ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ESIC Gujarat Healthcare MoU: રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે(ESIC) એક નવી પહેલ કરી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા 6 આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર(MoU) કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ MoU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે-
સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે. જેથી, શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે. આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે.
યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની તકેદારી રખાશે
ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
વધુ 45 હૉસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયાની તૈયારી
આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હૉસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વધુ 45 હૉસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.
ESIC-ગુજરાત દ્વારા 6 આરોગ્ય સંસ્થાઓ સાથે કરવામાં આવેલ MoU
- શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ
- શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હૉસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગર
- શ્રી ગિરિરાજ હૉસ્પિટલ (શ્રી ગિરિરાજ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડનું એક એકમ), રાજકોટ
- ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ
- એન. એમ. વિરાણી વોકહાર્ટ હૉસ્પિટલ લિમિટેડ
- ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ









