Gandhinagar

આદિવાસી વોટબેન્ક ખસકતાં સરકારમાં ફફડાટ, CM નિવાસે ધારાસભ્યો-સાંસદો સાથે મેરેથોન બેઠક

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં આદિવાસી મતદારો અન્ય પક્ષો તરફ વળતાં, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભાજપનો પ્રભાવ ઘટ્યો છે. આગામી ચૂંટણીમાં ગાબડું પડવાના ડરથી સરકારે 4 વર્ષે આદિવાસીઓની યાદ આવી. મુખ્યમંત્રી નિવાસસ્થાને આદિવાસી સાંસદો-ધારાસભ્યો સાથે રોડ, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા નિર્દેશ અપાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

આદિવાસી વોટબેન્ક ખસકતાં સરકારમાં ફફડાટ, CM નિવાસે ધારાસભ્યો-સાંસદો સાથે મેરેથોન બેઠક

Gujarat Politics: ગુજરાતના આદિવાસી મતદારો હળવેકથી અન્ય પક્ષ તરફ વળી રહ્યાં છે જેમ કે, નર્મદા સહિત અન્ય જિલ્લામાં ભાજપનો પ્રભાવ ઘટી રહ્યો છે જેના પગલે રાજ્ય સરકાર ચિંતીત થઈ છે. હવે ચાર વર્ષ બાદ સરકારને આદિવાસીઓની યાદ આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ગાબડુ પડે તેવા ડરને પગલે સરકારે ભાજપના આદિવાસી સાંસદ અને ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું મોકલ્યુ હતું. એટલું જ નહીં, મુખ્યમંત્રી નિવાસસ્થાને આદિવાસી વિસ્તારોના વિકાસને લઈને વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

ચાર વર્ષે સરકારને આદિવાસીઓ યાદ આવ્યાં

અંબાજીથી માંડીને પંચમહાલ સુધીના આદિવાસી પટ્ટામાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ નથી. આદિવાસી પ્રસૂતાને ઝોળીમાં નાંખીને લઈ જવી પડે છે. રસ્તામાં જ પ્રસૂતિ થાય છે તેવા કિસ્સા બની રહ્યાં છે. શાળાઓની એવી દશા છે કે, એક જ શિક્ષક બધા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે. પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી. આવી અનેક સમસ્યાથી આદિવાસીઓ પીડાઈ રહ્યાં છે.

હાલ આદિવાસી વિસ્તારોમાં સરકાર સામે આંદોલન ચાલી રહ્યાં છે. થોડાક વખત પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપે ઘણી પાલિકા ગુમાવવી પડી છે. હજુ ભાજપ તરફી માહોલ નથી. આ જોતાં સરકારે આદિવાસી સાંસદ, ધારાસભ્યો અને અગ્રણીઓને ગાંધીનગરનું તેડુ મોકલાવ્યુ હતું.

આદિવાસી વિસ્તારોના પાયાના પ્રશ્નો રજૂ કરાયા

આદિવાસી વિસ્તારોમાં ભાજપ તરફી માહોલ ઊભો થાય તે માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્યના 14 જિલ્લાઓના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિવાસી વિસ્તારોના પાયાના પ્રશ્નો રજૂ કરાયા હતા. મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારોમાં રોડ-રસ્તા, પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ટૂંકમાં સરકારી યોજનાઓના લાભો છેવાડાના આદિવાસી પરિવારો સુધી પહોંચાડીને ભાજપ તરફી માહોલ ઊભો કરવા ધારાસભ્યો, સાંસદ અને અગ્રણીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.