પંચાયત-5માં પીટરસનની એન્ટ્રી, ફુલેરામાં પૂર્વ ક્રિકેટર કેવિન દેશી અંદાજમાં જોવા મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kevin Pietersen Panchayat Season 5 : લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ની પાંચમી સિઝનને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ત્યારે સિરીઝના મેકર્સે એક ખાસ પ્રમોશનલ વીડિયો જાહેર કર્યો છે, જેમાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન ફુલેરા ગામમાં પહોંચેલા જોવા મળે છે. પીટરસનનો અંદાજ પણ એકદમ દેશી છે. તેઓ કુર્તા-પાયજામા પહેરીને, માથે ગમછો બાંધીને અને દાતણ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ ગામની જાણીતી પાણીની ટાંકી પાસે બેસીને ચાનો સ્વાદ પણ માણે છે. આ પ્રમોશનલ વીડિયો પ્રાઇમ વીડિયોના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શેર કરવામાં આવ્યો છે. તેની સાથે લખવામાં આવ્યું છે, 'દેખ રહ્યો હૈ બિનોંદ, કેવિન પીટરસનજી કિતના પ્યાર કરતે હૈં ફુલેરા સે.' આ વીડિયોમાં પીટરસન ‘પંચાયત’ના જાણીતા કલાકારો સાથે પણ જોવા મળે છે.
ફુલેરાની પંચાયતની બેઠકમાં પહોંચ્યા પીટરસન
પ્રમોશનલ વીડિયોમાં કેવિન પીટરસન ફુલેરાની રોજિંદી જિંદગીમાં ભળી જતા જોવા મળે છે. તેઓ પંચાયત કાર્યાલયમાં બેઠકમાં હાજરી આપે છે. ત્યારબાદ સ્થાનિક ચાની દુકાન પર રકાબીમાં ચા પીતા જોવા મળે છે. ફુલેરાની ઓળખ બની ચૂકેલી પાણીની ટાંકીની સરખામણી તેઓ પેરિસના એફિલ ટાવર સાથે કરે છે. આ ઉપરાંત ગામમાં નવા નેતૃત્વ હેઠળ આવેલા બદલાવની ઝલક પણ તેમને જોવા મળે છે. વીડિયોના અંતમાં પીટરસન નવી સિઝન જોવા માટે દર્શકોને અપીલ કરે છે. જોકે, તેઓ ત્યાંથી જવા લાગે છે ત્યારે ગામના નવા પ્રધાન તેમને રોકે છે અને જતાં પહેલાં થોડી વધુ રીલ્સ બનાવવાનો આગ્રહ રાખે છે. પીટરસને સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાનનો એક પડદા પાછળનો ફોટો પણ શેર કર્યો છે. તેમાં તેઓ બનરાકસનું પાત્ર ભજવતા દુર્ગેશ કુમાર અને બિનોંદનું પાત્ર ભજવતા અશોક પાઠક સાથે જોવા મળે છે.
‘પંચાયત-5’માં બનરાકસ બનશે નવા પ્રધાન
‘પંચાયત-5’ના ટ્રેલરમાં આ વખતે ફુલેરાની રાજનીતિમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી ગામના પ્રધાન રહેલા બ્રિજ ભૂષણ દુબે (રઘુબીર યાદવ) હવે સત્તાની ખુરશી પર નથી. તેમના સ્થાને બનરાકસ એટલે કે દુર્ગેશ કુમારે પ્રધાનની ખુરશી સંભાળી લીધી છે. આ બદલાવને કારણે ગામની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા થયા છે. બીજી તરફ સચિવજી એટલે કે જિતેન્દ્ર કુમારની મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી રહી છે. ટ્રેલરમાં રિંકી (સાંવિકા) સાથેના તેમના સંબંધોમાં પણ નવી ગૂંચવણો આવવાના સંકેત મળે છે.
3 ડિસેમ્બરથી પ્રાઇમ વીડિયો પર થશે સ્ટ્રીમિંગ
‘પંચાયત’ની પાંચમી સિઝનમાં ગામડાની રાજનીતિ, હાસ્ય અને અંગત સંબંધોની ગૂંચવણો ફરી એકવાર જોવા મળશે. આ સિરીઝમાં રઘુબીર યાદવ, નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર, સાંવિકા, ચંદન રોય, સુનીતા રાજવર, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સહિતના કલાકારો જોવા મળશે.




