ગુજરાતમાં કેન્સરની ઘાતકતા વધી, એક વર્ષમાં 43000થી વધુ લોકોના મોત, 5 વર્ષમાં 10% કેસ વધ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat cancer statistics: ગુજરાતમાં કેન્સરના કેસ અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં 10%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કેન્સરના 79,000 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારની ગંભીર પરિસ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે અને પ્રતિદિન 119 લોકો આ ગંભીર બીમારી સામે ઝૂઝતા જીવ ગુમાવી રહ્યા છે.
5 વર્ષમાં 10%નો ચિંતાજનક વધારો, સૌથી વધુ મોતમાં ગુજરાત દેશમાં 9મા ક્રમે
વર્ષ 2021ની સરખામણી કરીએ તો તે સમયે રાજ્યમાં કેન્સરના 71,507 કેસ અને 39,238 દર્દીઓના મોત નોંધાયા હતા. તેની સામે વર્ષ 2025 સુધીમાં કેન્સરના કેસ અને તેનાથી થતા મૃત્યુ દર બંનેમાં 10%નો સીધો ઉછાળો આવ્યો છે. દેશભરના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો વર્ષ 2025ના ડેટા મુજબ સૌથી વધુ કેન્સરથી મૃત્યુ થતાં હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત નવમાં સ્થાને આવે છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે, જ્યાં સૌથી વધુ 1.25 લાખ લોકોના કેન્સરના કારણે મોત થયા છે.

અમદાવાદ સિવિલમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ
અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત કેન્સર હોસ્પિટલના વર્ષ 2025ના નવેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે પુરુષોમાં મોઢાના કેન્સરના સૌથી વધુ 1,931 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2021માં 1,726 હતા. બીજી તરફ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. વર્ષ 2021માં બ્રેસ્ટ કેન્સરના 1,385 કેસ હતા, જે વધીને 2025માં 1,456 પર પહોંચ્યા છે.
અન્ય રાજ્યોના દર્દીઓ માટે પણ અમદાવાદ બન્યું આશાનું કિરણ
વર્ષ 2025 દરમિયાન અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાં કુલ 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. વિશેષ વાત એ છે કે આ કુલ દર્દીઓમાંથી 9,147 દર્દીઓ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવ્યા હતા. બહારના રાજ્યોમાંથી આવેલા દર્દીઓમાં સૌથી વધુ મધ્યપ્રદેશના 4,572, રાજસ્થાનના 2,678, ઉત્તરપ્રદેશના 1,064, બિહારના 288 અને મહારાષ્ટ્રના 279 દર્દીઓ સામેલ હતા.









