સ્કૂલ ખાલી કરાવે કે કચેરી ખાલી કરાવે તેના કારણે ઊભા થતા ભયના માહોલને આતંકી સંગઠન એક ભય ગણાવે છે. આ ઘટનાના સમાચાર કે અન્ય બાબતો એકઠી કરીને ભારતમાંથી પાકિસ્તાન મોકલવામાં આવે છે. સામાન્ય રીતે બોંબની ધમકી મળે તો પ્રોટોકોલ મુજબ પોલીસે જે તે સ્થળને ખાલી કરાવવાની કે અન્ય રીતે તપાસ કરવાની રહે છે. જેનો ગેરલાભ લઈને આ પ્રકારના ઈ-મેઈલ ટેરરનું મોડ્યુલ સક્રિય કરાયું છે.




