ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત બાદ સરકાર એક્શનમાં: જાણો યાત્રાળુઓની સુરક્ષા માટેના 5 મોટા નિર્ણયો અને નવી SOP
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Girnar Sanctuary New SOP Pilgrims: જૂનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી પર સિંહના હુમલામાં 11 વર્ષના માસૂમ બાળકના મોતના મામલાને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે સોમવારે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે કેટલાય મોટા અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
તાજેતરમાં ખેડા જિલ્લાનો 11 વર્ષીય બાળક મયુર ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનારની યાત્રાએ આવ્યો હતો. ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. આ કાળજું કંપાવનારી ઘટનામાં માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ગાંધીનગરમાં યોજાઈ હાઈલેવલ બેઠક
આ ઘટનાની ગંભીર નોંધ લઈને લઈને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ વન મંત્રીએ મીડિયાને સરકાર દ્વારા લેવાનારા કડક પગલાંઓની વિગતો આપી હતી.

સરકારના 5 મોટા નિર્ણયો
- સીડી માર્ગ બનશે ‘સાયલન્સ ઝોન’: ગિરનાર અને દાતાર સીડી માર્ગને સત્તાવાર રીતે ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. જેથી વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવી શકાય.
- કાયમી ચેકપોસ્ટ અને મોનિટરિંગ: ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં જ્યાં વન્યજીવોની અવરજવર વધુ છે તેવા સંવેદનશીલ સ્થળો ઓળખીને ત્યાં કાયમી ચેકપોસ્ટ બનાવવામાં આવશે.
- થર્મલ ડ્રોનથી સર્વેલન્સ: જંગલ અને સીડી માર્ગની આસપાસ વન્યજીવોની હિલચાલ પર સતત બાજ નજર રાખવા માટે હાઈટેક 'થર્મલ ડ્રોન' વડે સર્વેલન્સ શરૂ કરાશે.
- 25 કાયમી ટ્રેકર્સ તહેનાત: ગિરનાર પર્વત પર આવતા ભક્તો અને યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ખાસ ટ્રેકર્સ કાયમી ધોરણે વોચ રાખશે.
- નવી સાર્વત્રિક SOPનો અમલ: જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને વન વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રના સંકલન સાથે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે, જેથી કટોકટીના સમયે તાકીદે ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય.
યાત્રાળુઓ માટે ચાલશે જનજાગૃતિ અભિયાન
વન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર આવતા સ્થાનિક લોકો અને યાત્રાળુઓ વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તે, કઈ બાબતોનું ધ્યાન રાખે તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. માર્ગો પર ચોક્કસ સૂચનાઓ અને માર્ગદર્શિકાના બોર્ડ પણ મૂકવામાં આવશે.









