એક ગીતથી રાતોરાત સ્ટાર બની હતી ગુજરાતી પરિવારમાં જન્મેલી શેફાલી જરીવાલા, આણંદમાં કર્યું હતું એન્જિનિયરિંગ
Shefali Jariwala Life Story: શુક્રવારની રાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખદ રહી. શેફાલી જરીવાલાના 42 વર્ષની ઉંમરે નિધનના સમાચાર મળતાં જ બધા આઘાતમાં મુકાઈ ગયા. 'કાંટા લગા' ગીત ઉપરાંત, અભિનેત્રી 'બિગ બોસ 13' થી પણ ખૂબ પ્રખ્યાત થઈ. એટલું જ નહીં, તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જાણીએ ગુજરાતી પરિવારમાં જન્મેલી શેફાલી જરીવાલાની કારકિર્દી વિશે.
આણંદમાં કર્યું હતું એન્જિનિયરિંગ
શેફાલી જરીવાલાનો જન્મ 1982માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પરંતુ શેફાલીને શરૂઆતથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા હતી. આથી તક મળતા તે સપના પૂરા કરવા મુંબઈ આવી ગઈ. વર્ષ 2002માં માત્ર 19 વર્ષની ઉંમરે તેણે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. જેમાં 'કાંટા લગા' ગીત એટલું સુપરહિટ થયું કે તે રાતોરાત સ્ટાર બની ગઈ.
ગીત એટલું સુપરહિટ થયું કે 'કાંટા લગા ગર્લ' નું બિરુદ મળ્યું
આ હિટ રિમિક્સના કારણે તેને 'કાંટા લગા ગર્લ' નું બિરુદ પણ મળ્યું અને આ સાથે જ તેના સ્ટારડમની શરૂઆત પણ થઈ. આ ગીત વર્ષ 1972 માં રિલીઝ થયેલી ધર્મેન્દ્ર અને આશા પારેખની ફિલ્મ 'સમાધિ' ના લોકપ્રિય ગીતનું રિમિક્સ હતું. આ પછી, શેફાલી જરીવાલાએ કેટલાક વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું, જેમ કે 'કભી આર કભી પાર' અને 'માલ ભારી આથે' વગેરે.
ફિલ્મોમાં પણ કામ કર્યું છે
ગીતોમાં ધૂમ મચાવ્યા બાદ, અભિનેત્રીએ કેટલીક ફિલ્મો માટે પણ કામ કર્યું હતું. જેમાં વર્ષ 2004માં, સલમાન ખાન અને અક્ષય કુમાર અભિનીત 'મુઝસે શાદી કરોગી' માં પણ એક નાના રોલમાં જોવા મળી હતી. બોલિવૂડ ઉપરાંત, શેફાલી જરીવાલાએ સાઉથની ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: 15 વર્ષ સુધી શેફાલી જરીવાલાએ આ બીમારીનો સામનો કર્યો, કરિયર પણ ચોપટ થઈ ગયું હતું
રિયાલિટી શૉમાં પણ જાદુ ફેલાવ્યો
શેફાલી જરીવાલાએ પહેલીવાર વર્ષ 2008માં 'બૂગી-વુગી' નામના રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. આ પછી, અભિનેત્રીએ 2012-2013માં 'નચ બલિયે 5', 2015-2016માં 'નચ બલિયે 7'માં પરાગ ત્યાગી સાથે ભાગ લીધો હતો અને 2019-2020માં 'બિગ બોસ 13' માં દેખાઈ હતી. અભિનેત્રીએ આ શૉમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી અને આ શૉથી પણ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.
અંગત જીવન
શેફાલી જરીવાલાએ વર્ષ 2004માં મીત બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, બંનેએ વર્ષ 2009 માં છૂટાછેડા લીધા અને ત્યારબાદ તેણે વર્ષ 2015 માં અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.