વિદેશ ભણવા માંગતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મોટી રાહત: ગુજરાત સરકારે અભ્યાસ લોનની આવક મર્યાદા વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Unreserved Category Foreign Study Loan Gujarat: ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા એક મોટો નિર્ણય લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળની 'વિદેશ અભ્યાસ લોન યોજના' માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે.
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજનાની આવક મર્યાદા વધારાઈ
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા બિનઅનામત વર્ગના વધુમાં વધુ વિદ્યાર્થીઓ લોન સહાયનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ આવક મર્યાદામાં વધારો કર્યો છે. 19 ઑગસ્ટ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, હવે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા પાત્ર બનશે.
અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે મહત્તમ આવક મર્યાદા 6 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી. વિકસતી જાતિ કલ્યાણના નિયામક દ્વારા 15 ઑક્ટોબર 2025ના રોજ આવક મર્યાદા વધારવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારની સક્રિય વિચારણા બાદ આ સુધારાને મંજૂરી આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ અનુસાર, આ નવા નિયમનો અમલ 18 ઑગસ્ટ 2026થી કરવાનો રહેશે.
વિભાગના નાયબ સચિવ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 'વિદેશ અભ્યાસ લોન યોજના' અંગેના અગાઉ બહાર પાડવામાં આવેલા પ્રવર્તમાન ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત્ જ રહેશે. આ નિર્ણયને નાણા વિભાગ અને સરકારની 3 ઑગસ્ટ 2026ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.









