Entertainment

સની દેઓલની 'સૂર્યા' ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં, IMA ને કેમ વાંધો પડ્યો?

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ 'સૂર્યા'ના ટીઝર સામે IMAએ વાંધો ઉઠાવ્યો છે. IMAએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખી મેડિકલ ક્ષેત્રના ખોટા ચિત્રણ અને આરોગ્યકર્મીઓ સામેની હિંસાના ગૌરવગાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અથવા યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. CBFCએ કહ્યું કે ફિલ્મને હજુ સર્ટિફિકેશન માટે રજૂ કરાઈ નથી. ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થવાની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સની દેઓલની 'સૂર્યા' ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં,  IMA ને કેમ વાંધો પડ્યો?

IMA Protests Sunny Deols Surya Teaser: બોલિવૂડ અભિનેતા સની દેઓલ પોતાની આગામી એક્શન અને ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'ને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ રિલીઝ પહેલાં જ આ ફિલ્મ મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝર સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ સખત વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મની સમીક્ષા કરવાની માંગ કરી છે. આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ સ્પષ્ટતા કરી છે કે સની દેઓલની આ ફિલ્મને સર્ટિફિકેશન માટે હજુ સુધી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી નથી.

IMAએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને એક સત્તાવાર પત્ર લખીને ફિલ્મના પ્રમોશનલ કન્ટેન્ટ અને તેમાં મેડિકલ ક્ષેત્રના ચિત્રણ સામે ગંભીર નારાજગી દર્શાવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં હેલ્થકેર સેક્ટરમાં ભ્રષ્ટાચારને સામાન્ય બાબત તરીકે દર્શાવવામાં આવ્યો છે તેમજ આરોગ્યકર્મીઓ સામેની હિંસાનું ગૌરવગાન કરવામાં આવ્યું છે, જે ચિંતાજનક છે.

સંગઠને પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓ પર શારીરિક હુમલાના દ્રશ્યોને હીરોઈક કે યોગ્ય સાબિત કરતી બાબત તરીકે બતાવવાથી સમાજમાં ખોટો સંદેશ જશે. આરોગ્ય કર્મચારીઓ પહેલેથી જ હોસ્પિટલોમાં સુરક્ષાના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા દ્રશ્યો હિંસાને સામાન્ય બનાવવાનું જોખમ ઊભું કરે છે. IMAએ સરકારને કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અથવા યોગ્ય કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

શું બતાવવામાં આવ્યું છે 'સૂર્યા'ના ટીઝરમાં?

ફિલ્મના ટીઝરમાં સની દેઓલના પાત્ર 'સૂર્યા'ને મેડિકલ સિસ્ટમ સાથે જોડાયેલી ઘટનાઓના એક રહસ્યમય ચક્રવ્યૂહમાં ફસાયેલો બતાવવામાં આવ્યો છે. જે વાતો કે અન્યાયને સમગ્ર સમાજે મૂંગા મોઢે સ્વીકારી લીધો છે, તેના પર સૂર્યા સવાલ ઉઠાવે છે અને ઉપરથી સંપૂર્ણ કાયદેસર જણાતી પરંતુ અંદરથી સડી ગયેલી વ્યવસ્થાના ચોંકાવનારા સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરે છે.

આ ફિલ્મ 20 નવેમ્બરના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રવિ કિશન, પ્રજ્ઞા જાયસવાલ, તનુશ્રી ચક્રવર્તી, મનીષ વાધવા, ટીનુ આનંદ, વિરતી વઘાણી, જિશુ સેનગુપ્તા, ખાલિદ સિદ્દીકી, અનૂપ ત્રિવેદી અને રોહિત તિવારી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.