'ભાગમ ભાગ ૨' માંથી ગોવિંદા આઉટ! પરેશ રાવલે મનોજ બાજપેયીની એન્ટ્રી પર મારી મહોર, ફેન્સમાં જોવા મળી ભારે નિરાશા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govinda in bhagam bhag 2 : હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, ફિલ્મ ‘ભાગમ ભાગ 2’ માં ગોવિંદાની જગ્યાએ મનોજ બાજપેયીને લેવામાં આવ્યા છે. આ સમાચારથી ચાહકોએ ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા પર લોકો નિરાશ પણ જોવા મળ્યા હતા. પરંતુ આ સમાચાર સાચા સાબિત થયા છે. હવે પરેશ રાવલે પણ ગોવિંદાના ફિલ્મમાંથી બહાર થવાની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે આ ફિલ્મમાં ડબલ રોલ ભજવવાના છે.
ગોવિંદાના બહાર થવા અંગે પરેશ રાવલે શું કહ્યું?
પરેશ રાવલે કન્ફર્મ કર્યું છે કે, મનોજ બાજપેયી ‘ભાગમ ભાગ 2’ માં લીડ રોલમાં જોવા મળશે. પ્રથમ ‘ભાગમ ભાગ’ માં ગોવિંદા અને અક્ષય કુમારની જોડીએ પોતાની જબરદસ્ત કોમિક ટાઇમિંગથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા. સીક્વલમાં મનોજ અને અક્ષયની જોડી પર વાત કરતા પરેશ રાવલે જણાવ્યું કે, "આ એક અલગ અને અનોખું કોમ્બિનેશન હશે."
જ્યારે તેમને ગોવિંદાના ફિલ્મમાંથી બહાર થવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મને ખરેખર આ વિશે કોઈ જાણકારી નથી. પરંતુ અમને ગોવિંદાની ખોટ ચોક્કસપણે સાલશે." સાથે જ તેમણે ઉમેર્યું કે તેઓ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યા છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
‘ભાગમ ભાગ’ માં આઇકોનિક છે ગોવિંદાનું પાત્ર
વર્ષ 2006માં રિલીઝ થયેલી ‘ભાગમ ભાગ’ એક લોકપ્રિય કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું. અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ તેના રમુજી સંવાદોને કારણે સમય જતાં 'કલ્ટ ફેવરિટ' બની ગઈ હતી.
જોકે, સીક્વલમાં ગોવિંદા ન હોવાને કારણે ચાહકો ખુશ નથી. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને મેકર્સને અપીલ કરી છે કે ગોવિંદા વિના ફિલ્મને આગળ વધારવામાં ન આવવી જોઇએ.
ગોવિંદાના કરિયરની ચર્ચા
ગોવિંદાના કરિયરમાં આવેલા ડાઉનફોલ વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. 1990ના દાયકામાં ગોવિંદા બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંના એક હતા, પરંતુ 2000ના દાયકાના અંતમાં તેમનું કરિયર ધીરે ધીરે નબળું પડ્યું. તેમણે ઘણી વખત કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નવી પેઢીના કલાકારોના આગમન પછી તેમને ખાસ સફળતા મળી નહીં. તેઓ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. યુઝર્સનું માનવું છે કે 'ભાગમ ભાગ 2' ગોવિંદા માટે એક મોટી તક સાબિત થઈ શકી હોત, પરંતુ અહીં પણ તેમને બહાર કરી દેવામાં આવ્યા છે.









