Gandhinagar

ડૉક્ટર્સ માટે નવી ગાઈડલાઈન, સારવાર અંગે ભ્રામક કે લોભામણી જાહેરાતો કરી તો દંડ, લાયસન્સ થશે સસ્પેન્ડ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ મેડિકલ કમિશને દેશભરના ડોકટરો અને હોસ્પિટલો માટે જાહેરાતો અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે "નંબર વન ડોક્ટર", "100% સફળતા" જેવા ભ્રામક દાવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. દર્દીઓને લલચાવવા ડિસ્કાઉન્ટ કે ગિફ્ટ આપી શકાશે નહીં. AIના ઉપયોગ પર પણ નિયંત્રણો મુકાયા છે. નિયમોના ભંગ બદલ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડૉક્ટર્સ માટે નવી ગાઈડલાઈન, સારવાર અંગે ભ્રામક કે લોભામણી જાહેરાતો કરી તો દંડ, લાયસન્સ થશે સસ્પેન્ડ

NMC Guidelines: સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નેશનલ મેડિકલ કમિશને દેશભરના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ અને હોસ્પિટલો માટે જાહેરાતો અંગેની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરી છે. મેડિકલ પ્રોફેશનની ગરિમા જાળવવા, હેલ્થકેર ક્ષેત્રે કોમર્શિયલાઈઝેશન અટકાવવા અને દર્દીઓના હિતનું રક્ષણ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ખોટા દાવા અને ભ્રામક પ્રચારો પર પ્રતિબંધ

નવા નિયમો અનુસાર, હવે કોઈ પણ ડૉક્ટર કે હોસ્પિટલ સારવારના ખોટા દાવા કે દર્દીઓને ગેરમાર્ગે દોરતી ભ્રામક જાહેરાતો નહીં કરી શકે. જાહેરાતોમાં 'નંબર વન ડૉક્ટર', 'બેસ્ટ ડૉક્ટર', '100 ટકા સક્સેસ', 'સારું થઈ જવાની ગેરંટી', 'મિરેકલ ટ્રીટમેન્ટ' કે 'પેઈનલેસ ટ્રીટમેન્ટ' જેવા શબ્દોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્દીઓને લલચાવવા માટે ડિસ્કાઉન્ટ, ઓફર્સ, ગિફ્ટ કે કૂપન્સ જેવી પ્રવૃત્તિઓ પણ નહીં કરી શકાય.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર કડક નિયંત્રણો

કોમર્શિયલ હેતુ માટે ડૉક્ટરો કે હોસ્પિટલો એઆઈ જનરેટેડ કેમ્પેઈન ચલાવી શકશે નહીં. એઆઈનો ઉપયોગ દર્દીઓને ગેરમાર્ગે દોરવા કે છેતરવા માટે ન થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ માત્ર દર્દીઓની સમજણ માટે જ કરવાનો રહેશે. સાથે જ, પ્રમોશનલ હેતુ માટે દર્દીના નામ, ફોટોગ્રાફ કે અન્ય કોઈ પણ રેકોર્ડનો ઉપયોગ કરવાની કે તેને અન્ય સાથે વહેંચવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક દંડ અને સસ્પેન્શનની કાર્યવાહી

ગાઈડલાઈન મુજબ નિયમોના પ્રથમ ભંગ પર ચેતવણી અપાશે, જ્યારે બીજી વાર નિયમ ભંગ કરવા પર પેનલ્ટી ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત નિયમ ભંગ થશે તો 3થી 6 મહિના માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે. કેસની ગંભીરતા કે સીરિયસ વાયોલેશન ધ્યાને આવશે તો 6થી 12 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત, વારંવારની બેદરકારી બદલ મેડિકલ રજિસ્ટરમાંથી 1થી 3 વર્ષ માટે નામ પણ દૂર કરવામાં આવશે.