Entertainment

‘2 સપ્તાહમાં રૂ.2 કરોડ જમા કરો, નહીં તો...’ ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને તતડાવ્યા

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં 2 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં 2 અઠવાડિયામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. 5 કરોડ રૂપિયાના બાકી વિવાદમાં કોર્ટે તેમની ધરપકડ સામે 5 ઓક્ટોબર સુધી રક્ષણ આપ્યું, પણ પાસપોર્ટ જમા કરાવવા જણાવ્યું. કોર્ટે અગાઉના વર્તન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, "અદાલતમાં એક્ટિંગ ન ચાલે."

Summarized by AI; it may make mistakes. Check important info

‘2 સપ્તાહમાં રૂ.2 કરોડ જમા કરો, નહીં તો...’ ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને તતડાવ્યા

Rajpal Yadav Check Bounce Case : સુપ્રીમ કોર્ટે મંગળવારે ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને બે અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા જમા કરાવવાની છેલ્લી તક આપી છે. મુરલી પ્રોજેક્ટ્સ કંપનીના 5 કરોડ રૂપિયા બાકી હોવાના આ વિવાદમાં કોર્ટે તેમની ધરપકડ સામેની સુરક્ષા 5 ઓક્ટોબર સુધી લંબાવી છે, પરંતુ સાથે જ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટની આકરી ટિપ્પણી: અદાલતમાં એક્ટિંગ ન ચાલે

સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી બેન્ચે અભિનેતાના અગાઉના વલણ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે રાજપાલ યાદવનું વર્તન ભરોસાપાત્ર રહ્યું નથી, તેઓ બોલિવૂડમાં ડ્રામા અને અભિનય કરવામાં માહિર છે અને કોર્ટમાં પણ એવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, અભિનેતાના વકીલે ખાતરી આપી હતી કે નિયત સમયમાં 2 કરોડ રૂપિયા જમા કરાવી દેવાશે અને બાકીની રકમ માટે ગેરંટી અપાશે, જેના આધારે કોર્ટે બે અઠવાડિયાનો આખરી સમય આપ્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ રાજપાલ યાદવ અને તેમની પત્ની દ્વારા એક ફિલ્મના નિર્માણ માટે 'મુરલી પ્રોજેક્ટ્સ' પાસેથી લેવામાં આવેલા 5 કરોડ રૂપિયા સાથે જોડાયેલો છે. ફિલ્મ નિર્ધારિત સમયમાં પૂર્ણ ન થઈ શકતા બંને પક્ષો વચ્ચે ચાર વખત સમજૂતી કરાર થયા હતા. 2013ના કરાર મુજબ 8 સિક્યોરિટી ચેક પાછા આપવાના હતા, પરંતુ રાજપાલ યાદવના આરોપ મુજબ કંપનીએ તેમાંથી 7 ચેક બેંકમાં જમા કરાવ્યા હતા, જે બાઉન્સ થઈ ગયા હતા. જેના પગલે અભિનેતા સામે ફોજદારી કેસ નોંધાયો હતો અને સેશન્સ કોર્ટે તેમને 6 મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.

ચુકવણી અને વચનપાલનમાં નિષ્ફળતા

અગાઉ દિલ્હી હાઈકોર્ટે વિવાદ ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતાં જેલની સજા પર રોક લગાવી હતી અને મામલો મધ્યસ્થતા કેન્દ્રમાં મોકલ્યો હતો. જોકે, અભિનેતા અદાલત સમક્ષ વારંવાર ખાતરી આપવા છતાં અને હપ્તામાં ચૂકવણી કરવાની મંજૂરી માંગ્યા પછી પણ નક્કી થયેલી રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.