Gandhinagar

વાહનોની ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં દરરોજ સરેરાશ 21 વ્યક્તિના મોત, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના લીરેલારા

By GS Team
12 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક રીતે વધ્યા છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છતાં, અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પીડ લિમિટનો ભંગ થાય છે. 95% જીવલેણ અકસ્માતો ઓવરસ્પીડિંગને કારણે થાય છે, જેમાં રોજના 21થી વધુ લોકો જીવ ગુમાવે છે. તંત્ર દ્વારા કડક અમલવારીના અભાવે રસ્તાઓ 'મોતના કોરિડોર' બન્યા છે. 2026માં અકસ્માતનો આંકડો 16,112 પર પહોંચ્યો છે, જેમાં અમદાવાદ મોખરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાહનોની ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં દરરોજ સરેરાશ 21 વ્યક્તિના મોત, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના લીરેલારા

Gujarat Road Accidents Rise: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો ગ્રાફ અત્યંત ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા જારી કરાયેલી કડક માર્ગદર્શિકા છતાં, રાજ્યના હાઈવેથી લઈને સ્માર્ટ સિટી અમદાવાદના આંતરિક રસ્તાઓ પર સ્પીડ લિમિટના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે રાજ્યમાં થતા જીવલેણ અકસ્માતોમાંથી 95 ટકા કરતાં વધુ અકસ્માતો માત્ર અને માત્ર ઓવરસ્પીડિંગના કારણે થાય છે.

ઓવરસ્પીડિંગના કારણે રોજના 21થી વધુ નાગરિકો મોતને ભેટી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ તમામ ખાનગી અને જાહેર વાહનોમાં સ્પીડ લિમિટિંગ ડિવાઇસનો કડક અમલ કરાવવા સહિતના સ્પષ્ટ નિર્દેશો કર્યા છે, પરંતુ કરૂણતા અને નક્કર વાસ્તવિકતા એ છે કે આ નિર્દેશો માત્ર ને માત્ર કાગળ પર રહી ગયા છે.

અમદાવાદમાં નિયમ છતાં બેફામ સ્પીડ: આંકડામાં ભયાનક વધારો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફોર-વ્હીલર માટે 70 કિમી/કલાક અને ટૂ-વ્હીલર માટે 60 કિમી/કલાકની મર્યાદા નક્કી કરાઈ છે. જોકે, એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ કે સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે કે દિવસ દરમિયાન પણ વાહનો આ મર્યાદા કરતાં બમણી કે તેથી પણ વધુ ઝડપે દોડે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાફિક એન્ડ રોડ સેફ્ટી પોલિસી અને ગુજરાત હાઈકોર્ટની સતત ટકોર છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ ચેકિંગ અને મોનિટરિંગ જ નથી. પરિણામે માર્ગો જાણે મોતના કોરિડોર બન્યા હોય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ડેટા અનુસાર, ગુજરાતમાં રોજના સરેરાશ 48થી વધુ અકસ્માતો થાય છે, જેમાં રોજના 21થી વધુ નાગરિકો જીવ ગુમાવે છે. કુલ જીવલેણ અકસ્માતોમાંથી 95 ટકા અકસ્માતો તો ઓવરસ્પીડિંગના કારણે જ થાય છે.

વર્ષ 2026ના જુલાઈ મહિના સુધીમાં રાજ્યમાં અકસ્માતનો આંકડો 16,112 પર પહોંચ્યો છે, જે અગાઉના આખા વર્ષના કુલ આંકડાના 88 ટકા છે. વર્ષ 2026ની શરૂઆતથી જ અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં ઈજાઓની ઘટનામાં પણ 28.3 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદ સમગ્ર રાજ્યમાં મોખરે છે. આમ, અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં બહુ ભયાનક અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

સ્પીડ લિમિટ અંગે સુપ્રીમ કોર્ટની મુખ્ય માર્ગદર્શિકાઓ

  • હાઈ-રિસ્ક ઝોનમાં ઓછી સ્પીડ: શાળા, હોસ્પિટલ અને વધુ ટ્રાફિક વાળા વિસ્તારોમાં સ્પીડ લિમિટ ફરજિયાત ઘટાડવી અને તેનો કડક અમલ કરાવવો.
  • સ્પીડ ગવર્નરનો અમલ: તમામ કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં સ્પીડ લિમિટ નક્કી કરતા સ્પીડ ગવર્નર્સ (મહત્તમ 80 કિમી/કલાક) ફરજિયાત કરવા. આ ઉપરાંત સ્કૂલ બસો માટે મહત્તમ 40 કિમી/પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા ડિવાઇસ દ્વારા લોક કરવી ફરજિયાત.
  • ડિજિટલ સર્વેલન્સ: હાઈવે અને શહેરી માર્ગો પર સ્પીડ ગન, સીસીટીવી કેમેરા અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા ઓવરસ્પીડિંગ કરનારાઓ પર નજર રાખવી.
  • બ્લેક સ્પોટ્સની ઓળખ અને સુધારણા: અકસ્માત ઝોન (બ્લેક સ્પોટ્સ) સુધારવા અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં ગતિ મર્યાદા તાકીદે ઘટાડવી.
  • સ્પીડ લિમિટનું કડક અમલીકરણ: નેશનલ અને સ્ટેટ હાઈવે પર વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે આધુનિક સ્પીડ ગન, સ્પીડ લિમિટર્સ અને કેમેરા નેટવર્ક ઊભું કરવું.
  • પેડેસ્ટ્રિયન (પદયાત્રી) સુરક્ષા: પદયાત્રીઓની સુરક્ષા માટે અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગીચ વિસ્તારોમાં સ્પીડ 30 કિમી/કલાક સુધી મર્યાદિત કરવી.
  • તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદના એસ.જી. હાઈવે અને અન્ય માર્ગો પર થતા જીવલેણ અકસ્માતો મુદ્દે ટ્રાફિક સત્તાધીશોની કાયદાના અમલીકરણમાં શિથિલતા બદલ આકરી ઝાટકણી કાઢી હતી.

શા માટે સ્પીડ લિમિટના નિયમોનો ગ્રાઉન્ડ પર અમલ થતો નથી?

નિષ્ણાતોના મતે, હાઈવે પર પૂરતી સ્પીડ ગન કે ઓટોમેટેડ ચલાન સિસ્ટમનો ભારે અભાવ છે. ગીચ વિસ્તારોમાં સ્પીડ મર્યાદિત કરવાના નિયમો (જેમ કે ટ્રાફિકવાળા વિસ્તારોમાં સ્પીડ 30 કિમી રાખવી) કાગળ પર જ રહ્યા છે. આ ઉપરાંત હેલ્મેટ ન પહેરવું (જે 76 ટકા મૃત્યુમાં કારણભૂત છે) અને સીટ બેલ્ટનો અભાવ પણ અકસ્માતને જીવલેણ બનાવે છે. જ્યાં સુધી તંત્ર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઓવરસ્પીડિંગ સામે કડક દંડ અને સીસીટીવી ઈ-ચલાનનું 24 કલાક સચોટ મોનિટરિંગ નહીં કરે, ત્યાં સુધી ગુજરાતના રસ્તાઓ પર લોહી રેડાતું અટકશે નહીં.

20261012-276233-1791743021.jpeg