Gandhinagar

ગુજરાતની પંચાયતોમાં અંધેર વહીવટ: રૂ.723 કરોડ કોની પાસેથી વસૂલવાના છે તેનો સરકાર પાસે રેકોર્ડ જ નથી!

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભામાં પંચાયતી રાજ સમિતિના અહેવાલે 'સુશાસન'ના દાવાઓની પોલ ખોલી છે. 1993-94 થી 2012-13 દરમિયાન પંચાયતોમાં 723.81 કરોડની વસૂલાત માત્ર કાગળ પર રહી. આશ્ચર્યજનક રીતે, આ રકમ કોની પાસેથી વસૂલવાની છે, તેનો કોઈ રેકોર્ડ સરકારી કચેરીઓમાં નથી. આ બાબત રાજ્યની પંચાયતોમાં વહીવટી લાલીયાવાડી અને બેદરકારી દર્શાવે છે. સમિતિએ કડક કાર્યવાહીની ભલામણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની પંચાયતોમાં અંધેર વહીવટ: રૂ.723 કરોડ કોની પાસેથી વસૂલવાના છે તેનો સરકાર પાસે રેકોર્ડ જ નથી!

Gujarat Panchayat Scam : ગુજરાતના પંચાયતી રાજમાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્ય વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી પંચાયતી રાજ સમિતિના અહેવાલે સરકારના 'સુશાસન'ના દાવાઓની પોલ ખોલી નાખી છે. અહેવાલ મુજબ, વર્ષ 1993-94થી લઈને 2012-13 સુધીના લાંબા સમયગાળા દરમિયાન થયેલા ઓડિટમાં રૂ. 723.81 કરોડની વસૂલાત સરકારના ચોપડે માત્ર એક આંકડો બનીને રહી ગઈ છે. આશ્ચર્યજનક અને ગંભીર બાબત એ છે કે, આ કરોડો રૂપિયા કોની પાસેથી વસૂલવાના છે, તેનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ હાલની સરકારી કચેરીઓમાં ઉપલબ્ધ નથી! આ પરિસ્થિતિ રાજ્યની પંચાયતોમાં 'અંધેર નગરી અને ગંડુ રાજા' જેવો વહીવટ ચાલી રહ્યો હોવાની ચાડી ખાઈ રહી છે.

કોન્ટ્રાક્ટર કે સંસ્થા પાસેથી કેટલા પૈસા લેવાના છે? તેઓ હયાત છે કે કેમ તેની કોઈ વિગતો પણ ઉપલબ્ધ નથી!
આ અહેવાલ માત્ર નાણાકીય નુકસાનનો નથી, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કઈ હદે લાલીયાવાડી અને બેદરકારી ચાલે છે તેનો જીવતો જાગતો પુરાવો છે. જે વ્યક્તિઓ, કોન્ટ્રાક્ટરો કે સંસ્થાઓ પાસેથી સરકારે જનતાના પરસેવાના નાણાં પાછા લેવાના હતા, તેઓ આજે હયાત છે કે નહીં, કે નાણાં લઈને ક્યાં ગાયબ થઈ ગયા છે, તેની કોઈ જ વિગત વિકાસ કમિશનર કે જવાબદાર અધિકારીઓ પાસે નથી. સમિતિએ કરેલી ગંભીર નોંધ મુજબ, આટલા લાંબા સમયગાળા સુધી કોઈ યોગ્ય હિસાબ રાખવામાં ન આવ્યો અને કોઈ ફોલો-અપ ન લેવાયું, જેના કારણે આજે આખી રકમ હાલ હવામાં અધ્ધરતાલ છે. સવાલ એ ઊભો થાય છે કે ઓડિટમાં આટલી મોટી રકમની વસૂલાતનો મુદ્દો હોવા છતાં, શું રાજ્ય સરકારને વધુ ચૂકવાયેલી રકમ પરત લેવામાં રસ નથી? સમિતિએ આ અંગે કડક ભલામણો કરી છે.