Entertainment

પોક્સોના કેસમાં ફસાયો જાણીતો ટીવી એક્ટર, પોલીસે શૂટિંગ વચ્ચે ધરપકડ કરતા કો-એક્ટર ચોંકી

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ટીવી અભિનેતા રોહિત ચંદેલની 16 વર્ષની સગીરાનો પીછો કરવા, હેરાન કરવા અને મારપીટ કરવાના આરોપસર ધરપકડ કરાઈ છે. ઘાટકોપર પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી શુક્રવારે તેને ઝડપ્યો. સિરીયલનો ટ્રેક વાસ્તવિકતા બનતા કો-સ્ટાર કિશોરી શહાણેને પણ આંચકો લાગ્યો. કોર્ટે અભિનેતાને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોક્સોના કેસમાં ફસાયો જાણીતો ટીવી એક્ટર, પોલીસે શૂટિંગ વચ્ચે ધરપકડ કરતા કો-એક્ટર ચોંકી

Reel Drama Turns Real Trauma: મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને ‘પંડ્યા સ્ટોર’ તેમજ વર્તમાન શો ‘સૈરાબ’ ફેમ રોહિત ચંદેલની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. રોહિત પર 16 વર્ષની સગીરાનો પીછો કરવા, તેને હેરાન કરવા અને તેની સાથે મારપીટ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કેસમાં ઘાટકોપર પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી શુક્રવારે એક્ટરની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ ઘટનાથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે સનાટો વ્યાપી ગયો છે.

સિરીયલ જેવા જ ટ્રેકને કારણે કો-સ્ટાર કિશોરી શહાણેને લાગ્યો મોટો ઝટકો

આ હાઈ-પ્રોફાઈલ ધરપકડ બાદ એક્ટરના ફેન્સ સહિત તેના સાથી કલાકારો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ મામલે રોહિત ચંદેલની ઓન-સ્ક્રીન મધર અને સિનિયર એક્ટ્રેસ કિશોરી શહાણેની ખૂબ જ આશ્ચર્યજનક પ્રતિક્રિયા સામે આવી છે. કિશોરી શહાણેએ જણાવ્યું કે, જ્યારે તેમણે પહેલીવાર મીડિયામાં રોહિતની ધરપકડના સમાચાર વાંચ્યા, ત્યારે તેમને લાગ્યું કે આ તેમના ચાલુ શો ‘સૈરાબ’ના પ્રમોશન માટે કરવામાં આવેલો કોઈ 'PR સ્ટન્ટ' છે.

વાસ્તવમાં, સંજોગોવશાત હાલમાં આ સિરીયલમાં પણ કંઈક આવો જ ટ્રેક ચાલી રહ્યો છે, જેમાં રોહિત ચંદેલ દ્વારા ભજવવામાં આવી રહેલા પાત્ર ‘ઈશાન’ પર એક સગીર છોકરી ગંભીર આરોપો લગાવે છે. કિશોરી શહાણેએ કહ્યું કે, રિયલ લાઈફમાં પણ આવું જ બનતાં તેઓ શરૂઆતમાં તેને પબ્લિસિટી સ્ટન્ટ સમજી બેઠા હતા, પરંતુ બાદમાં ખબર પડી કે આ ઘટના સંપૂર્ણપણે સાચી છે. જોકે, તેમણે ઉમેર્યું કે સેટ પર શૂટિંગ હજુ પણ સામાન્ય રીતે ચાલી રહ્યું છે અને તેઓ બે દિવસ પહેલા સુધી રોહિત સાથે શૂટિંગ કરી રહ્યા હતા.

16 વર્ષની સગીરાએ લગાવ્યા ગંભીર આરોપ

પોલીસ ફરિયાદ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ 16 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે રોહિત ચંદેલ તેની મરજી વિરુદ્ધ સતત અલગ-અલગ મોબાઈલ નંબર પરથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આટલું જ નહીં, સગીરાનો દાવો છે કે 5 જુલાઈના રોજ એક્ટર તેના ઘરની નજીક પહોંચી ગયો હતો, તેનો પીછો કર્યો હતો, તેની સાથે ઉગ્ર દલીલો અને ગાળાગાળી કરી હતી તેમજ કથિત રીતે તેની સાથે મારપીટ પણ કરી હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રોહિત અને આ સગીરા એકબીજાને અગાઉથી ઓળખતા હતા.

કોર્ટે એક્ટરને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

શુક્રવારે ધરપકડ કર્યા બાદ મુંબઈ પોલીસે રોહિત ચંદેલને વિશેષ પોક્સો (POCSO) કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ એક્ટરને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા અને પોક્સોની કડક કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસ હાલ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. રોહિત ચંદેલે પોતાના કરિયરની શરૂઆત નાના રોલથી કરી હતી અને ત્યારબાદ ‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’ અને ‘પંડ્યા સ્ટોર’ જેવી લોકપ્રિય સિરીયલો દ્વારા તેને ઘરે-ઘરે મોટી ઓળખ મળી હતી. હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર પોલીસ તપાસના પરિણામ પર ટકેલી છે.