Entertainment

'આપણે મહિલાઓને કપડાંની શિખામણ આપવાનું ક્યારે બંધ કરીશું?': રાખડીની જાહેરાત પર થયેલા વિવાદ પર અને કંગનાની ટીકા પર ક્રીતિએ આપ્યો જડબાતોડ જવાબ

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
અભિનેત્રી ક્રિતી સેનને રક્ષાબંધન જાહેરાતમાં બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ પહેરવા બદલ થયેલી ટીકાઓનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, "તહેવારોનો સાચો સાર કપડાંમાં નહીં, પણ ભાવનાઓમાં છે." કંગના રનૌત સહિતના ટ્રોલર્સને જવાબ આપતાં કૃતિએ જણાવ્યું કે, "સંસ્કૃતિ હૃદયમાં હોય છે, નેકલાઇનમાં નહીં." તેણે પાલતુ શ્વાનને રાખડી બાંધવા પર પણ ખુલાસો કર્યો. ક્રિતી તાજેતરમાં ફિલ્મ 'Cocktail 2'માં જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'આપણે મહિલાઓને કપડાંની શિખામણ આપવાનું ક્યારે બંધ કરીશું?': રાખડીની જાહેરાત પર થયેલા વિવાદ પર અને કંગનાની ટીકા પર ક્રીતિએ આપ્યો જડબાતોડ જવાબ

Kriti Defends Rakhi Ad Choices: બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન તાજેતરમાં રક્ષાબંધન તહેવાર સંબંધિત એક કોમર્શિયલ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને વિવાદમાં સપડાઈ હતી. આ જાહેરાતમાં ક્રિતી બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ અને કેપ પહેરીને રક્ષાબંધનની ઉજવણી કરતી જોવા મળી હતી, જેના પરિધાનની યોગ્યતા સામે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સવાલો ઉઠાવ્યા હતા. આ વિશે કંગના રનૌતે પણ ટીકા કરી છે. આ તમામ ટીકાઓ અને વિરોધ સામે ક્રિતી સેનને મંગળવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખુલાસો કરતાં પોતાના આઉટફિટ તેમજ જાહેરાતમાં દર્શાવવામાં આવેલા કન્સેપ્ટનો જોરદાર બચાવ કર્યો છે.

'તહેવારોનો સાર કપડાંમાં નહીં પણ ભાવનાઓમાં છે'

ટ્રોલર્સને સણસણતો જવાબ આપતાં ક્રિતી સેનને લખ્યું:

"તહેવારોનો સાચો સાર તમે કેવાં કપડાં પહેરો છો તેમાં નથી, પરંતુ પરંપરાઓ પ્રત્યે તમારા મનમાં રહેલી સાચી લાગણી અને અર્થમાં રહેલો છે. રક્ષાબંધન એ રક્ષણનું અતૂટ બંધન છે. હું અને મારી બહેન એકબીજાને રાખડી બાંધીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે અમે એકબીજાનું રક્ષણ કોઈ ભાઈ કરતાં જરાય ઓછું નહીં કરીએ."

મહિલાઓના પહેરવેશ પર સવાલો ઉઠાવનારાઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં તેણે ઉમેર્યું:

"આપણે મહિલાઓને શું પહેરવું તે અંગે શિખામણ આપવાનું ક્યારે બંધ કરીશું? વર્ષોથી એથનિક ફેશનમાં પરિવર્તન આવ્યું છે, પરંતુ આજે પણ મહિલાનું તેની સંસ્કૃતિ પ્રત્યેનું સન્માન તેનાં કપડાંથી માપવામાં આવે છે!"

પાલતુ શ્વાનને રાખડી બાંધવા પર કર્યો ખુલાસો

રક્ષાબંધન પહેલાં રિલીઝ થયેલી આ જાહેરાતમાં ક્રિતી સેનન પોતાના પાલતુ શ્વાનને પણ રાખડી બાંધતી જોવા મળી હતી. કેટલાક યુઝર્સે પરિવાર અને સંબંધોની નવી વ્યાખ્યાની પ્રશંસા કરી હતી, તો કેટલાક લોકોએ આ ક્રિએટિવ પસંદગી સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ બાબતે ખુલાસો કરતાં ક્રિતીએ જણાવ્યું:

"અમે એકબીજાના સારા સ્વાસ્થ્ય, સુખ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને અમારા માટે આ પ્રાર્થના તથા વચન અમારા શ્વાન સુધી પણ વિસ્તરે છે. આખરે તે પણ અમારા પરિવારનો જ એક હિસ્સો છે.”

કંગના રનૌતની ટીકા સામે વળતો પ્રહાર: 'સંસ્કૃતિ ગળાની નેકલાઇનમાં નહીં પણ હૃદયમાં હોય છે'

આ વિવાદમાં ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ કૂદી પડી હતી. કંગનાએ ક્રિતીનું નામ લીધા વિના પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કપડાંની આકરી ટીકા કરતાં લખ્યું હતું:

"કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા ચોળી, જીન્સથી સાડી અને બિકીનીથી લઈને સલવાર કમીઝ સુધીના તમામ વિકલ્પો મોજૂદ હોવા છતાં, કોઈ પોતાના ભાઈને બિકીની કે અન્ડરગારમેન્ટ્સ જેવા કપડાંમાં રાખડી શા માટે બાંધે? તમારી તમામ સ્ટાઇલિંગ ચોઇસ ક્યાં ગઈ?"

કંગનાની આ ટીકાનો પરોક્ષ રીતે વળતો જવાબ આપતાં ક્રિતી સેનને પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું:

"સંસ્કૃતિ અને પરંપરાઓ વ્યક્તિના હૃદયમાં હોય છે, તેના પરિધાનની નેકલાઇનમાં નહીં!"

ફિલ્મ 'કોકટેલ 2'માં જોવા મળી હતી ક્રિતી સેનન

ક્રિતી સેનનની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે તાજેતરમાં ફિલ્મ ‘Cocktail 2’માં જોવા મળી હતી. હોમી અદાજાનિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી હિટ ફિલ્મ ‘Cocktail’ની સિક્વલ છે, જેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.