Entertainment

ફિલ્મ 'રામાયણ'માં કોસ્ચ્યુમ પર વિવાદ, સીતાના બ્લાઉઝથી શૂર્પણખાના લૂક બાબતે ડિઝાઈનર્સે શું કહ્યું?

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ના ટ્રેલરને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે. ખાસ કરીને સીતાના પાત્રના સીવેલા બ્લાઉઝ અને શૂર્પણખાના 'બંડો' લુક પર સવાલો ઉઠ્યા છે. કોસ્ચ્યુમ ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીતે સ્પષ્ટતા કરી કે, તેમનો ઉદ્દેશ્ય સિનેમેટિક અર્થઘટન કરવાનો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાચીન કાળના પોશાકો માટે કોઈ એકમાત્ર સાચો સંદર્ભ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ 'રામાયણ'માં કોસ્ચ્યુમ પર વિવાદ, સીતાના બ્લાઉઝથી શૂર્પણખાના લૂક બાબતે ડિઝાઈનર્સે શું કહ્યું?
ફોટો સોર્સ/RAMAYANA Trailer

Ramayana Movie Costume Controversy: નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સિનેપ્રેમીઓ અને ટીકાકારો દરેક દૃશ્ય, પાત્ર અને પોશાકનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. ખાસ કરીને સાઈ પલ્લવી દ્વારા ભજવાતા સીતાના પાત્રના સીવેલા બ્લાઉઝ અને શૂર્પણખાના 'બંડો' (Bando) લુકને લઈને ઈન્ટરનેટ પર તીવ્ર મતમતાંતરો જોવા મળ્યા છે. કેટલાક લોકોએ કપડાંની સીવણ અને શૈલીને આધુનિક ગણાવીને ત્રેતાયુગની ઐતિહાસિક સચોટતા પર સવાલો ઉઠાવ્યા છે. આ તમામ ટિપ્પણીઓ અને સવાલો વચ્ચે ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીતે પોતાની મૌન તોડ્યું છે અને દરેક ટાંકા, કાપડની પસંદગી અને ડિઝાઇન પાછળના દૃષ્ટિકોણ વિશે વિગતવાર સ્પષ્ટતા કરી છે.

પ્રેક્ષકોની પ્રતિક્રિયાનો શું જવાબ આપ્યો?

ડિઝાઇનર જોડી રિમ્પલ અને હરપ્રીતે સ્વીકાર્યું છે કે તેઓ આ પ્રકારની પ્રતિક્રિયાઓથી આશ્ચર્યચકિત નથી, તેઓ તેની અપેક્ષા રાખતા જ હતા. તેમને કહ્યું કે-

રામાયણ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ આ દેશની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું એક એવું મહાકાવ્ય છે જેનો લહાવો લઈને લોકો મોટા થયા છે. દરેક ભારતીયના મનમાં રામ, સીતા, લક્ષ્મણ અને રાવણની ચોક્કસ છબી વણાયેલી છે. તેથી લોકોના મજબૂત મંતવ્યો હોય તે સ્વાભાવિક છે અને અમે કલાકારો તરીકે તે લાગણીઓનો આદર કરીએ છીએ.

ટીકાનો આદર કરવાની વાત કરીને તેમણે એક મહત્ત્વની વાત પણ કરી કે પ્રાચીન કાળના પોશાકો માટે કોઈ એકમાત્ર ‘સાચી’ રીત કે સંદર્ભ ઉપલબ્ધ નથી. ભારતમાં હંમેશાં વિવિધ પ્રદેશો, કાપડ અને પહેરવેશની વૈવિધ્યસભર શૈલીઓ રહી છે. તેથી તેમનો હેતુ ધાર્મિક અને પૌરાણિક પુસ્તકોમાં જોવા મળતા ચિત્રોનું શાબ્દિક અનુકરણ (Copy-Paste) કરવાનો નહોતો, પરંતુ ભારતીય સંસ્કૃતિના તત્વો ધરાવતું સિનેમેટિક અર્થઘટન કરવાનો હતો, જે ફિલ્મના સ્કેલ માટે યોગ્ય હોય.

