ગોવા-મુંબઈમાં ઘર, 27 એકરનું ફાર્મહાઉસ...: પત્ની અને પુત્ર માટે કરોડોની સંપત્તિ છોડી ગયા નાના પાટેકર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patekar Networth: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે દુનિયાને અલવિદા કહી દીધું છે, તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ક્રાંતિવીરથી લઈને તિરંગા જેવી સુપરહિત ફિલ્મોમાં પોતાના અભિનયના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવનારા નાના પાટેકરનું ગોવામાં નિધન થયું છે. દુનિયાને અલવિદા કહેનારા નાના પાટેકર પોતાની પાછળ ગોવા-મુંબઈમાં ઘર, ખેતીલાયક જમીન સહિત કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
ગોવાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તબીબોએ ગોવા સ્થિત તેમના ફ્લેટ પર જ તાત્કાલિક CPR આપ્યો, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં મણિપાલ હોસ્પિટલ લઈ જવાયા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં અને 75 વર્ષીય દિગ્ગજ એક્ટરે સવારે 5:20 વાગ્યે દુનિયાને અલવિદા કહી દીધું.
બોલિવૂડમાં બનાવી અલગ ઓળખ
નાના પાટેકરનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેમના પિતા દિનકર પાટેકર ટેક્સટાઈલ પેઈન્ટર બિઝનેસ સાથે જોડાયેલા હતા. રિપોર્ટ્સનું માનીએ તો, પારિવારિક બિઝનેસ બંધ થયા પછી નાના પાટેકરે પોતે જેબ્રા ક્રોસિંગ અને ફિલ્મ પોસ્ટર્સ પેઈન્ટ કરવાનું કામ કર્યું હતું. પરંતુ, પોતાના બાળપણમાં આર્થિક તંગી જોનારા નાના પાટેકરે હાર ન માની અને પોતાની મહેનત અને ટેલેન્ટના દમ પર બોલીવુડમાં એન્ટ્રી લઈને અલગ ઓળખ બનાવી. 'ક્રાંતિવીર', 'તિરંગા', 'વેલકમ', 'અબ તક છપ્પન', 'ગુલામ-એ-મુસ્તફા' જેવી ફિલ્મોથી તેમણે મોટી ફેન ફોલોઈંગ બનાવી.
પત્ની અને પુત્ર માટે છોડી ગયા આટલી સંપત્તિ!
લગભગ ચાર દાયકા સુધી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા નાના પાટેકર હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેઓ પોતાની પાછળ પત્ની નીલકાંતી પાટેકર અને પુત્ર મલ્હાર પાટેકર માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે. નાના પાટેકરની નેટવર્થની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમની અંદાજિત નેટવર્થ 80 કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવી રહી છે.
ગોવા અને પુણેમાં ઘર, 27 એકર જમીન
રિપોર્ટ્સનું માનીએ તો, સાદું જીવન જીવનારા દિવંગત અભિનેતા નાના પાટેકર પાસે ગોવામાં ફ્લેટ ઉપરાંત પુણે લો કોલેજ રોડ પર એક ઘર હતું. આ સિવાય તેમની પાસે મુંબઈમાં એક 1 BHK ફ્લેટ પણ હોવાની માહિતી મળી રહી છે. પુણે નજીક ખડકવાસલા જિલ્લાના એક ગામમાં તેમનું એક ફાર્મહાઉસ છે અને અભિનેતા પોતાનો મોટાભાગનો સમય આ 27 એકરના ફાર્મહાઉસમાં જ વિતાવતા હતા. અહીં ઘઉં અને ડાંગરના પાક પણ ઉગાડતા હતા. ખાસ વાત એ છે કે તેઓ ખેતીમાંથી થતી કમાણીને ખેડૂતોમાં વહેંચી દેતા હતા.
ખેડૂતોની મદદ માટે NAAM ફાઉન્ડેશન
નાના પાટેકર ખેડૂતો માટે ઘણું બધું કરતા હતા. તેમણે વર્ષ 2015માં NAAM ફાઉન્ડેશન (NAAM Foundation)ની શરૂઆત કરી હતી. આ એક રજિસ્ટર્ડ બિન-લાભકારી સંગઠન (NGO) છે, જેનું મુખ્યાલય પુણેમાં છે. આના દ્વારા તેઓ મહારાષ્ટ્રમાં ગંભીર દુષ્કાળ, પાણીની અછત અને દેવા કે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારો અને જરૂરિયાતમંદ ગ્રામજનોની મદદ કરતા હતા. ગરીબ ખેડૂતોની દીકરીઓના લગ્નમાં પણ તેઓ આર્થિક યોગદાન આપતા હતા.




