ગાંધીનગર: કલોલના વેપારીને વોટ્સએપ પર ઇન્વિટેશન કાર્ડ મોકલી ફોન હેક કર્યો, ખાતામાંથી 6 લાખ રૂપિયા ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Cyber Fraud: ગાંધીનગર જિલ્લાના કલોલમાં બોરીસણા રોડ પર આવેલા બલારામ પાર્કમાં રહેતા અને છત્રાલ ગામે રામજી મંદિર પાસે અનાજનો હોલસેલ વેપાર કરતા 50 વર્ષીય સંજયકુમાર પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર 'ઇન્વિટેશન કાર્ડ' અને 'GB Instagram' નામે આવેલી શંકાસ્પદ એપીકે (APK) ફાઇલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને બૅંક ખાતામાંથી 6.18 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે તેમણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સંજયકુમાર પટેલ છત્રાલ સ્થિત એચડીએફસી બૅંકની શાખામાં કરંટ ખાતું ધરાવે છે. 27મી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ઇન્વિટેશન કાર્ડ અને 'GB Instagram APK File' આવી હતી. તેમણે આ ફાઇલ ડાઉનલોડ કરીને ખોલતાની સાથે જ સાંજે ચાર વાગ્યાના સુમારે તેમના ખાતામાંથી 2.76 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. કોઈપણ વ્યવહાર કર્યા વિના નાણાં ઊપડી જતાં તેણે તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જોકે, બીજા દિવસે 28 સપ્ટેમ્બરના રોજ તેમના ખાતામાંથી વધુ 3.42 લાખ રૂપિયા ડેબિટ થઈ જતાં કુલ 6.18 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના અંગે સંજયની ફરિયાદના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા ઠગ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટની કલમ 66-ડી હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ. એ. હુંબલે વધુ તપાસ હાથ ધરી છે.
લગ્ન કે ઇવેન્ટના નામે આવતી .apk ફાઇલથી સાવધાન
સાયબર ગઠિયાઓ હવે લગ્નની કંકોત્રી કે સામાજિક પ્રસંગના ઇન્વિટેશન કાર્ડના નામે વોટ્સએપ પર માલિશિયસ (હાનિકારક) એપીકે (.apk) ફાઇલો મોકલી રહ્યા છે. યુઝર્સ આ ફાઇલને સામાન્ય ફોટો કે પીડીએફ સમજીને ઇન્સ્ટોલ કરે છે ત્યારે હેકર્સ ફોનનું સંપૂર્ણ રિમોટ એક્સેસ મેળવી લે છે. જેના પરિણામે બેંકમાંથી આવતા ઓટીપી (OTP) અને મેસેજ હેકર્સ સુધી પહોંચી જાય છે અને ગણતરીની મિનિટોમાં ખાતું ખાલી થઈ જાય છે. કોઈપણ અજાણી .apk ફાઇલ ડાઉનલોડ ન કરવા સાયબર નિષ્ણાતોએ સલાહ આપી છે.




