Rakhi Sawant Shocking Claims on Kapil Sharma: કોમેડી કિંગ કપિલ શર્માના કેનેડા સ્થિત 'કેપ્સ કાફે' (Caps Cafe) પર ફાયરિંગની ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોમેડિયનના કેફે પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હુમલો કરાવ્યો હતો. 'કેપ્સ કાફે' પર એક નહીં બે વાર હુમલો થયો હતો. જોકે, હવે આ સમગ્ર મામલે ભારતીય મનોરંજન જગતની 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાંવતે સનસનીખેજ દાવો કર્યો છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રાખી સાવંતે આરોપ લગાવ્યો કે, કપિલ શર્માએ પોતાના કાફે પર ખુદ ફાયરિંગ કરાવ્યું છે. માત્ર પબ્લિસિટી માટે તેણે આ ફાયરિંગ કરાવ્યું હતું. તેણે કપિલ પર લોરેન્સ બિશ્નોઈને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો અને આ સમગ્ર ઘટનાને સસ્તી પબ્લિસિટી ગણાવી છે.
પોતાના રેસ્ટોરન્ટને હિટ કરવા માટે ખુદ ફાયરિંગ કરાવ્યું
આ ઈન્ટરવ્યુમાં રાખી સાવંતે કહ્યું કે, 'કપિલ શર્માએ પોતાના રેસ્ટોરન્ટને હિટ કરવા માટે ખુદ ફાયરિંગ કરાવ્યું છે. શું અમારા બિશ્નોઈ ભાઈના માણસો એટલા ફ્રી બેઠા છે, કે ત્યાં ફાયરિંગ કરે? અરે ભાઈ તુ પોતાની રેસ્ટોરન્ટને હિટ કરવા માટે કેનેડામાં પબ્લિસિટી કર. તું અમારા ભાઈને કેમ બદનામ કરી રહ્યો છે? બિશ્નોઈ ગેંગને કેમ બદનામ કરી રહ્યો છે? શું તમને આ સસ્તી પબ્લિસિટી નથી લાગતી?'
કપિલના કાફે પર થયો હતો હુમલો
તમને જણાવી દઈએ કે, જુલાઈ 2025માં કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથે બ્રિટિશ કોલંબિયા શહેરમાં 'કેપ્સ કાફે' નામનું એક રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. આ રેસ્ટોરન્ટમાં અનેક રાઉન્ડ ફાયરિંગ થયુ હતું. આ કાફેએ પોતાની સોફ્ટ ઓપનિંગ સેલિબ્રેટ કરી હતી. પરંતુ સેલિબ્રેશન વચ્ચે જ કાફેમાં તોડફોડ કરવામાં આવી હતી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ, પરંતુ મિલકતને ઘણું નુકસાન થયું હતું.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી જવાબદારી
ત્યારબાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પર આ ફાયરિંગની જવાબદારી લીધી હતી અને કપિલ શર્માને કડક ચેતવણી આપી હતી. તેણે લખ્યું હતું કે, 'બધા ભાઈઓને જય શ્રી રામ, સત શ્રી અકાલ. આજે કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલા ફાયરિંગની જવાબદારી ગોલ્ડી ઢિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ લે છે. અમે તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે રિંગ સાંભળી નહોતી સાંભળી, તેથી અમારે કાર્યવાહી કરવી પડી. જો તેને હજુ પણ રિંગ નહીં સંભળાય, તો અમે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં મુંબઈમાં કરીશું.'
આ ઘટના બાદ કપિલ શર્માએ પણ એક નિવેદન જારી કર્યું હતું જેમાં લખ્યું હતું કે, 'મેયર બ્રેન્ડા લૉક, પોલીસ અને તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર, જેમણે કેપ્સ કાફે પર આવીને પોતાનો પ્રેમ અને સમર્થન દેખાડ્યું. હિંસા સામે આપણે બધા એક જૂઠ છીએ. અમે ખરેખર તમારા આભારી છીએ.' હુમલા બાદ તરત જ કાફે જનતા માટે ખુલી ગયું હતું.


