Entertainment

સંગીતકાર વાજિદ ખાનના અવસાનથી સાજિદ-વાજિદની જોડી તૂટી

By GS Team
2 Jun 20202 mins read
This article was originally published on 2 Jun 2020
સંગીતકાર વાજિદ ખાનના  અવસાનથી સાજિદ-વાજિદની જોડી તૂટી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.01 જૂન 2020, સોમવાર

કોરોના મહામારીમાં બોલીવૂડની જાણીતી સેલિબ્રિટિઓના નિધન થઇ ગયા છે. જેમાં હવે સંગીતકાર વાજિદ ખાનનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી કિડનીની તકલીફથી પીડાતો હતો અને અંતે તેને કોરોના પણ થઇ ગયો હતો.તેનું છેલ્લુ ગીત સલમાન ખાન માટેનું ભાઇ ભાઇ ગીત કમ્પોઝ કર્યું હતું. આ જોડીએ ૧૯૮૮માં સલમાનની ફિલ્મ  પ્યાર કિયા તો ડરના ક્યાથી કારકિર્દીની શરૂઆત કરી હતી.  

વાજિદમાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેની અંતિમ યાત્રામાં ૨૦ કરતા પણ ઓછા લોકોને સામેલ થવાની અનુમતિ આપી હતી. તેને વર્સોવાના કબ્રસ્તાનમાં સપુર્દે ખાક કરવામાં આવ્યો હતો. તેની કબર ઇરફાન ખાનની કબરની બાજુમાં જ હશે.

વાજિદ ખાનને મુંબઇની ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે વેન્ટિલેટર પર હતો, ૩૧મેથી તેની તબિયત ગંભીર થઇ ગઇ હતી. તે લાંબા સમયથી કિડની ઉપરાંત હાર્ટની તકલીફથી પણ પીડાતો હતો.થોડા મહિનાઓ પહેલા  તેની કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.જોકે તેના અવસાનના કારણમાં કાર્ડિયાક એટેક જણાવામાં આવ્યો છે. તે ડાયાબિટિસથી પણ પીડાતો હતો. 

વાજિદની કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. હોસ્પિટલમાં તેની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઇ ગઇ હતી.  તબીબી પરિક્ષણ કરવામાં આવતા તેનામાં કોરોના પોઝિટિવ પણ આવ્યો હતો. પરિણામે ડોકટરો તેને બચાવી શક્યા નહીં.

વાજિદ સલમાનનો માનીતો સંગીતકાર હતો. તેણે મ્યુઝિક ડાયરેક્ટ કરવાની સાથેસાથે ગાયકીમાં પણ હાથ અજમાવ્યો હતો. વાજિદે સલમાનની ફિલ્મ દબંગ, વોન્ટેડ, વીર, નો ્પ્રોબ્લેમ, ગોડ તુસ્સી ગ્રેટ હો, પાર્ટનર સહિત ઘણી ફિલ્મોના ગીત ગાયા છે. 

સાજિદ-વાજિદની જોડીએ એક થા ટાઇગર, દબંગ, દબંગ ટુ, દબંગ ૩, પાર્ટનર, સન ઓફ સરદાર, રાઉડી રાઠોર, હાઉસફુલ ટુ તેમજ અન્ય ફિલ્મોમાં સંગીત આપ્યું છે. 

વાજિદના નિધનના સમાચાર સાંભળી બોલીવૂડ શોકમાં ગરકાવ થઇ ગયું છે. પ્રિયંકા ચોપરા, સોનૂ નિગમ, સલીમ મર્ચેન્ટ તથા અન્યોએ તેના અવસાનનો શોક વ્યક્ત કર્યો હતો.