ઓએમજી ટુ મારો આઇડિયા, અક્ષય કુમારે ક્રેડિટ ન આપી : પરેશ રાવલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: પરેશ રાવલે દાવો કર્યો છે કે 'ઓએમજી ટુ' ની મૂળ સ્ટોરી મારી હતી પણ અક્ષય કુમારે તેની સ્ક્રિપ્ટ લઇ લીધી અને તેમાં મન ફાવે તેવા ફેરફારો કરી તેમાંથી ઓએમજીની ફ્રેન્ચાઇઝી ફિલ્મ બનાવી નાંખી હતી. પરેશ રાવલે જણાવ્યું હતું કે મેં આ ફિલ્મનો આઇડિયા નિર્દેશક અમિત રાયને જણાવ્યો હતો અને અમે મળીને તેનો સ્ક્રિન પ્લે બનાવ્યો હતો. પણ તેમાં અક્ષય કુમાર જોડાતાં કહાની મેં ટ્વિસ્ટ આવી ગયો હતો.
પરેશ રાવલના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં દૈવી તત્વની કોઇ વાત જ નહોતી. મારી સ્ટોરીમાં એક કિશોર હસ્તમૈથુન કરતાં પકડાઇ જાય છે અને તેનો વિડિયો વાઇરલ થઇ જતાં તેનું જીવવું મુશ્કેલ બની જાય છે. તેને ઉગારવા અમે 'મુકદ્દર કા સિકંદર'માં કાદર ખાને જે ભૂમિકા ભજવી હતી તેવી કોઇ વ્યક્તિને લેવા માંગતા હતા. આ રોલ માટે અજય દેવગણ અને સલમાનખાનનો પણ મેં સપર્ક કર્યો હતો.
મારી વિપુલ શાહ સાથે મિટિંગ થઇ ત્યારે તેમણે અક્ષય વિશે પૂછતાં મેં તેમને જણાવેલું કે જો મારે તેની સાથે ફિલ્મ બનાવવી હોત તો તેની સાથે સીધી જ વાત કરી હોત. અમે 'ઓએમજી'માં પાર્ટનર હતા એટલે મારે બીજા કોઇને વચ્ચે રાખવાની જરૂર જ નહોતી. અમારી એક મિટિંગમાં અશ્વિન વર્દે પણ હાજર હતા. તેમણે અક્ષય સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એટલે મેં અમિતને કહી દીધું કે હું આ ફિલ્મ બનાવવા માંગતો નથી પણ અક્ષયે અમિત પાસેથી સ્ક્રિપ્ટ લઇ લીધેલી. હું તેનો દોસ્ત હોઇ તેની સાથે લડવાનો સવાલ નહોતો. મેં તેને કહેલુ કે ફ્રેન્ચાઇઝી ન બનાવશો આ એ પ્રકારની ફિલ્મ નથી.
ફિલ્મની પટકથા મારી સ્ટોરીથી અલગ હોઇ મેં ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. પણ સૌથી દુખઃદ બાબત એ છે કે મને સ્ટોરી કે કન્સેપ્ટની પણ ક્રેડિટ આપવામાં આવી નહોતી.
મારું નામ ક્યાંય નહોતું. ૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.









