ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ, 12 પોઝિટિવ: આરોગ્ય મંત્રીએ યોજી બેઠક, પણ મૃત્યુઆંક અંગે મૌન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandipura Virus Gujarat Cases: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોને ધ્યાને રાખીને રાજ્યના આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી અને વહીવટી તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. સરકારે 63 શંકાસ્પદ કેસ અને પોઝિટિવ દર્દીઓની માહિતી આપી પરંતુ શંકાસ્પદ વાયરસથી કેટલાના મોત થયા તે અંગે કોઈ ચોખવટ નથી કરી.
કેસોની વર્તમાન સ્થિતિ: 12 પોઝિટિવ દર્દીઓ
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12 પોઝિટિવ કેસમાંથી 9 કેસ ગુજરાતના અને 3 કેસ રાજસ્થાનના દર્દીઓના છે. કુલ 63 શંકાસ્પદ સેમ્પલમાંથી 55ના ટેસ્ટિંગ રિપોર્ટ આવી ગયા છે, જ્યારે બાકીના 8 સેમ્પલનું પરિણામ આવવાનું હજુ બાકી છે.
કયા જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ?
આરોગ્ય મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પંચમહાલ અને ખેડામાં 2-2 કેસ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર, અને અમદાવાદ મનપામાં 1-1 કેસ નોંધાયા છે.અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જ્યાં પણ કેસ નોંધાયા છે તે પોકેટમાં સઘન દેખરેખ રાખવામાં આવે અને વાયરસના સંક્રમણનો સ્ત્રોત સમજવા દર્દીઓની ટ્રાવેલ અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવામાં આવે.
યુદ્ધના ધોરણે સઘન કામગીરી અને હોસ્પિટલો એલર્ટ
અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ વાયરસ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટિંગ (પાવડરનો છંટકાવ) યુદ્ધના ધોરણે થઈ રહ્યો છે. તમામ જિલ્લાની સિવિલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે ખાસ ICU બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
બાળકો માટે સપ્ટેમ્બર સુધી જોખમ: લક્ષણો જણાય તો તુરંત સંપર્ક કરો
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી આ વાયરસની સક્રિયતા વધુ જોવા મળતી હોય છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને નિશાન બનાવતો હોવાથી નીચે મુજબના લક્ષણો જણાય તો બેદરકારી ન રાખવા અપીલ કરાઈ છે.
વાયરસના મુખ્ય લક્ષણો
- અચાનક તીવ્ર તાવ આવવો
- ખેંચ (આંચકી) આવવી
- ઉલટી-ઝાડા થવા
- બાળક બેભાન થઈ જવું
આવા કોઈ પણ લક્ષણ દેખાય તો સહેજ પણ સમય બગાડ્યા વિના તરત જ નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. નાગરિકોને ભયભીત ન થતાં માત્ર સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે સરકારે શંકાસ્પદ કેસ અને પોઝિટિવ દર્દીઓની માહિતી આપી પરંતુ શંકાસ્પદ વાયરસથી કેટલાના મોત થયા તે અંગે કોઈ ચોખવટ નથી કરી.









