ગુજરાતમાં ધારાસભ્યોના ફ્લેટમાં જાળી અને પડદા પાછળ અઢી કરોડ રૂપિયાનું આંધણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat MLA Luxury Flats: ગુજરાતમાં પ્રજાના ટેક્સના પૈસે લક્ઝુરિયસ સુવિધાઓ ભોગવવામાં નેતાઓ જરાય તક છોડતા નથી. સામાન્ય જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે, ત્યારે જનતાના સેવક હોવાનો દાવો કરતા ધારાસભ્યોને કરોડોના ખર્ચે આલિશાન ફ્લેટ અપાયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ ‘કથિત રાજાઓ’ને કરોડોની કિંમતના ફ્લેટ્સ પણ વૈભવ ઓછો પડી રહ્યા છે. એટલે જ નવી-નવી સુવિધાઓની માંગણીઓનો કોઈ અંત આવી રહ્યો નથી! આ લક્ઝુરિયસ ફ્લેટમાં અઢી કરોડના ખર્ચે હવે જાળી અને સ્પેશિયલ પડદા નાંખવામાં આવશે.
કરોડો રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટ્સમાં ધારાસભ્યોને હજુ સુવિધા ઓછી પડે છે
સૂત્રોના જણાવ્યાનુસાર, લક્ઝુરિયસ ફ્લેટ અપાયા પછી પણ ધારાસભ્યોની માંગણી યથાવત રહી છે. હવે આ ફ્લેટ્સની ગેલેરી અને બારીઓમાંથી કબૂતર અંદર ન આવી જાય તે માટે સામાન્ય જાળી નહીં, પણ દેખાય નહીં તેવી મોંઘી ‘ઈન્વિઝિબલ ગ્રીલ’ લગાવવામાં આવશે.
આટલું ઓછું હોય તેમ, રસોડા અને રૂમોમાં ગરમી રોકે અને આગ પ્રતિરોધક હોય તેવા હેવી-ડ્યૂટી ‘મેન્યુઅલ રોલર બ્લાઈન્ડ બ્લેકઆઉટ કર્ટન’ પણ પ્રજાના ખર્ચે નખાશે. આ મોંઘીદાટ સુવિધાઓ ઉપરાંત ધારાસભ્યોના ફ્લેટ્સમાં આધુનિક સુ-રેક (શૂઝ સ્ટેન્ડ), ફેન્સી મિરર (અરીસા) અને લેટર બોક્સ, નવા લક્ઝુરિયસ ડોર લોક હેન્ડલ જેવી નાની-મોટી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે નક્કી કરાયું છે.
સામાન્ય નાગરિક ઘરની સામાન્ય સુવિધા માટે પણ લોનના હપ્તા ભરતાં-ભરતાં ઘસાઈ જાય છે, ત્યારે કરોડપતિ ધારાસભ્યોને મફત જેવા ભાડેથી આટલા મોંઘા ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. હજુ તો અહીં વસવાટની માત્ર શરૂઆત થઈ છે અને ઘણા ધારાસભ્યોએ કબજો સંભાળ્યો છે, ત્યાં જ માંગણીઓ શરૂ થઈ ગઈ છે. પ્રજાના પૈસે નવી સુવિધાઓની લ્હાણીનું લિસ્ટ હજુ કેટલું લાંબુ થશે તે એક મોટો સવાલ છે.









