ત્રણ દિવસમાં GST નોંધણી, 7 દિવસમાં 90 ટકા રિફંડ, GST કાયદામાં સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GST law amendment bill passed in the Gujarat Legislative Assembly: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જી.એસ.ટી. કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી ગુજરાત રાજ્યના જી.એસ.ટી. સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે.
આ સુધારા વિધેયકની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે
વેચાણ પછીના ડિસ્કાઉન્ટને વેરાકીય રાહત
કલમ 15(3)(b)માં સુધારા દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરવામાં આવી છે. વેચનાર દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મેળવી શકશે. આનાથી અનુપાલનનો બોજ ઘટશે અને અંતિમ ઉપભોક્તાને લાભ મળશે.
ક્રેડિટ નોટ અંગે સ્પષ્ટતા
કલમ 15(3)(b)ના સુધારાને અનુષંગિક સુધારો કલમ 34(1)માં પણ સૂચવવામાં આવ્યો છે. જેથી વેચાણ પછી આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરી શકાશે.
ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માટે ઝડપી રિફંડ
હાલમાં કલમ 54 હેઠળ રિફંડની અરજીના 60 દિવસની અંદર રિફંડ ચૂકવવાની જોગવાઈ છે. સુધારા દ્વારા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઉપસ્થિત થતા રિફંડ માટે 90 ટકા પ્રોવિઝનલ રિફંડ દિન-7માં આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેનાથી ઉદ્યોગકારોનું રોકડ ભંડોળ (વર્કિંગ કેપિટલ) સુદૃઢ બનશે.
નિકાસના માલના રિફંડ માટે ₹1,000ની મર્યાદા દૂર
હાલમાં રિફંડની રકમ ₹1,000થી ઓછી હોય તો રિફંડ મળવા પાત્ર નથી. વિધેયક દ્વારા કલમ-54માં સુધારો કરીને વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર ₹1,000ની મર્યાદા દૂર કરી રિફંડ આપવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે જી.એસ.ટી. કાયદામાં કરવામાં આવેલા સરળીકરણના પરિણામે ગત નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાં 99.6 ટકા રિટર્ન નિયમિત સમયમર્યાદામાં ભરાયું છે. જે રાષ્ટ્રીય સરેરાશથી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવાની બાબતમાં સમગ્ર દેશમાં છેલ્લાં 5 વર્ષથી પ્રથમ ક્રમે છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી દવાઓ, વ્યક્તિગત મેડિક્લેમ અને વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમને જી.એસ.ટી.માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બટર, ઘી, સાબુ, શેમ્પૂ, ખેતી માટેના ટ્રેક્ટર અને તેના પાર્ટ્સ, બિયારણ સાધનો, અન્ય મશીનરીઓ, સ્ટેશનરી, વોટર કલર તેમજ રમત-ગમતના સાધનો વગેરે પર વેરાના દરો ઘટાડવામાં આવ્યા છે. વેરાના દરોમાં મુક્તિ આપવા અને ઘટાડો કરવા છતાં રાજ્યની આવકનો વૃદ્ધિ દર જળવાઈ રહ્યો છે.




