Gandhinagar

ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ, રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતીના બહાને RSS નો કરે છે પ્રચાર!

By GS Team
10 Nov 20264 mins read
TukuTouch Logo
ગુજરાત ઓર્ગેનિક ખેતીમાં અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાખો હેક્ટર જમીન પર ઓર્ગેનિક ખેતી થાય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 15,334.41 હેક્ટર પર જ થાય છે. 2024-25માં સરકારે ₹2,096 લાખ ખર્ચ્યા છતાં, માત્ર 759 ક્લસ્ટર્સ અને 17,836 ખેડૂતો જ જોડાયા છે. રાજ્યપાલના પ્રચાર છતાં, ખેડૂતોને પ્રમાણપત્ર અને બજારનો અભાવ નડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ, રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતીના બહાને RSS નો કરે છે પ્રચાર!

Organic Farming in Gujarat : ગુજરાત ભલે ઔદ્યોગિક અને આર્થિક મોડલ ક્ષેત્રે દેશમાં અગ્રેસર હોવાના દાવા કરતું હોય, પરંતુ રાસાયણમુક્ત અને ઓર્ગેનિક ખેતીની વૈશ્વિક દોડમાં રાજ્ય હજુ પણ ઘણું પાછળ છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના તાજેતરના સત્તાવાર આંકડા દર્શાવે છે કે અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ ઘણો સીમિત અને ચિંતાજનક સ્તરે ધીમો છે. હજુ પણ ખેતીમાં રાસાયણિક ખાતરનો જ ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે.

પ્રાકૃતિક ખેતીનો ધૂમ પ્રચાર પણ કડવી વાસ્તવિકતા જુદી

ઓર્ગેનિક ખેતીને લાગે વળગે છે ત્યાં સુધી જ્યાં રાજસ્થાન 10,0557 ક્લસ્ટર્સ અને ઉત્તર પ્રદેશ 8,539 ક્લસ્ટર્સ સાથે દેશમાં મોખરે છે, તેની સામે ગુજરાતમાં માત્ર 759 ક્લસ્ટર્સ જ બની શક્યા છે. મધ્ય પ્રદેશ (6,037) અને મહારાષ્ટ્ર (2,978) જેવા પડોશી રાજ્યો પણ ગુજરાત કરતાં માઈલો આગળ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 અને 2025માં ઓર્ગેનિક ખેતી પાછળ રાજ્ય સરકારે રૂ. 2,096 લાખનો ખર્ચ કર્યો છે.

કૃષિ વિભાગને જ રસ નથી: માત્ર 17,836 ખેડૂતો જ ઓર્ગેનિક ખેતીની યોજનાનો લાભ મેળવી શક્યાં

અનાજ અને કઠોળનું મોટું ઉત્પાદન કરતા રાજ્યોમાં લાખો ખેડૂતો ઓર્ગેનિક તરફ વળ્યા છે. દાખલા તરીકે, આંધ્ર પ્રદેશમાં 7,46,976 ખેડૂતો અને કેરળમાં 3,10,841 ખેડૂતો ઓર્ગેનિક ખેતી અપનાવી ચૂક્યા છે. તેની સરખામણીએ ગુજરાતમાં માત્ર 17,836 ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જે રાજ્યના કુલ ખેડૂતોની સંખ્યાના એક ટકા જેટલો પણ ભાગ નથી.

કેમિકલમુક્ત ખેતી સામે પ્રાકૃતિક ખેતીની ગુલબાંગો વચ્ચે ગુજરાતમાં માત્ર 15,334,41 હેક્ટર પર ઓર્ગેનિક ખેતી

ઓર્ગેનિક ખેતી હેઠળ આવરી લેવાયેલી જમીનની બાબતમાં પણ ગુજરાતની સ્થિતિ નબળી છે. રાજસ્થાનમાં 2,01,140 હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 1,71,184 હેક્ટર જમીન કેમિકલમુક્ત બની ચૂકી છે, જ્યારે ગુજરાત માત્ર 15,334,41 હેક્ટર પર જ અટકી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા 'પ્રાકૃતિક ખેતી'ના ધૂમ પ્રચાર અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર યોજનાનું અમલીકરણ અન્ય રાજ્યો જેવું આક્રમક રહ્યું નથી.

ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક પાકો ઉગાડવા તૈયાર છે, પરંતુ તેમને પ્રમાણપત્ર મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. વળી, રાસાયણિક પાકોની જેમ ઓર્ગેનિક પેદાશો માટે કોઈ મજબૂત માર્કેટિંગ ચેઈન કે ટકાઉ ભાવની ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રે જે રીતે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ આપવા માટે અભિયાનો ચલાવ્યા, તેવી વ્યાપક સક્રિયતા ગુજરાતના કૃષિ વિભાગમાં જોવા મળી નથી.

