ગાંધીનગરના સાદરા-અલુવા બ્રિજને જોડતા એપ્રોચ રોડ પર લોકાર્પણના 48 કલાકમાં જ ગાબડું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sadra Aluva Bridge Collapse: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા સાદરા અને અલુવા ગામને જોડવા માટે સાબરમતી નદી પર ₹89 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 21 જુલાઈએ ઓનલાઈન ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. આ નવો બ્રિજ શરૂ થવાથી સ્થાનિકોમાં આનંદનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી.
માત્ર 48 કલાકમાં જ રોડની માટી ધસી ગઈ
બ્રિજના લોકાર્પણના માત્ર બે જ દિવસ બાદ, એટલે કે 23 જુલાઈએ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ચોમાસાના આ વરસાદને કારણે બ્રિજને જોડતા એપ્રોચ રોડ પર અલુવા તરફના છેડે માટી બેસી ગઈ હતી અને રોડનો મોટો ભાગ નીચે ધસી જતાં મોટું ગાબડું પડી ગયું હતું. નવા નકોર બ્રિજની આ સ્થિતિ જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.
વાહન વ્યવહાર એક તરફી કરવો પડ્યો, ઇજનેરો દોડતા થયા
ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સચિવાલય સુધી આ બાબતના પડઘા પડતાં સમારકામની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા રોડ પરનો વાહન વ્યવહાર એક તરફી (વન-વે) કરી દેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા સ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.
માટી પુરાણ કરીને સમારકામ હાથ ધરાયું
આ અંગે સ્પષ્ટતા આપતાં પુલના સુપરવાઈઝરે જણાવ્યું હતું કે, એપ્રોચ રોડ પર નવી માટી ભરવામાં આવી હોવાથી વરસાદી પાણી અંદર ઊતરતાં માટી બેસી ગઈ હતી. તેમણે ખાતરી આપી હતી કે વરસાદ બંધ થતાં જ સંપૂર્ણ રોડને પૂર્વવત કરી દેવાશે. હાલમાં ઇજનેરી સૂત્રોના જણાવ્યા અનુસાર ગાબડામાં માટી પુરાણ કરીને પ્રાથમિક રોકથામનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.









