Entertainment

18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ 'હિટ' નથી થઈ રણબીરની 'રામાયણ'? સમજો બોક્સ ઓફિસનું ગણિત

By GS Team
23 Nov 20263 mins read
TukuTouch Logo
રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ હતી. 18 દિવસમાં ₹1,693.50 કરોડની વર્લ્ડવાઇડ કમાણી છતાં, ફિલ્મ હજુ 'હિટ' ગણાઈ નથી. તેનું ₹2,000 કરોડનું તોતિંગ બજેટ અને થિયેટર શેરિંગના કારણે, 'હિટ'નો ટેગ મેળવવા ₹2,800 કરોડની જરૂર છે. જોકે, ફિલ્મની લોકપ્રિયતા જોતા, આગામી દિવસોમાં તે 'હિટ' બની શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ 'હિટ' નથી થઈ રણબીરની 'રામાયણ'? સમજો બોક્સ ઓફિસનું ગણિત

Why Ranbir Kapoor Ramayana Is Not Yet A Hit Despite Earning 1693 Crore: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અભિનીત મેગા-બજેટ ફિલ્મ 'રામાયણ'એ વિશ્વભરના બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દિવાળીના તહેવારના બરાબર પહેલાં 5 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને તહેવારોની રજાઓનો ભરપૂર ફાયદો મળ્યો હતો. પ્રથમ સપ્તાહમાં ધૂઆંધાર નોટો છાપ્યા બાદ બીજા સપ્તાહમાં કમાણીમાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ ત્રીજા વીકએન્ડમાં ફરી એકવાર ટિકિટબારી પર નોટોનો વરસાદ થયો છે. રિલીઝના માત્ર 18 દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઇડ ₹1,693.50 કરોડથી વધુની જંગી કમાણી કરી લીધી છે.

જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ₹1,600 કરોડથી વધુનો બિઝનેસ કરવા છતાં હજુ સુધી 'રામાયણ' ને બોક્સ ઓફિસ પર 'હિટ'નો દરજ્જો મળી શક્યો નથી. આખરે આટલી વિરાટ કમાણી બાદ પણ ફિલ્મ હિટ કેમ નથી ગણાતી, ચાલો તેનું સંપૂર્ણ ગણિત વિગતવાર સમજીએ.

'રામાયણ'નો 18 દિવસનો સંપૂર્ણ બોક્સ ઓફિસ રિપોર્ટ

એક બોક્સ ઓફિસ ટ્રેકરના આંકડા મુજબ, 18 દિવસમાં ફિલ્મની કમાણીના આંકડા કંઈક આ મુજબ છે:

● 18મા દિવસની કમાણી: ફિલ્મે રિલીઝના 18મા દિવસે પણ ભારતીય બોક્સ ઓફિસ પર ₹35.60 કરોડની મજબૂત કમાણી કરી છે.

● ભારતમાં કુલ કલેક્શન: આ સાથે જ ભારતમાં 'રામાયણ'નું કુલ નેટ કલેક્શન ₹942.75 કરોડ પર પહોંચી ગયું છે, જ્યારે ભારતમાં તેની ગ્રોસ કમાણી ₹1,126.50 કરોડ રહી છે.

● વિદેશી બજારમાં દબદબો: વિદેશોમાં પણ આ ફિલ્મે ₹567 કરોડનું શાનદાર ગ્રોસ કલેક્શન કર્યું છે, જેના પરિણામે ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹1,693.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

₹1,693.50 કરોડ કમાયા બાદ પણ કેમ ન મળ્યું 'હિટ'નું ટેગ?

  • ₹2,000 કરોડનું તોતિંગ બજેટ: મેકર્સના જણાવ્યા અનુસાર, એકલા 'રામાયણ પાર્ટ-1'નું નિર્માણ બજેટ જ ₹2,000 કરોડ છે, જ્યારે તેના બીજા ભાગને ઉમેરીને સમગ્ર ફ્રેન્ચાઇઝીનું કુલ બજેટ ₹4,000 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે યશ દ્વારા આ આંકડાને અગાઉ ખોટા કહેવામાં આવ્યા હતા.

● થિયેટર શેરિંગનું ગણિત: બોક્સ ઓફિસના નિયમ મુજબ, થિયેટરમાંથી પોતાનો ખર્ચ કાઢવા માટે ફિલ્મે સામાન્ય રીતે તેના બજેટ કરતાં લગભગ બમણી કે તેથી વધુ કમાણી કરવી જરૂરી હોય છે, કારણ કે ટિકિટના કુલ વેચાણમાંથી નિર્માતાઓને માત્ર એક નિશ્ચિત હિસ્સો જ મળે છે. આથી રણબીર કપૂરની આ ફિલ્મ સામે પોતાની જંગી લાગત વસૂલવાની સાથે નફો રળવાનો મોટો પડકાર છે.

● ટ્રેડ એક્સપર્ટનું વિશ્લેષણ: એક જાણીતા ફિલ્મ ટ્રેડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 'રામાયણ પાર્ટ-1'ને બોક્સ ઓફિસ પર 'હિટ'નો ટેગ હાંસલ કરવા માટે વર્લ્ડવાઇડ ₹2,800 કરોડની કમાણી કરવી પડશે, અથવા તો તેના એકલા હિન્દી વર્ઝને ₹1,100 કરોડનું કલેક્શન કરવું પડશે. આ જ કારણ છે કે ₹1,693.50 કરોડ જેવી ઐતિહાસિક રકમ કમાયા બાદ પણ ફિલ્મ હજુ 'હિટ'ની કેટેગરીમાં પહોંચી શકી નથી.

નાના બજેટની ફિલ્મો સામે 'રામાયણ'નો સૌથી મોટો પડકાર અને ભવિષ્યની આશા

● બજેટ બન્યું અવરોધ: સામાન્ય રીતે ઓછા બજેટમાં બનેલી ફિલ્મો જો ₹400થી ₹500 કરોડ કમાઈ લે, તો તે બ્લોકબસ્ટર સાબિત થાય છે અને મેકર્સને મોટો નફો કરાવી આપે છે. પરંતુ 'રામાયણ' માટે તેનું અત્યંત વિશાળ બજેટ જ સૌથી મોટો પડકાર બની ગયું છે, જેના કારણે ₹1,600 કરોડથી વધુની કમાણી છતાં મેકર્સ હજુ પ્રોફિટ ઝોનમાં આવ્યા નથી.

● લોકપ્રિયતાનો મળશે ફાયદો: જોકે, આ તમામ આંકડાઓ વચ્ચે સકારાત્મક બાબત એ છે કે 'રામાયણ' ભલે સિનેમાઘરોમાં ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી હોય, પરંતુ તેની કમાણીની રફતાર હજુ પણ અટકી નથી અને તે દરરોજ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. પ્રેક્ષકોમાં ફિલ્મની જબરદસ્ત લોકપ્રિયતા જોતાં આશા રાખવામાં આવી રહી છે કે આ એપિક ફિલ્મ આગામી દિવસોમાં પણ શાનદાર બિઝનેસ કરીને 'હિટ'ના આંકડા સુધી પહોંચવામાં સફળ રહેશે.