રાજદ્વારી નિષ્ફળતા : સજા પૂર્ણ થવા છતાં 178 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ, દર વર્ષે 4થી 5ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

178 Indian Fishermen Still in Pakistan Jail: પપ્પા ક્યારે ઘરે આવશે? આંખોમાં આ સવાલ સાથે એક પાંચ વર્ષની બાળકી દરરોજ સાંજે ઘરના દરવાજા બહાર નજર દોડાવ્યા કરે છે. બીજી બાજુ પુત્રના વિરહમાં બીમાર પડેલી માતા દીકરો આવીને તેને કાંધ આપશે, તેની રાહમાં વર્ષો સુધી જાણે શ્વાસ રોકીને બેઠી હતી. એક બહેન ભાઈના કાંડે રાખડી બાંધવા, જ્યારે એક પત્ની તેના પતિનો અવાજ સાંભળવા તરફી રહ્યા છે. આ વેદના છે દેશના એવા 178 માછીમારોના પરિવારોની જે હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે.
માછીમારો રાજદ્વારી નિષ્ફળતાના લીધે વર્ષોથી પાકિસ્તાનની જેલમાં
સામાન્ય રીતે માછીમાર પકડાયા બાદ રાષ્ટ્રીયતાની ઓળખ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહીમાં ત્રણથી છ મહિના લાગે છે. બાદમાં સમુદ્રીય સરહદ ઓળંગવા માટે 6 મહિનાની કેદ થાય છે. એટલે એક વર્ષમાં માછીમારને તેમના દેશ પરત મોકલવાના હોય છે. તેમ છતાં દેશના 178 માછીમારો કાયદેસરની સજા ભોગવ્યા બાદ પણ રાજદ્વારી નિષ્ફળતાના લીધે વર્ષોથી પાકિસ્તાનની જેલમાં છે. દર વર્ષે ત્યાં ચારથી પાંચ માછીમારોના મોત થાય છે. જ્યારે ગત વર્ષે એક માછીમારે કંટાળીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમને જેલમાંથી મુક્ત કરાવવા તેમના પરિવારો અને પાકિસ્તાન-ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી, રાષ્ટ્રીય માછીમાર ફોરમ સહિતના સંગઠનો દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે. કુલ માછીમારોમાંથી 144 ગુજરાત, 24 દીવ અને બાકીના મહારાષ્ટ્રના છે.
આ અંગે દીવના જીવીબહેન સોલંકી રડતી આંખે જણાવે છે કે, 'મારો દીકરો વિશાલ વર્ષ 2021માં 23 વર્ષનો હતો. ત્યારે ઓખાના દરિયામાં માછીમારી કરતી વખતે ભૂલથી સમુદ્રીય સરહદ ઓળંગી લીધી હતી. પરંતુ બોટ પરત ફેરવતા સમયે એન્જિન બંધ પડી જતાં તેઓ પકડાઈ ગયા હતા. આ દરમિયાન તેની પત્ની ગર્ભવતી હતી. આજે તેની દીકરી પાંચ વર્ષની થઈ પરંતુ જન્મી ત્યારથી પિતાનો ચહેરો જોયો નથી. બીજા બાળકોને પિતા સાથે જોઈ તે દરરોજ મારા પપ્પા ક્યારે ઘરે આવશે? તેવો સવાલ પૂછે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. જ્યારે પત્ની મજૂરી કરી બાળકોનો ઉછેર કરે છે.'
દીવના જાગૃતિબહેન સોલંકી પોતાની વેદના ઠાલવતા કહે છે કે, 'મારા દિયર પહેલી વખત પરિવારના અન્ય સભ્યો સાથે માંગરોળથી માછીમારી માટે ગયા હતા. જે આજે પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. મારા પતિનું અવસાન થઈ ગયા બાદ બીજો દીકરો પણ આમ કેદ થતા મારા સાસુ આઘાતમાં સરી પડ્યા હતા. વર્ષો સુધી તેમની સારવાર માટે કેટલાય શહેરમાં ધક્કા ખાવા પડ્યા હતા. પુત્રના વિરહમાં પથારીવશ થઈ આખરે ચારેક મહિના પહેલાં તેઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ પુત્રની કાંધ પણ નસીબ થઈ નહોતી.
ગીર સોમનાથના ઉનામાં રહેતા જિગનેશ રાઠોડ ભારે હ્રદય સાથે જાણાવે છે કે, 'પાંચ વર્ષ પહેલાં હું બીકોમમાં હતા ત્યારે મારા પિતા સમુદ્રમાં પકડાઈ ગયા હતા. ઘરનો મોટો દીકરો હોવાથી માતા, નાના ભાઈ અને બહેનની જવાબદારી મારી પર આવી જતા સીએ બનાવાનું સપનુ અને ભણતર બંને છોડી નોકરી કરવાની ફરજ પડી હતી. પાંચ વર્ષથી કોઈ તહેવાર ઉજવ્યો નથી. છેલ્લે પાકિસ્તાથી અમુક માછીમારો પરત આવ્યા ત્યારે પિતાએ તેમના સાથે પત્ર લખી મોકલાવ્યો હતો. જે વાંરવાર વાંચી તેમની હૂંક અનુભવું છું.'
સરકાર પાસેથી માછીમારોના પરિવારોની માગણીઓ શું છે?
વર્ષ 2008ના કરાર પ્રમાણે નો અરેસ્ટ પોલિસી અમલમાં મુકવી, કેદ માછીમારોના પરિવારોને મળતી માસિક સહાય 9 હજાર રૂપિયાથી વધારી 15 હજાર રૂપિયા કરવી, પત્રવ્યવહાર ફરી શરૂ કરાવવો, કેદ માછીમારોની સારવાર માટે દેશમાંથી તબીબોની ટીમ મોકલવા સહિતની માગણી કરાઈ છે.
માછીમારોની મુક્તિમાં વિદેશ મંત્રાલય ઊણું ઉતર્યું
વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડાવવા માટે કોઈ પ્રયાસ નહીં કરાતાં તેમના પરિવારોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. એવી લોકચર્ચા છે કે, પાકિસ્તાન સાથે પાછલા બારણે વેપાર થાય, ક્રિકેટ રમાય પણ વાત માછીમારોને છોડાવવાની આવે તો દેશનું વિદેશ મંત્રાલય સાવ ઊણું ઉતરે છે.
માછીમારોને પાકિસ્તાની જેલમાં જમવામાં શું મળે છે?
પાકિસ્તાનની જેલમાં આખા દિવસમાં માછીમારોનો પાંચ રોટલી અને શાક અપાય છે. તેના સહારે 24 કલાક કાઢવાના હોય છે. જ્યારે માછીમારો ખેતી, સુથારી જેવા કામ કરી મામૂલી વેતન મેળવી તેમાંથી રેશનની વસ્તુઓ ખરીદી જાતે રાંધીને પણ ભોજન કરી શકે છે.