જો ઓર્ગેનિક ક્લસ્ટર્સ વધારવા માટે યુદ્ધના ધોરણે કામ નહીં કરે, તો આગામી સમયમાં કેમિકલમુક્ત કૃષિ ઉત્પાદનોના માર્કેટ પર અન્ય રાજ્યો સંપૂર્ણ કબજો જમાવી લેશે અને દેશનું અગ્રેસર ગણાતું ગુજરાત આ ગ્રીન ઈકોનોમીની રેસમાં સાવ ફેંકાઈ જશે.

ડબલ સ્ટેન્ડર્ડ : રાજભવનમાં 'વૈભવ' ને ગામડામાં 'રાતવાસો'

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ઓર્ગેનિક ખેતી પ્રત્યેનો આગ્રહ હવે ટીકાનો વિષય બન્યો છે. રાજ્યપાલના વ્યક્તિગત ઈરાદાઓ ગમે તેટલા સારા હોય, પરંતુ એક ચોક્કસ વિચારધારાના પ્રચાર-પ્રસાર પાછળ જે રીતે સરકારી મશીનરી અને જનતાના નાણાંનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેવો ગણગણાટ શરૂ થયો છે. ઓર્ગેનિક ખેતીને લઈને ધૂમ પ્રચાર કરાય છે પણ ગુજરાતના ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતીને જ એકમાત્ર વિકલ્પ માની રહ્યા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અવારનવાર ગુજરાતના ગામડાઓમાં રાત્રિ સભાઓ યોજે છે અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા હાકલ કરે છે. બંધારણીય વડા જ્યારે ગામડાં જાય ત્યારે પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા, અધિકારીઓનો કાફલો અને આયોજન પાછળ કરાતા ખર્ચને લીધે સરકારી તિજોરી પર ભારણ નાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે સાદગીના નામે આયોજિત કાર્યક્રમોના ફોટો છપાવવા અને માર્કેટિંગ કરવા પણ ખર્ચ કરાઈ રહ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે, રાજ્યપાલના આ વ્યક્તિગત અભિયાન માટે સરકારી નાણાંનો આવો વ્યય ક્યાં સુધી ચાલશે?

હરિયાણામાં કુરૂક્ષેત્ર ખાતે રાજ્યપાલના ફાર્મ પર અધિકારીઓની કોના ખર્ચે 'ઓર્ગેનિક જાત્રા'?

સચિવાલયના ગલિયારામાં ચર્ચા છે કે, રાજ્યપાલના હરિયાણા સ્થિત કુરુક્ષેત્રના ઓર્ગેનિક ફાર્મ હોટ ટોપિક બન્યું છે. રાજ્યપાલના આ ખાનગી પ્રાકૃતિક ફાર્મને જોવા માટે અત્યાર સુધીમાં ગુજરાતના ઘણાં સચિવોથી માંડીને નાના વહીવટી અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળોને સ્પેશિયલ યાત્રાએ જઈ ચૂક્યાં છે. ઓર્ગેનિક ખેતીનું મોડેલને જોવા માટે ગુજરાતના અધિકારીઓના હરિયાણા આવવા-જવાનો, રહેવાનો અને અન્ય અતિથિ સત્કારનો લાખો રૂપિયાનો ખર્ચ કોણે ભોગવ્યો તે પણ એક સવાલ પૂછાઈ રહ્યો છે.

તંત્ર પાસે માત્ર કાગળ પરના આંકડા, જ્યારે જમીન પર સ્થિતિ જસની તસ

રાજભવનથી લઈને ગાંધીનગરના મંચો સુધી ઓર્ગેનિક ખેતીની ગમે તેટલી ગુલબાંગો પોકારવામાં આવે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતનો સરેરાશ ખેડૂત આજે પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના ખેતી કરવાનું જોખમ લઈ શકે તેમ નથી. બજારમાં ઓર્ગેનિક પાકના વેચાણની કોઈ સંગઠિત વ્યવસ્થા નથી કે નથી કોઈ પોષણક્ષમ ભાવની ગેરેંટી.

આવા સંજોગોમાં, રાજ્યપાલના અતિશય આગ્રહ અને દબાણ હેઠળ માત્ર વાહવાહ ખાટવા માટે યોજાતા ઉત્સવો અને સરકારી પ્રવાસો જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ સાબિત થઈ રહ્યા છે. પરિણામના નામે તંત્ર પાસે માત્ર કાગળ પરના આંકડા છે, જ્યારે જમીન પર સ્થિતિ જસની તસ છે.