Entertainment

'હનુમાન અંશ' ફિલ્મે 800% થી વધુ નફો કરી સર્જ્યો નવો ઇતિહાસ! જાણો બજેટ અને કમાણીનો આંકડો

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
'હનુમાન અંશ' ફિલ્મે ₹2 કરોડના બજેટ સામે ₹18.13 કરોડથી વધુ કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મ 7 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. શરૂઆતમાં ધીમી ગતિ બાદ, 17મા દિવસથી માઉથ પબ્લિસિટીને કારણે કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. નિર્દેશકે પ્રમોશન માટે 8 ભંડારા યોજી, સાત્વિક નિયમો પાળી, ફિલ્મ બનાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હનુમાન અંશ' ફિલ્મે 800% થી વધુ નફો કરી સર્જ્યો નવો ઇતિહાસ! જાણો બજેટ અને કમાણીનો આંકડો

Hanuman Ansh Box Office Collection: સહજ અને સકારાત્મક માઉથ પબ્લિસિટીના આધારે 'હનુમાન અંશ' ફિલ્મે 800 ટકાથી વધુ નફો કરીને ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ સર્જ્યો છે. ગત 7 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'હનુમાન અંશ' ફિલ્મે શરૂઆતના બે સપ્તાહમાં ઓછા ફોર્મ બાદ ત્રીજા અઠવાડિયાથી એવી ઝડપ પકડી હતી. જેમાં ફિલ્મે ત્રીજા સપ્તાહમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાવીને માત્ર ₹2 કરોડના બજેટ સામે મોટું પ્રોફિટ માર્જિન હાંસલ કર્યું છે.

ઓપનિંગ ડેથી 22મા દિવસ સુધીની સફર

Sacnilkના આંકડા અનુસાર, રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મે ₹10 લાખની કમાણી કરી હતી. જેમાં પહેલા 2 સપ્તાહ દરમિયાન પણ ફિલ્મનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો અને તેમાં ફિલ્મે માંડ ₹1.48 કરોડ એકત્રિત કરી શકી હતી.

પરંતુ 17મા દિવસથી પાસા પલટાયા હતા. 17મા દિવસે ફિલ્મે એક જ દિવસમાં ₹2.20 કરોડની કમાણી કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોના વખાણ અને એકબીજાને ફિલ્મ જોવાની ભલામણો વધતા જ સિનેમાઘરોમાં અચાનક પ્રેક્ષકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પરિણામે ત્રીજા અઠવાડિયામાં જ ફિલ્મે ₹10.40 કરોડ કમાણી કરી હતી.

એક જ દિવસમાં 197 ટકાનો ગ્રોથ, કુલ કમાણી ₹18 કરોડ પાર

ફિલ્મની ખરી કમાણી અને ક્રેઝ શુક્રવારે (22મા દિવસે) જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારના ₹2.10 કરોડના કલેક્શન સામે શુક્રવારે ફિલ્મે 197.6% નો જંગી ઉછાળો મારીને એક જ દિવસમાં ₹6.25 કરોડનો સપાટો બોલાવ્યો હતો.

આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ બોક્સ ઓફિસ કલેક્શન ₹18.13 કરોડ પર પહોંચી ગયું છે. પ્રથમ દિવસના ₹10 લાખના કલેક્શનની સરખામણીએ 22મા દિવસે ₹6.25 કરોડનું કલેક્શન એ સીધો 6,150% નો જંગી ઉછાળો દર્શાવે છે. માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 800 ટકાથી વધુ નફો કરી લીધો છે.

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે ફિલ્મ

વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મ 'હનુમાન અંશ' એ પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક પ્રભાવ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી એક એવા દૂખી બાળકની આસપાસ ફરે છે જે પોતાની સ્વર્ગસ્થ માતાને મેળવવા ભગવાનની શોધમાં નીકળે છે અને અંતે માનવસેવા, પ્રેમ, ભંડારા અને મૌન આશીર્વાદના ચમત્કારો દ્વારા નીમ કરોલી બાબા તરીકે ઓળખાય છે. ફિલ્મમાં સોભિનવ સત્યાએ નીમ કરોલી બાબાની ભૂમિકા ભજવી છે.

સેટ પર કડક નિયમો

ફિલ્મ નિર્દેશક અને લેખક વિશાલ ચતુર્વેદીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ બનાવતા પહેલાં નિર્માતાઓએ પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. મહારાજે સલાહ આપી હતી કે નીમ કરોલી બાબાનું પાત્ર ભજવનાર કલાકાર અને સેટ પરના લોકોએ કડક સાત્વિક નિયમોનું પાલન કરવું પડશે.

વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સેટ પર માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવતું હતું. દારૂ કે અન્ય કોઈ વ્યસન પર સખત મનાઈ હતી. શૂટિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ગાળો બોલી શકતી નહોતી કે કોઈ પણ પ્રકારનો ઝગડો કરી શકતી નહોતી. દરરોજ શૂટિંગની શરૂઆત અને અંત હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવતો હતો. જ્યારે પણ સેટ પર કોઈ મુશ્કેલી આવતી, આખી ટીમ હનુમાન ચાલીસાના જાપ કરતી હતી.

આ પણ વાંચો: પાર્ટીમાં નશામાં સુભાષ ઘાઈ સાથે બાખડ્યો હતો સલમાન ખાન! વાત મારામારી સુધી પહોંચી, જાણો જૂનો કિસ્સો

પેમ્ફલેટ કે પોસ્ટર નહીં, 8 ભંડારા યોજીને કર્યું પ્રમોશન!

દિગ્દર્શકે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની પાસે ફિલ્મના માર્કેટિંગ કે પબ્લિસિટી માટે પૈસા નહોતા. તેથી તેમણે પરંપરાગત પ્રમોશન કરવાને બદલે 8 જગ્યાએ મોટા ભંડારા યોજ્યા હતા. આ ભંડારા જ તેમનું મુખ્ય પ્રમોશન સાબિત થયા અને નીમ કરોલી બાબાનો મેસેજ લોકો સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત, સેન્સર બોર્ડ(CBFC) દ્વારા ફિલ્મને આપવામાં આવેલું 'U' સર્ટીફિકેટ પણ પરિવાર સાથે ફિલ્મ જોવા આવતા દર્શકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.