Gandhinagar

દિલ્હી બોલે ત્યારે જાગે તેવા ઘાટ... બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ માર્ગદર્શિકા બનાવી પણ એક વર્ષેય અમલ નહીં

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર 2025માં સોશિયલ મીડિયાથી બાળકોને બચાવવાની પ્રફુલ પાનસેરિયાની પહેલને અવગણી, કારણ કે 'દિલ્હી' બોલ્યું નહોતું. હવે વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયામાં ચિંતા વ્યક્ત કરતાં જ સરકારને ફરી બાળકોના ભવિષ્યની ચિંતા થઈ. શિક્ષણ વિભાગે તૈયાર કરેલી માર્ગદર્શિકા અને ક્લાસરૂમમાં મોબાઈલ પ્રતિબંધની યોજના CMOમાં ધૂળ ખાતી રહી. જો ગયા વર્ષે અમલ થયો હોત, તો હજારો બાળકો બચી શક્યા હોત.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બોલે ત્યારે જાગે તેવા ઘાટ... બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ માર્ગદર્શિકા બનાવી પણ એક વર્ષેય અમલ નહીં
IMAGE - ENVATO

Gujarat social media ban kids: ગુજરાત સરકારની નીતિ હંમેશા 'જ્યારે દિલ બોલે ત્યારે નહીં, પણ જ્યારે દિલ્હી બોલે ત્યારે જ જાગવું' તેવી રહી છે. વર્ષ 2025માં પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના દૂષણથી બાળકોને બચાવવા માટે પહેલ કરી હતી. પરંતુ ઉદાસીન ભાજપ સરકારે એ સમયે આ ગંભીર મુદ્દા પર ધ્યાન જ આપ્યું નહીં. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં આ વિષય પર ચિંતા વ્યક્ત કરી અને પ્રશંસા કરી, ત્યારે જ આ સરકારને ફરીથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ રાખવાનું 'ભૂત' ઉપડ્યું છે. વડાપ્રધાનની વાહવાહ મેળવવા હવે ગુજરાત સરકારને અચાનક બાળકોના ભવિષ્યની અને સોશિયલ મીડિયાની પ્રતિકૂળ અસરોની ચિંતા થવા લાગી છે.

બાળકોમાં સ્માર્ટ ફોનનું ચિંતાજનક વળગણ

સમગ્ર દેશમાં લાંબા સમયથી બાળકોમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનું વળગણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. તેના કારણે બાળકોની વાંચન શક્તિ અને રમત-ગમતમાં રસ સાવ તળિયે બેસી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને જોઈને 2025માં શિક્ષણ વિભાગે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી અને સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકો સાથે ચર્ચા વિચારણા કરીને એક માર્ગદર્શિકા તૈયાર કરી હતી.

ક્લાસરૂમમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધની હતી યોજના

આ યોજના અંતર્ગત ક્લાસરૂમમાં શિક્ષકોના મોબાઈલ ફોન વાપરવા પર સંપૂર્ણ રોક લગાવવાની તૈયારી હતી. આ સાથે જ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ સ્કૂલે મોબાઈલ ન લાવે તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હેતુ એવો હતો કે બાળકો સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત થઈને ફરી વાંચન અને રમત-ગમત તરફ વળે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવાનું પણ નક્કી કરાયું હતું.

મહાભિયાન કાગળ પર જ રહી ગયું, પરિપત્ર અટવાયો

બાળકોને ડિજિટલ દૂષણથી બચાવવા માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને એક મહાભિયાન ચલાવવાનું આયોજન હતું. જો આ પરિપત્રનો અમલ થયો હોત, તો ગુજરાત આવી ગાઈડલાઈન બહાર પાડનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હોત. પરંતુ, રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે આખી યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ અને સરકારે પોતાની જ આ મહત્ત્વપૂર્ણ વાતને અવગણી દીધી.

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફાઇલ અટવાઈ, એક વર્ષ સુધી કોઈ એક્શન નહીં

બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આ મહત્ત્વપૂર્ણ ફાઇલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી તો પહોંચી, પણ ત્યાં જઈને ધૂળ ખાતી પડી રહી. અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે, વર્ષ 2025માં શિક્ષણ વિભાગને તો વિદ્યાર્થીઓના આડેધડ મોબાઈલ વપરાશની ચિંતા થઈ હતી, પરંતુ રાજ્ય સરકાર કેમ આ બાબતે લાંબો સમય સુધી ઘોરતી રહી?

વડાપ્રધાને ટકોર કરી ત્યારે જ કેમ સરકાર જાગી?

સરકારની નીતિ સામે હવે આકરા સવાલો થઈ રહ્યા છે કે જ્યારે વડાપ્રધાને આ ગંભીર મુદ્દા પર ટકોર કરી, ત્યારે જ કેમ રાજ્ય સરકારને એકાએક આ ફાઇલ યાદ આવી? જો સરકારે ગયા વર્ષે જ આ પરિપત્રનો કડકાઈથી અમલ કરી દીધો હોત, તો આજે ગુજરાતના હજારો બાળકોને સોશિયલ મીડિયા અને મોબાઈલની નકારાત્મક અસરોથી સમયસર બચાવી શકાયા હોત.