ગોવિંદાની ઈવેન્ટમાં બબાલ, એક્ટરે માફી માગ્યાના અહેવાલો વચ્ચે મેનેજરે કર્યો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govinda in Latest Controversy: બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા ગોવિંદા એક કાર્યક્રમ બાદ અચાનક જ વિવાદમાં ફસાઈ ગયો છે. મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટ બાદ ગોવિંદાની સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો હતો કે, આ હોબાળા બાદ સુપરસ્ટારે માફી માંગી હતી. જો કે, ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ આ તમામ અહેવાલોને નકારીને હકીકત જાહેર કરી છે.
ગોવિંદાના મેનેજરે શું કહ્યું?
અભિનેતાના મેનેજર શશિ સિંહાએ વાઇરલ અહેવાલો પર સત્તાવાર નિવેદન આપતા તમામ દાવા પાયાવિહોણા ગણાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર સિંહાએ પ્રશ્ન કર્યો હતો કે, ‘આ ઘટનામાં ગોવિંદાની કોઈ ભૂલ જ નહોતી, તો પછી તેઓ માફી શું કામ માંગે?’
તેમણે ઘટનાની વિગત આપતા આગળ ઉમેર્યું કે, ‘ગોવિંદા એક બ્યુટી પેજન્ટ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવા ગયા હતા. ઇવેન્ટ પૂરી થયા બાદ ફોટોગ્રાફર્સ એક રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘૂસીને તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો આગ્રહ કરી રહ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હતો અને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો હતો.’
‘આવી નાની-મોટી બાબતો બનતી રહે છે’
ગોવિંદાની સિક્યોરિટી ટીમનો બચાવ કરતા મેનેજરે જણાવ્યું હતું કે, આવા ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં હાજર દરેક વ્યક્તિને ઓળખવી સિક્યોરિટી ગાર્ડ્સ માટે શક્ય નથી હોતી. આવા પ્રોગ્રામ્સમાં ભારે ભીડ હોય છે, તેથી સુરક્ષાકર્મીઓને હંમેશા એ ખબર નથી હોતી કે કઈ વ્યક્તિ કોણ છે. તેમણે પ્રતિબંધિત વિસ્તારમાં આવતા એક વ્યક્તિને રોક્યો હતો, જેના કારણે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી. આવા મોટા કાર્યક્રમોમાં આવી બાબતો સામાન્ય છે.’
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઘણી વખત સુરક્ષાના કારણોસર તેમને પોતાને પણ સિક્યોરિટી ગાર્ડ્સ રોકતા હોય છે. જ્યારે સુરક્ષાકર્મીઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે આ બાબતને ખોટો રંગ આપીને હંગામો મચાવવાનો કોઈ અર્થ નથી.
ઇવેન્ટની બહાર શું બની હતી ઘટના?
ગોવિંદા તાજેતરમાં જ મુંબઈમાં આયોજિત 'મિસિસ ઈન્ડિયા ક્વિન- પહેચાન મેરી સિઝન 4'ના ગ્રાન્ડ ફિનાલેમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે ગોવિંદા હોલની બહાર નીકળ્યો, ત્યારે ફોટોગ્રાફર્સ તેની તસવીરો ખેંચવા અને બાઈટ લેવા માટે તેમની આસપાસ જમા થઈ ગયા હતા.
આ અફરાતફરી અને ભારે ભીડ વચ્ચે, ગોવિંદાને સુરક્ષિત બહાર કાઢવા માટે એક સિક્યોરિટી ગાર્ડે કથિત રીતે એક ફોટોગ્રાફરને ધક્કો મારી દીધો હતો. આનાથી નારાજ થઈને તે ફોટોગ્રાફરે તુરંત પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે કહ્યું, ‘તમે આ શું કરી રહ્યા છો? મને હાથ કેમ લગાવી રહ્યા છો?’
જો કે, આ સમગ્ર હંગામા દરમિયાન પણ ગોવિંદા અત્યંત શાંત રહ્યો હતો અને તેણે પરિસ્થિતિ સંભાળતા તે ફોટોગ્રાફરને 'દોસ્ત' કહીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.









