ગાંધીનગર: ભાજપની બેઠકમાં 'નો મોબાઇલ' પોલિસી: નેતાઓના ફોન લોકરમાં મૂકાવાયા, એકાગ્રતા બહાનું કે લીક થવાનો ડર?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ભારતીય જનતા પાર્ટી તેની શિસ્ત અને હાઈટેક વ્યુહનીતિ માટે જાણીતી છે, પરંતુ તાજેતરમાં ગાંધીનગરના કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકમાં શિસ્તના નામે એક એવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. બેઠકમાં ચર્ચા દરમિયાન એકાગ્રતા જાળવવા અને કોઈ ખલેલ ન પહોંચે તે માટે હોલની અંદર મોબાઇલ ફોન સાથે પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ કડક નિયમ કોઈ સામાન્ય કાર્યકરો માટે નહીં, પરંતુ પક્ષના તમામ સ્તરના મોટા નેતાઓ, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ માટે સમાન રીતે લાગુ કરાયો હતો.
ફોન જમા કરાવો, ટોકન લો: લગ્નપ્રસંગ જેવી કડક વ્યવસ્થા!
બેઠકમાં ભાગ લેવા પહોંચેલા તમામ દિગ્ગજ નેતાઓએ ફરજિયાતપણે પોતાના કિંમતી મોબાઇલ ફોન જમા કરાવવા પડ્યા હતા. બેઠક હોલની બહાર ઊભા કરાયેલા રજિસ્ટ્રેશન ડેસ્ક પર નેતાઓના ફોનને કવરમાં પેક કરી, બોક્સમાં મૂકીને એક વિશેષ લોકર જેવી સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ પ્રક્રિયાને સુરક્ષિત રાખવા માટે ખાસ ટોકન પદ્ધતિ અપનાવાઈ હતી. બેઠક પૂરી થયા બાદ આ ટોકન બતાવીને જ ફોન પરત મેળવી શકાય તેવી હાઈટેક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વિવિધ અટકળો વચ્ચે પક્ષની સત્તાવાર સ્પષ્ટતા: 'ખલેલ ન પહોંચે એટલે…'
આ અનોખી 'મોબાઇલ પોલિસી' અંગે જ્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે-
મોબાઇલ જમા કરાવવા પાછળ કોઈ નકારાત્મક કારણ નથી. બેઠક દરમિયાન વારંવાર ફોનની રીંગટોન વાગવાથી કે સોશિયલ મીડિયાના કારણે ચર્ચામાં ખલેલ પહોંચે છે. તમામ નેતાઓનું ધ્યાન કેન્દ્રિત રહે તે માટે જ આ નિર્ણય લેવાયો છે.
રાજકીય વર્તુળોમાં ગણગણાટ: એકાગ્રતા તો ઠીક, અસલી ડર 'લીકેજ'નો છે?
પક્ષ ભલે આને એકાગ્રતાનો પ્રયોગ ગણાવતો હોય, પરંતુ રાજકીય વિશ્લેષકો અને લોકોમાં ચર્ચાતી વાતો ઘણી સૂચક છે. રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા છે કે બેઠકમાં થતી આગામી ચૂંટણીઓની વ્યુહરચના અને સંવેદનશીલ ચર્ચાઓની ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ મોટો આદેશ છૂટ્યો છે. ઘણી વખત એવા કિસ્સા સામે આવે છે કે કેટલાક નેતાઓ અંદરની વાતનો ઑડિયો કે ફોટો ગુપ્ત રીતે લીક કરી દેતા હોય છે, ત્યારે કોઈ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય તે સુનિશ્ચિત કરવા જ ભાજપે આ ડિજિટલ નજરકેદ જેવું પગલું ભર્યું હોઈ શકે છે. આ આકરા વલણને કારણે બેઠકનું વાતાવરણ અત્યંત ગંભીર અને કાર્યલક્ષી જોવા મળ્યું હતું.









