Gandhinagar

ગાંધીનગર: દહેગામમાં કૌટુંબિક વિવાદમાં યુવકનું અપહરણ બાદ ઘાતકી હત્યા, ચાર શખસની ધરપકડ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના દહેગામમાં પંકજ સોસાયટી બહારથી ભરત ઠાકોરનું ધોળા દિવસે અપહરણ કરી હત્યા કરાઈ. પ્રેમપ્રકરણ અને કૌટુંબિક વિવાદમાં કિરણસિંહ ચૌહાણે ત્રણ સાગરીતો સાથે મળીને ભરતને અલ્ટો કારમાં ખેંચી બહિયલ પાસે નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો હતો. ખેડાના કઠલાલ પાસેથી મૃતદેહ મળ્યા બાદ દહેગામ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: દહેગામમાં કૌટુંબિક વિવાદમાં યુવકનું અપહરણ બાદ ઘાતકી હત્યા, ચાર શખસની ધરપકડ

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોળા દિવસે એક યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જઘન્ય અપરાધ પાછળ એક કૌટુંબિક વિવાદ અને પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

દહેગામમાં કૌટુંબિક વિવાદમાં યુવકનું અપહરણ બાદ ઘાતકી હત્યા

મૃતક યુવકની ઓળખ ભરત વિનુજી ઠાકોર તરીકે થઈ છે. ભરત જ્યારે પંકજ સોસાયટીની બહાર પોતાની સાઇકલ પર જઈ રહ્યો હતો, ત્યારે એક અલ્ટો કારમાં આવેલા શખસોએ તેને અચાનક આંતર્યો હતો. આસપાસના લોકોની નજર સામે જ આ શખસોએ ભરતને જબરદસ્તીથી કારમાં ખેંચી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ગભરાયેલા પરિવારની ફરિયાદ મળતાં જ દહેગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના રસ્તાઓ અને ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસની તપાસમાં શું બહાર આવ્યું?

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ અપહરણ કોઈ અચાનક બનેલી ઘટના ન હતી. પરંતુ કૌટુંબિક પ્રેમપ્રકરણના વિવાદને કારણે રચાયેલું એક પૂર્વઆયોજિત કાવતરું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર કિરણસિંહ ચૌહાણ હતો, જે મૃતક ભરતના નાના ભાઈની પત્નીનો પ્રેમી હોવાનું જાણવા મળ્યું છે. કિરણસિંહે અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને ભરતને રસ્તામાંથી હટાવવા માટે આ અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

કેનાલના ધસમસતા ઊંડા પાણીમાં ધક્કો મારી દીધો

અપહરણ કર્યા બાદ આરોપીઓ કાર હંકારીને બહિયલ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા અને ત્યાં નિર્દયતાથી ભરતને ધસમસતા ઊંડા પાણીમાં ધક્કો મારી દીધો હતો.
લાપતા યુવકને શોધવા માટે સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન શોધખોળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ચાર શખસની ધરપકડ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અપરુજી ગામ પાસેની કેનાલમાંથી ભરતનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહ મળી આવ્યા બાદ દહેગામ પોલીસે નોંધાયેલી FIRમાં હત્યાની કલમોનો ઉમેરી છે. સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.