ગુજરાત સરકારે ગામડાઓમાં ઘરવિહોણા પરિવારોને મફત ફાળવેલા પ્લોટ સમતળ કરવાની સહાયમાં વધારો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Housing Scheme: ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા હોય ત્યાં જમીન સમતળ કરવા માટે અપાતી આર્થિક સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ગામડાઓમાં આવાસ નિર્માણની કામગીરી વધુ ઝડપી બનશે અને ગ્રામીણ પરિવારોને મોટી રાહત મળશે.
ગામતળ વિકાસ અને આવાસ નિર્માણને મળશે નવી ગતિ
નવા સુધારા મુજબ, મફત પ્લોટ મેળવનાર કુટુંબોને જમીન વિકાસ અને સમતળ કરવા માટે પ્લોટ દીઠ મળતી સહાય 1000 રૂપિયાથી વધારીને સીધી ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા હેક્ટર દીઠ મળતી સહાય 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. આમ, સરકારે પ્લોટ સમતળ સહાયમાં પાંચ ગણો અને હેક્ટર દીઠ જમીન સમતળ સહાયમાં ચાર ગણો ધરખમ વધારો કર્યો છે.
આ નિર્ણય ખાસ કરીને એવા વિસ્તારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં રહેણાંક માટે ફાળવવામાં આવેલી જમીન અસમતળ કે ખાડા-ટેકરાવાળી હોવાને કારણે લાભાર્થીઓને મકાન બાંધવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. સહાયમાં કરાયેલા આ વધારાથી જમીન તૈયાર કરવાનો આર્થિક બોજ ઘટશે અને લાભાર્થીઓ ઝડપથી પોતાનું પાકું ઘર બનાવી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારો માટે ૧૦૦ ચોરસ વારના મફત રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના ચલાવવામાં આવે છે. આ નવા નિર્ણયથી આ યોજના વધુ અસરકારક અને વ્યવહારુ બનશે, જેનાથી ગામતળ વિકાસને પણ એક નવી ગતિ મળશે.