સીતાનો લુક: ગ્રેસ, સરળતા અને સિનેમેટિક વાસ્તવિકતા

સૌથી મોટો પ્રશ્ન એ ઊઠ્યો છે કે, ‘શું સીતાને ફીટેડ અને સીવેલું બ્લાઉઝ પહેરાવીને તેમને જાણીજોઈને આધુનિક દર્શાવવામાં આવ્યા છે?’ ડિઝાઇનર્સે આ સંભાવના નકારી કાઢતાં ખુલાસો કર્યો છે કે બ્લાઉઝનો ઉપયોગ સીતાને આધુનિક બનાવવા માટે કરવામાં આવ્યો નથી. કોસ્ચ્યુમ ડિઝાઇન કરતી વખતે અમે પાત્રના વ્યક્તિત્વ, બોડી લેંગ્વેજ અને વાતાવરણને ધ્યાનમાં રાખીએ છીએ. સીતાના પાત્ર માટે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ‘ભવ્યતા કરતાં ગૌરવ અને શુદ્ધતા’ જાળવવાનો હતો. અમારે વસ્ત્રો હાલતાચાલતા પાત્રોને પહેરાવવાના હતા, મ્યુઝિયમમાં સ્થિર ઊભેલા સ્ટેચ્યુને નહીં. તેથી કલાકારોની સુવિધા જળવાઈ રહે અને શૂટિંગમાં કોસ્ચ્યુમને લીધે કોઈ તકલીફ ન આવે એ માટે વસ્ત્રોના નિર્માણમાં વ્યવહારુ નિર્ણયો લેવા જરૂરી બને છે.

સીતા વિરુદ્ધ શૂર્પણખા: વ્યક્તિત્વનો વિરોધાભાસ

ટ્રેલરમાં સીતા સરળ અને મર્યાદાપૂર્ણ વસ્ત્રોમાં દેખાય છે, જ્યારે શૂર્પણખા ઓપન શોલ્ડર અને બંડો બ્લાઉઝમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ ચાલી કે આ તફાવત નૈતિકતા દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. આના જવાબમાં ડિઝાઇનર્સે જણાવ્યું કે-

સીતા અને શૂર્પણખા બંને એકબીજાથી સાવ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. શૂર્પણખાનું પાત્ર બોલ્ડ, શક્તિશાળી, આત્મવિશ્વાસુ અને ઉશ્કેરણીજનક છે. તેના પોશાકમાં દેખાતો 'બંડો' કે ઓપન શોલ્ડર કોઈ સમકાલીન ફેશન ટ્રેન્ડ નથી, પરંતુ તેના બિન્ધાસ્ત અને મુક્ત સ્વભાવને રજૂ કરવા માટેનો પ્રયાસ છે. તેની જ્વેલરી અને ટેક્સચર એવી રીતે પસંદ કરાયા છે જેથી તે રામાયણ-કાળથી અલગ દુનિયાની ન લાગે.

નવી દુનિયાનું નિર્માણ કરવાનો હેતુ

રિમ્પલ અને હરપ્રીત માટે આ પ્રોજેક્ટ માત્ર કપડાં ડિઝાઇન કરવાનો નહોતો, પણ એક સમગ્ર 'વિશ્વ-નિર્માણ' (World-Building) નો હતો. પાત્ર બોલે તે પહેલાં તેનો પોશાક જોઈને દર્શક તે પાત્રનું બેકગ્રાઉન્ડ સમજી શકે તેવો પ્રયાસ તેમણે કર્યો છે. જે રીતે અયોધ્યાની ભવ્યતા લંકાના વાતાવરણથી અલગ દેખાવી જોઈએ અને રામની ભાષા રાવણની ભાષાથી જુદી હોવી જોઈએ, એ જ રીતે પાત્રોના વસ્ત્રોમાં પણ તેમના વ્યક્તિત્વને નિખાર આપે એવું વૈવિધ્ય લાવવા માટે ડિઝાઇનરે ભારતના સ્થાપત્ય, શિલ્પકળા, વણાટ પરંપરાઓ અને ચિત્રકળા પર મહિનાઓ સુધી ઊંડું સંશોધન કર્યું હતું, એમ ડિઝાઇનર્સે જણાવ્યું છે. આખી દુનિયાના દર્શકો આગળ ભારતના કાપડ, કુદરતી રંગો અને હસ્તકળાના વારસાને ગૌરવ સાથે રજૂ કરવાનો તેમનો આ પ્રયાસ છે, એવું તેમનું કહેવું છે.