પ્રતિબંધ છતાં કાયદાની ઐસી-તૈસી કરી સોસાયટીઓ દ્વારા આડેધડ ઉઘરાવાતી ટ્રાન્સફર ફી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Societies Transfer Fee: રાજ્ય સરકારના સ્પષ્ટ નિર્દેશો અને કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં અમદાવાદ શહેરની ઘણી સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફી, ડેવલપમેન્ટ ફી અને લાઈફટાઈમ મેન્ટેનન્સ જેવા વિવિધ બહાના હેઠળ મિલકત ખરીદનારા સભ્યો પાસેથી મોં માંગી અને મરજી મુજબની ઊંચી રકમ વસૂલવામાં આવી રહી છે. પરિણામે, આવા વિવાદો જિલ્લા સહકારી રજિસ્ટ્રારથી લઈને બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટો અને ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી રહ્યા છે.
સહકારી કાયદાના નિયમો અને વાસ્તવિકતા
રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કાયદામાં સુધારો કરીને કો-ઓપરેટિવ સોસાયટી કે હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીમાં નવા ખરીદદાર પાસેથી વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફીની મહત્તમ મર્યાદા મિલકતની વેચાણ કિંમતના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા (બેમાંથી જે ઓછું હોય તે) નક્કી કરવામાં આવી છે. તેમ છતાં, જમીની સ્તરે તેનો વાસ્તવિક અમલ થતો જોવા મળતો નથી અને આવા વિવાદો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
આંબાવાડીની માણેકબાગ સોસાયટીનો વિવાદ હાઇકોર્ટમાં
આવા જ એક વિવાદાસ્પદ કિસ્સામાં, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા આંબાવાડીમાં આવેલી પ્રતિષ્ઠિત માણેકબાગ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા નવા સભ્યો ઉમેરવા માટે 20 લાખ રૂપિયા જેટલી અધધ… કહી શકાય તેટલી માતબર રકમ ડેવલપમેન્ટ ફીના ઓઠા હેઠળ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં કોર્ટે હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રાર દ્વારા સોસાયટીના દસ્તાવેજોની ચકાસણી અને સ્થળ તપાસ (સ્પોટ ઇન્સ્પેક્શન) કરવા માટે ઓડિટરની નિમણૂક કરવાના આદેશ પર વચગાળાનો મનાઈહુકમ ફરમાવી દીધો છે અને કેસની વધુ સુનાવણી આવતા મહિને નક્કી કરી છે. આ સમગ્ર કાનૂની લડતની શરૂઆત સોસાયટીના એક મકાનના જૂના માલિક, નવા ખરીદદાર અને સોસાયટી વચ્ચે 20 લાખ રૂપિયા જેટલી રકમ ગેરકાયદેસર રીતે ડેવલપમેન્ટ ફી પેટે વસૂલવા બાબતે થયેલી ખેંચતાણથી થઈ હતી.
ટ્રાન્સફર અને ડેવલપમેન્ટ ફીનો સળગતો પ્રશ્ન અને સભ્યોની હાલાકી
સોસાયટીઓ દ્વારા મનસ્વી રીતે ટ્રાન્સફર અને ડેવલપમેન્ટ ફી વસૂલવાનો આ પ્રશ્ન ખૂબ જ ગંભીર બન્યો છે. ખુદ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને સહકાર વિભાગના સત્તાવાળાઓ સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ હાઉસિંગ સોસાયટી મિલકત વેચાણના 0.5 ટકા અથવા એક લાખ રૂપિયા (બેમાંથી જે ઓછું હોય તે) જ ટ્રાન્સફર ફી પેટે વસૂલી શકે છે અને તેનાથી વધુ રકમ વસૂલવાનો સોસાયટીને કોઈ અધિકાર નથી.
બીજી બાજુ, સોસાયટીના હોદ્દેદારોથી પીડિત સભ્યોનું કહેવું કે જો તેઓ સોસાયટીની મોં માંગી રકમ ન ચૂકવે, તો તેમને સભ્ય બનાવવામાં આવતા નથી તેમજ યેનકેન પ્રકારે હેરાનગતિ કરી સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આવા સંજોગોમાં, સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારની સોસાયટીઓ વિરુદ્ધ દાખલો બેસે તેવા કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.




