પુત્ર પ્રાપ્તિ માટે ભુવાના કહેવાથી 100ની નોટ ગળી ગયેલા યુવકે પેટ ચીરી નાખ્યું, ગાંધીનગરનો ચોંકાવનારો કિસ્સો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Civil Hospital: ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ કટિબદ્ધતા અને ત્વરિત નિર્ણયશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને અત્યંત ગંભીર હાલતમાં આવેલા 36 વર્ષીય યુવકનું જટિલ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું છે. ગાંધીનગર નજીકના એક વિસ્તારમાં રહેતા અને ત્રણ દીકરીઓના પિતા એવા આ યુવકે પુત્રપ્રાપ્તિની ઘેલછામાં એક ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાના કહેવાથી યુવક ધાણા અને 100 રૂપિયાની ચલણી નોટ ગળી ગયો હતો.
નોટ શોધવાના ચક્કરમાં ખેતરમાં જઈને ચાકુ વડે પેટ ફાડી નાખ્યું
નોટ અને ધાણા ગળી ગયા પછી તેને પેટમાંથી બહાર કાઢવા માટે યુવકે ખેતરમાં જઈને ચાકુ કે દાતરડા વડે પોતાનું જ અડધું પેટ ફાડી નાખ્યું હતું. જોકે, પેટ ફાડવા છતાં તેને નોટ ન મળી અને તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈને પડી ગયો હતો. આ જોઈને પરિવારજનો તેને તાત્કાલિક અત્યંત ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો અને એનેસ્થેસિયા ટીમની ઝડપી સારવારને કારણે યુવકનો જીવ બચી ગયો હતો.
સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ રજાના દિવસે માત્ર 45 મિનિટમાં ઓપરેશન શરૂ કર્યું
ગત 29 ઓગસ્ટના રોજ સવારે ગંભીર હાલતમાં દર્દીને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ડૉ. નિયતી લાખાણી અને ડૉ. હીના ગડાણીના માર્ગદર્શન હેઠળ સર્જરી તથા એનેસ્થેસિયા ટીમે રજાના દિવસે પણ માત્ર 45 મિનિટની તૈયારી સાથે સવારે 9:30 વાગ્યે સફળ ઓપરેશન શરૂ કર્યું હતું.
2 કલાકની સર્જરી બાદ પેટમાંથી 100ની નોટ બહાર કાઢવામાં આવી
આશરે દોઢથી 2 કલાક સુધી ચાલેલા આ જટિલ ઓપરેશન દરમિયાન પેટની ક્ષતિગ્રસ્ત દીવાલનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પેટમાં ગળી ગયેલી 100 રૂપિયાની ચલણી નોટ બહાર કાઢવામાં આવી હતી. ખોરાક માટે આંતરડામાં ખાસ નળી મૂકીને અન્ય તમામ આંતરિક અંગોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
દર્દીની હાલત સ્થિર થતાં વોર્ડમાં શિફ્ટ કરાયો
ઓપરેશન બાદ દર્દીને ICUમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તબીબો અને નર્સિંગ સ્ટાફની સઘન સંભાળના પરિણામે 5-6 દિવસમાં તેની સ્થિતિ સ્થિર થતાં તેને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં ડૉ. હિરેન પરમાર, ડૉ. અભિજીત યાદવ, ડૉ. રાહુલસિંહ રાજપૂત, ડૉ. પાર્થ વેકરીયા, ડૉ. સ્મિત પટેલ અને ડૉ. હર્ષિલ શાહ સહિતના નિષ્ણાત તબીબોની ટીમે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.




